રફ હીરાના ભાવમાં ઘટાડો થવાને કારણે હીરા ઉદ્યોગપતિઓએ હાશકારો અનુભવ્યો છે. છેલ્લાં એક મહિનામાં 15થી 20 ટકા જેટલો રફ હીરાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લાં દોઢ વર્ષથી હીરામાં તેજી જોવા મળતા હીરામાં જાણકારી ન હોય તેવા લોકો દ્વારા પણ રફ હીરાની ખરીદી કરવામાં આવી હતી. જેના કારણે 8 મહિનાથી રફ હીરાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો. પરંતુ હવે ભાવ સ્થગિત થઈ જતા જે લોકોને હીરાનો વ્યવસાય કરતાં ન હતાં અને તેમણે પણ રફની ખરીદી કરી હતી તેવા લોકો હવે નુકસાની કરીને પણ રફનું વેચાણ કરી રહ્યા છે.
કોરોનાની પહેલી લહેર બાદ ઈન્ટરનેશનલ માર્કેટમાં કટ એન્ડ પોલિશ્ડ હીરાની માંગમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો. બીજી તરફ રફ ઉત્પાદક કંપનીઓ દ્વારા રફના ભાવમાં સતત વધારો કરવામાં આવતો હતો. બીજી તરફ છેલ્લાં દોઢ વર્ષથી હીરા ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. જેના કારણે હીરાના વ્યવસાય સાથે ન જોડાયેલા હોય તેવા વ્યક્તિઓ દ્વારા પણ હીરાની રફની ખરીદી કરવામાં આવી રહી હતી. ખાસ કરીને હીરા વેપારીઓની સલાહ પ્રમાણે સીએ, વકિલ, ડોક્ટર અને બિલ્ડરો દ્વારા પણ મોટા પ્રમાણમાં રફ હીરાની ખરીદી કરીને સ્ટોક કરવામાં આવી રહ્યો હતો.
આ કારણોથી માર્કેટમાં રફની શોર્ટ સપ્લાય થઈ રહી હતી. જેથી દિવસે દિવસે રફના ભાવમાં વધારો થઈ રહ્યો હતો. પરંતુ હવે અનેક લોકો પાસે રફનો મોટા પ્રમાણમાં ભરાવો થઈ જતાં નુકસાન કરીને પણ રફ વેચવા માટે કાઢી રહ્યા છે. જેથી માર્કેટમાં જે રફની શોર્ટ સપ્લાય હતી તે ઓછી થવાને કારણે રફના ભાવમાં ક્રમશ: ઘટાડો નોંધાઈ રહ્યો છે.
તેજીના સમયે રફને જોયા વિના ખરીદી થઈ
હીરા ઉદ્યોગમાં જ્યારે તેજીનો માહોલ હતો ત્યારે લોકો દ્વારા રફને જોયા વગર જ ખરીદી કરવામાં આવી રહી હતી. ખાસ કરીને જે લોકોનો હીરાનો વ્યવસાય ન હતો તેવા લોકો પણ રફની ખરીદી લોકોની સલાહ પ્રમાણે રફની ખરીદી કરી રહ્યા હતાં.
એક મહિનામાં રફના ભાવમાં ઘટાડો થયો છે
છેલ્લાં થોડાં સમયથી માર્કેટમાં હીરાની રફની માંગ હતી. લોકો દ્વારા રફનો સંગ્રહ કરવામાં આવતો હતો. જે લોકો જાણકાર ન હતા તેઓ પણ ખરીદી રહ્યા હતા. જેથી રફની શોર્ટ સપ્લાય વર્તાતા રફના વધી રહ્યા હતાં. પરંતુ હવે ધીમે ધીમે માર્કેટ નોર્મલ થઈ રહ્યું હોવાથી એક મહિનામાં રફના ભાવમાં ઘટાડો થયો છે.- દિનેશ નાવડિયા, જીજેઈપીસીના ચેરમેન
હવે માર્કેટ સ્થિર થતા લોકો રફ વેચી રહ્યા છે
કોરોના બાદ હીરામાં તેજી આવવાથી જે લોકોને હીરામાં ખબર ન હતી પડતી તેવા લોકો પણ રફની ખરીદી કરતા હતાં. હીરાના રફનું માર્કેટ શેર બજાર જેવું થયું હતું. એકની એક હીરાની રફની થેલી અલગ અલગ લોકોના હાથમાં ફરતી અને તેના ભાવમાં વધારો થતો હતો. હવે માર્કેટ સ્થિર થતાં લોકો રફ વેચવા કાઢી રહ્યાં છે. - નંદલાલ નાકરાણી,પ્રમુખ ડાયમંડ બ્રોકર એસો.
લોકો જોયા વિના રફની ખરીદી કરી રહ્યા હતા
જે લોકોને હીરાના વ્યવસાય સાથે કોઈ પણ લેવા દેવા ન હતી તેવા લોકો પણ અન્ય લોકોની સલાહને માનીને રફને જોયા વગર જ બેફામ રફની ખરીદી કરી રહ્યા હતાં. પરંતુ હાલમાં માર્કેટમાં રફના ભાવમાં જે ફૂગાવો હતો તે હવે ઓછો થઈ રહ્યો છે. જેના કારણે હવે લોકો રફનું વેચાણ કરવા માટે આગળ આવી રહ્યા છે. -નિલેશ બોડકી, હીરા વેપારી, સુરત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.