સુરત પાલિકા પૈસાભૂખી:વર્ષ 2022-23ના વેરાબિલ મોકલ્યા, ઓગસ્ટમાં ન ભરો તો 18 ટકા વ્યાજ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
એડવાન્સ વસૂલાતનું વેરાબિલ - Divya Bhaskar
એડવાન્સ વસૂલાતનું વેરાબિલ
  • કોરોનાકાળમાં તિજોરીના તળિયા દેખાવા લાગતા લોકો પાસેથી રૂપિયા ખંખેરી લેવાની નવી મોડસ ઓપરેન્ડી
  • એક વર્ષના વેરાની 1500 કરોડની ઉઘરાણી સામે અત્યારસુધી 1000 કરોડના બિલ ઇશ્યુ કરી દીધા
  • ​​​​​​​ઓગસ્ટ સુધી નહીં ભરો તો 18 ટકા વ્યાજની પણ માગણી કરવામાં આવી

કોરોનાકાળ અને નવા સમાવિષ્ટ વિસ્તારોમાં થતા ખર્ચાઓને પહોંચી વળવા માટે પાલિકા હવે જાણે લૂંટફાટ પર ઉતરી આવી હોય તેવી રીતે નાણાકીય વર્ષ 2022-23 ચાલુ થયાના 4 જ મહિનામાં આખા વર્ષનું બિલ લોકોને પકડાવી દેવામાં આવ્યું છે. નવાઈની વાત તો એ છે કે આ બિલમાં એવું લખ્યું છે કે અોગસ્ટ મહિના સુધીમાં જો બિલની ભરપાઈ ન થાય તો બીપીએમસી એક્ટ મુજબ 18 ટકા લેખે સાદા વ્યાજની વસૂલાત કરવામાં આવશે.

પાલિકાએ કોરોના કાળમાં આરોગ્યલક્ષી ઘણા ખર્ચા કર્યા હતા અને આવકના સ્ત્રોત ઓછા હતા. બીજીતરફ, સરકારના આદેશ બાદ સુરતની આજુબાજુના કેટલાક ગામડા અને નગરપાલિકાને મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરી દેવામાં આવી હતી. આ નવા વિસ્તારોમાં પાણી, ગટર, રોડની સુવિધા આપવામાં પાલિકાના માથે કરોડો રૂપિયાનો બોજો આવ્યો હતો.

આ બોજો ઓછા કરવા માટે પાલિકાએ જાણે નવી જ મોડસ ઓપરેન્ડી અપનાવી હોય તેમ લોકો પાસે પૈસા પડાવવાનો ખેલ કર્યો હોવાનું જણાઈ રહ્યું છે. પાલિકાએ સામાન્ય રીતે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં વેરાના બિલ ઇશ્યુ કરતી હોય છે. સૈદ્ધાંતિક રીતે જોઈએ તો સર્વિસ આપ્યા બાદ તેનું બિલિંગ થતું હોય છે અને બિલની ભરવાની તારીખ પૂરી થયા બાદ તેની પર વ્યાજ લેવાતું હોય છે. આ કિસ્સામાં તો પાલિકાએ સર્વિસ હજુ પૂરી આપી નથી અને તેની પર વ્યાજની ધમકીના શબ્દોમાં માગ્યું છે, એવો લોકોનો આક્ષેપ છે.

પાલિકા સામાન્ય રીતે સપ્ટેમ્બર સુધીમાં વેરાબિલ મોકલતી હોય છે
સામાન્ય રીતે પાલિકા વેરાની ઉઘરાણી કરવા માટે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં બિલ મોકલતી હોય છે. ઘણા લોકો એડવાન્સ ટેક્સ ભરીને 10 ટકા રીબેટ પણ લેતા હોય છે. તેની સંખ્યા ઓછી હોય છે. ગયા વર્ષે પણ પાલિકાએ એડવાન્સ ટેક્સ માટે ખૂબ પ્રયત્ન કર્યા હતા. આ વખતે તો પાલિકાએ રૂપિયા ઉઘરાવવા માટે નવી જ તરકીબ અપનાવી છે. 18 ટકા વ્યાજની જાણે ધમકી આપી હોય તેમ લોકોને ગભરાવીને વહેલા રૂપિયા ભરવા માટે બિલમાં કહેવાયું છે.

નવા વિસ્તારના ડેવલપમેન્ટ માટે રૂપિયાની જરૂર પડતા ઉઘરાણી
આકારણી વિભાગના એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે, પાલિકાને નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ડેવલપમેન્ટ માટે રૂપિયાની ખૂબ જરૂર છે. આ વિસ્તારોમાં ડેવલપમેન્ટ ન હોવાથી વેરા પેટે સર્વિસ ચાર્જ લેવાયો ન હતો. જે હવેથી વસૂલ કરવામાં આવશે. જેમના બિલ રૂ. 500 સુધી આવતા હતા તેમના બિલ હવે રૂ. 4000 સુધી આવી શકે છે, અેમ પણ અિધકારીએ જણાવ્યું હતું. નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા માટે પાણી અને ડ્રેનેજ નેટવર્કની કામગીરી શરૂ કરી દેવાઇ છે.

લોકોએ વેરાબિલના વીડિયો સોશિયલ મીડિયામાં ફેરવ્યા
હજુ તો માર્ચ એન્ડિંગમાં લોકોએ વેરા બિલ ભર્યાં હતાં ત્યાં જુલાઇના પહેલા અઠવાડીયામાં જ સુરત મહાનગરપાલિકાએ નવા વેરા બિલ મોકલી દેતા શહેરીજનોમાં કચવાટ ઊભો થયો છે. સેન્ટ્રલ ઝોનમાં એક મિલકતદારને વર્ષ 2022-23ની સાઇકલનું બિલ મળ્યું હતું. જેમાં 1 ઓગષ્ટ છેલ્લી તારીખ દર્શાવી હોવાથી તેમણે સમગ્ર બાબત અંગે જાગૃતિ માટે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...