• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Increasing Modi Shah Visits, BJP Has Landed Saurashtra Veterans Mandaviya Rupala Sanghani In Surat, Alienated Patidars Main 'target'

સુરતમાં AAPને અટકાવવા BJPનું 'બ્રહ્માસ્ત્ર'!:મોદી-શાહની મુલાકાતો વધારી ભાજપે સૌરાષ્ટ્રના દિગ્ગજ માંડવિયા-રૂપાલા-સંઘાણીને સુરતમાં ઉતાર્યા, વિમુખ થયેલા પાટીદારો મેઇન 'ટાર્ગેટ'

સુરત10 દિવસ પહેલાલેખક: પંકજ રામાણી

ગુજરાતમાં આ વખતની વિધાનસભા ચૂંટણી ભલે હજી જાહેર નથી થઈ, પણ માહોલ જામી રહ્યો છે. આ વખતે લડાઈ પણ અલગ પિચ પર ચાલી રહી છે. શાસક ભાજપ માટે પાટીદારોની નારાજગીએ ફરી ચિંતા વધારી છે, પણ આ ચિંતાનું કારણ કોંગ્રેસ નહી બલકે આમ આદમી પાર્ટી (AAP) છે. સુરત આમ તો ભાજપનો મજબૂત ગઢ છે, પરંતુ સુરત લૂંટાવાનો ઇતિહાસ પણ રહ્યો છે. આ વખતે AAP સુરતમાં ગાબડું પાડે તો નુકસાન સૌરાષ્ટ્રમાં થાય એવું છે. આ કારણે જ ભાજપે અત્યારથી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી જેવા દિગ્ગજ નેતાઓને સુરતમાં વરાછા-કતારગામની શેરીઓમાં ઉતારી દીધા છે.

સુરત એટલે સૌરાષ્ટ્રનો 'ગેટવે', જે ગુમાવવો ન પોષાય
આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું મજબૂત સ્થાન જાળવી રાખ્યું છે. સાથે જ સુરતની સાતેક બેઠકો પર AAP મજબૂતીથી આગળ વધી રહી છે. વરાછા-કતારગામ સહિતના વિસ્તારોમાં સૌરાષ્ટ્રીયન પાટીદારોનું પીઠબળ AAPને મળી રહ્યું છે. હવે અહીં ભાજપમાં ગાબડું પડે તો તેની અસર ભાવનગર-અમરેલી સહિતના સૌરાષ્ટ્રમાં પડી શકે છે જેની 47 સીટ છે. આ કારણથી જ ભાજપે સૌરાષ્ટ્રના કદાવર નેતાઓએ સુરતમાં બિરાજમાન કરાવી દીધા છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની સુરતની મુલાકાતો પણ વધારી દીધી છે.

સૌરાષ્ટ્રીયન પાટીદાર મતદારોને રીઝવવા પ્રયાસ
સુરતની 12 વિધાનસભાની બેઠકોમાંથી 5 બેઠકો પર સૌરાષ્ટ્રીયન પાટીદારોનું પ્રભુત્વ છે. આ બેઠકોના મતદારોએ ગત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરને અવગણીને ભાજપના ઉમેદવારોને જિતાડ્યા હતા. ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને પછાડીને મતદારોએ આમ આદમી પાર્ટી (AAP) પર જીતનો કળશ ઢોળ્યો હતો. આનું લર્નિંગ લઈ AAP આ વિસ્તારમાં સંગઠનને મજબૂત કરવા રાત-દિવસ એક કરી રહી છે. ત્યારે વિમુખ થયેલા મતદારોને ફરીથી પોતાની તરફે કરવા માટે ભાજપ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રના આ નેતાના આંટાફેરા વધ્યા
સૌરાષ્ટ્રમાં ભાજપના કદાવર ગણાતા નેતાઓ અને સુરતમાં પણ વર્ચસ્વ ધરાવતા નેતાઓએ વિધાનસભાની ચૂંટણી અગાઉ આંટાફેરા વધારી દીધા છે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પુરુષોતમ રૂપાલા અને સહકારી અગ્રણી તથા ભાજપના નેતા દિલીપ સંઘાણી સહિતના નેતાઓના પ્રવાસો સુરતમાં વધી ગયા છે. જાહેર કાર્યક્રમો પણ આ નેતાઓના વધી ગયા છે. જાહેર કાર્યક્રમોમાં આવતા આ નેતાઓ ખાનગીમાં પણ મતદારોને રીઝવવા માટે ખાટલા બેઠકો યોજતા હોવાનું સામે આવી રહ્યું છે.

થોડા દિવસોમાં ક્યારે ક્યા નેતા આવ્યા

  • યુવા દિવસના 11મી સપ્ટેમ્બરના સરદારધામના કાર્યક્રમમાં મનસુખ માંડવિયા આવ્યા. તેમનું મેઈન ફોકસ યુવા મતદારોને આકર્ષવાનું હતું.
  • 13 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારના મંત્રી પુરુષોત્તમ રૂપાલા ડુમસ ખાતે સમર્થ ટ્રસ્ટના શિક્ષા સંગમના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે વાલીઓ તથા સિનિયર સિટિઝનો પર ફોકસ કર્યું.
  • 14 સપ્ટેમ્બરે સહકારી ક્ષેત્રમાં અગ્રણી સ્થાન ધરાવતા અને પાટીદાર નેતા દિલીપ સંઘાણી હજીરામાં કૃભકોના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
રૂપાલા સહિતના નેતાઓના આંટાફેરા વધ્યા.
રૂપાલા સહિતના નેતાઓના આંટાફેરા વધ્યા.

જાહેર બાદ ખાનગી કાર્યક્રમો યોજ્યા
સુરતના કદાવર નેતાઓ હાલ જાહેર કાર્યક્રમોમાં આવવાની સાથેસાથે ખાનગીમાં મતદારોને રીઝવવા માટે ખાટલા બેઠકોની જેમ મિટિંગ યોજે છે. પાટીદાર સામાજિક અગ્રણીઓને મળીને તથા સોસાયટીઓની વાડીની સાથે સાથે ફાર્મ હાઉસમાં પણ અગ્રણીઓને એકઠા કરીને મતદારો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફી વધુ મતદાન કેવી રીતે કરી શકે તે માટેની રણનીતિઓ પણ ગોઠવવામાં આવી રહી છે.

અગ્રણીઓની મુલાકાતો વધી ગઈ.
અગ્રણીઓની મુલાકાતો વધી ગઈ.

અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત
સુરતમાં હીરા ઉદ્યોગ સાથે ભાવનગર અને અમરેલી જિલ્લાના લોકો વધુ સંકળાયેલા છે. ત્યારે હીરા ઉદ્યોગની એક એક કંપનીમાં હજારો રત્નકલાકારો કામ કરતાં હોવાથી ભાજપના પાટીદાર નેતાઓ સીધા જ આ ઉદ્યોગપતિઓ સાથે બંધબારણે મુલાકાતો યોજે છે. સાથે જ તેમના રત્નકલાકારો ભાજપ તરફી મત વધુમાં વધુ આપે તે પ્રકારની સમજાવટથી કામ લેવામાં આવી રહ્યું છે.

રાજ્ય સરકારના નેતાઓ પણ સુરતમાં વધુ દેખાઈ છે.
રાજ્ય સરકારના નેતાઓ પણ સુરતમાં વધુ દેખાઈ છે.

કાપડ અને બિલ્ડર લોબી સાથે પણ બેઠકો
ભાજપના અગ્રણી નેતાઓ દ્વારા સુરતના કાપડ સાથે સંકળાયેલા અને બિલ્ડિંગ વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડરોની સાથે પણ અંદરખાને બેઠકો યોજવામાં આવી રહી છે. જાહેર કાર્યક્રમમાં આવતા નેતાઓ ઉદ્યોગકારોને મળી તેમની સાથે ચર્ચાઓ કરવા વધુ સમય ફાળવી રહ્યાનું પણ સામે આવી રહ્યું છે.

કેજરીવાલ પણ સુરત વધુ આવી રહ્યા છે.
કેજરીવાલ પણ સુરત વધુ આવી રહ્યા છે.

AAPને અટકાવવા પ્રયાસ
સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 27 કાઉન્સિલર વિજેતા થયેલા છે. ત્યારે આ કાઉન્સિલરનો આંકડો ધારાસભ્યોમાં કન્વર્ટ થઈ જાય તેવો ડર ભાજપને લાગી રહ્યો છે. જેથી ભાજપના મોવડી મંડળ દ્વારા અત્યારથી જ આપને કાબૂમાં રાખીને ભાજપની વિધાનસભાની સીટ સુરતમાં અકબંધ રહે તે માટેના પ્રયાસો તેજ કરી દીધા છે. ત્યારે આગામી ચૂંટણીમાં પાટીદારોને રીઝવવા માટે ભાજપના સૌરાષ્ટ્રના કદાવર નેતાઓ કેટલા સફળ થશે તે તો સમય જ કહેશે.