હેરાનગતિ યથાવત:તલાટી બાદ આરોગ્યકર્મીઓની હડતાળથી સેવાઓ પંગુ બનશે, સુરત જિલ્લામાં હડતાળનો વાવર

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક

તલાટી જાસોલિયા પ્રકરણમાં સતત 5 દિવસ સુધી હડતાળ કરનાર તલાટીઓએ હવે વિવિધ માંગોને લઇ ફરીથી હડતાળ શરૂ કરી છે. હવે એની સાથે સાથે જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મીઓ પણ પોતાની પડતર માંગણીઓને લઇને સરકાર સામે હડતાળનું શસ્ત્ર ઉગામશે. જેના પગલે સુરત જિલ્લાની આરોગ્યલક્ષી સેવાઓ ખોરવાશે એટલું નક્કી છે.

સુરત જિલ્લાના લોકોએ વધુ એક વાર અગવડ ભોગવવી પડશે.પરીયા ગામના તલાટી જાસોલીયા મુદ્દે 5દિવસ સુધી હડતાળ પર ઉતર્યા બાદ ફરી તલાટીઓ અલગ અલગ માંગોને લઈ હડતાળ પર છે ત્યારે જિલ્લા પંચાયતના આરોગ્યકર્મીઓ 8મીથી હડતાળ પર ઉતરવાના છે. શહેર જિલ્લામાં ડેન્ગ્યુ સહીતના રોગચારાના વાવડ છે ત્યારે જિલ્લા પંચાયતના આરોગ્યકર્મીઓએ પડતર માંગોને લઈ હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી છે.

રાજ્યમાં તલાટીઓની હડતાલ ચાલી રહી છે ત્યારે હવે જિલ્લા પંચાયતોના આરોગ્ય કર્મચારીઓએ પણ પડતર માગણીઓના સંદર્ભમાં 8 ઓગસ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત કરી છે.ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે રાજ્યના આરોગ્ય કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું વારંવારની રજૂઆત છતાં નિરાકરણ ન આવતા હવે હડતાળ કરવાની નોબત આવી છે.છેલ્લા 15 દિવસમાં સુરત જિલ્લાના લોકોના કામો તલાટી હડતાળથી ખોરંભે ચડ્યા છે ત્યારે આરોગ્ય કર્મચારીઓની હડતાળને લીધે જિલ્લાના લોકોની આરોગ્યલક્ષી કામગીરી પણ ખોરંભે ચઢશે.

જાસોલિયા પ્રકરણમાં પણ હડતાળ પડી હતી
થોડાક દિવસ અગાઉ સાયણના પરિયા ગામના તલાટી કમ મંત્રી જાસોલિયાની એક મહિલા અરજદાર સાથે કોઇક મુદ્દે ચણભણ થઇ હતી.જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ તલાટી જાસોલિયાને સસ્પેન્ડ કરી દીધાં હતાં. જેના પગલે સમગ્ર તલાટી મંડળ જાસોલિયાના સસ્પેન્સનના વિરોધમાં હડતાળ પર ઉતરી પડ્યું હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ તલાટી મંડળના ઉગ્ર વિરોધની સામે નમતું જોખી તલાટી જાસોલિયાનું સસ્પેન્સન રદ કર્યું હતું. જોકે આ ખેંચતાણ 5 દિવસ ચાલતા જિલ્લાના લોકોના વહીવટી કામો અટવાઇ પડ્યા હતા અને લોકોને હાલાકી વેઠવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...