બોગસ બિલિંગને ડામવા ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જીએસટી દ્વારા 25 પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતાં જેમાંથી 20 પેઢી બોગસ મળી આવી હતી. આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, જીએસટીની ચોરી કરવા માટે વિવિધ પ્રકારની રીતો ચિટરો દ્વારા શોધવામાં આવી રહી છે. ત્યારે ફરી એક વખત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સુરત શહેરમાં સપાટો બોલાવ્યો હતો. ખાસ કરીને બોગસ બિલિંગને ડામવા માટે ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ 25 પેઢી પર કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલીંગનો ખાત્મો કરવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.
ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ આર્થિક ગુનાઓ આચરતા ગુનેગારોને શોધી કાઢીને તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રયાસ કરી રહ્યુ છે. 7મી જાન્યુઆરીના રોજ ગુજરાત સ્ટેટ જીએસટી દ્વારા ૨૫ શંકાસ્પદ પેઢીઓના સ્થળો ખાતે દરોડો પાડીને ચકાસણીની કામગીરી કરવામાં આવી હતી. 25માંથી 20 પેઢીઓ બોગસ મળી આવી હતી.
આ મળી આવેલ બોગસ પેઢીઓ પૈકી 19 પેઢીઓના ડોક્યુમેન્ટસ ગેરકાયદેસર હતા અને 1 પેઢી ડોક્યુમેન્ટસનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. ચકાસણીની કામગીરીમાં 19 પેઢીના માલિકો નાસી ગયા હતાં. વિભાગ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ બોગસ પેઢીઓ મારફતે રૂપિયા 184.10 કરોડ ના બિલો ઇસ્યુ કરી રૂપિયા 32.06 કરોડની વેરાશાખ પાસઓન કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. અધિકારીસૂત્રોએ કહ્યું હતું કે, આગામી દિવસમાં કાર્યવાહી સઘન બનાવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.