• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In The Second Term Of Bhupendra Patel Government, 5 Ministers From South Gujarat Have Place, Only One In The Cabinet, Veteran Ganpat Vasava Has No Place.

સુરતનો દબદબો, પણ બે મંત્રી ઘટ્યાં!:ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં દક્ષિણ ગુજરાતના 5 મંત્રીને સ્થાન, કેબિનેટમાં માત્ર એક, દિગ્ગજ ગણપત વસાવાને સ્થાન નહીં

સુરત3 મહિનો પહેલા

ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મુખ્યમંત્રી સહિત કુલ 17 સભ્યોના મંત્રી મંડળમાં સુરતના હર્ષ સંઘવી, મુકેશ પટેલ અને પ્રફુલ્લ પાનસેરિયા, માંડવીના કુંવરજી હળપતિ અને પારડીના કનુ દેસાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની બીજી ટર્મમાં સુરત અને દક્ષિણ ગુજરાતનો દબદબો રહ્યો છે. જોકે, ગત ટર્મ કરતાં બે મંત્રીઓનો ઘટાડો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી સહિતના 17 મંત્રીના મંત્રી મંડળમાં સુરત શહેર જિલ્લા અને દક્ષિણ ગુજરાતના પાંચ ધારાસભ્યનો સમાવેશ કરાયો છે. અનેક પડકારો છતાં પણ ભાજપનો ગઢ સાબિત થયો છે.

દક્ષિણ ગુજરાતના પાંચ મંત્રીઓનો સમાવેશ
2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે ત્યારબાદ આજે મંત્રી મંડળની રચના કરવામા આવી છે. જેમાં પૂર્વ સરકારમાં મંત્રી રહી ચૂકેલા હર્ષ સંઘવી અને કનુ દેસાઈ સાથે મુકેશ પટેલ અને નવોદિતમાં પ્રફલ્લ પાનસેરિયા અને કુંવરજી હળપતિનો સમાવેશ કરવામા આવ્યો છે. આ મંત્રી મંડળમાં ફરી એક વાર સુરત શહેર સાથે દક્ષિણ ગુજરાતના પાંચ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વલસાડ અને સુરત જિલ્લામાં ઉત્સવનું વાતાવરણ
ગુજરાતમાં ભાજપની સાતમી વખત સરકાર બની છે તેમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પહેલાં ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા ત્યાર બાદ કેબિનેટ મંત્રી તરીકે કનુ દેસાઈએ શપથ લીધા હતા. આ ઉપરાંત અન્ય કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા હતા. સુરતને આ મંત્રી મંડળમાં કોઈ કેબિનેટ મંત્રી બન્યા નથી. પરંતુ ત્યારબાદ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવીએ પહેલાં શપથ લીધા હતા. આ ઉપરાંત રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મુકેશ પટેલે ગીતા હાથમાં લઈ શપથ લીધા હતા. ત્યારબાદ પ્રફુલ પાનસેરિયા અને કુંવરજી હળપતિએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. સુરત અને દક્ષિણ ગુજરાતને મંત્રી મંડળમાં પ્રભુત્વ મળતા તેમના ટેકેદારો અને તેમના વિસ્તારમાં લોકોમાં ઉત્સવનું વાતાવરણ બની ગયું છે.

પાંચમાંથી બે નવા ચહેરાને સ્થાન
ભૂપેન્દ્ર પટેલ સરકારની પહેલી ટર્મમાં દક્ષિણ ગુજરાતમાંથી 7 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં 5 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જોકે, પહેલી ટર્મના ચાર નેતાઓને કાપવામાં આવ્યા છે. જ્યારે બીજી ટર્મમાં 2 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે.

મંત્રી પદમાં કાપ મૂકી દેવામાં આવ્યો
સુરત શહેરમાં ગત વખતે 12 બેઠકો પૈકી તમામ બેઠકો પર વિજય થતા ભાજપને સરકાર બનવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. પરિણામે ઇનામ સ્વરૂપે માત્ર સુરત શહેરને હર્ષ સંઘવી, મુકેશ પટેલ, વિનુ મોરડિયા અને પૂર્ણેશ મોદીને મંત્રીપદ આપવામાં આવ્યું હતું. આ વખતે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કમળ ખીલ્યું છે પરંતુ મંત્રીપદમાં કાપ મૂકી દેવામાં આવ્યો છે. સુરત શહેરમાંથી ચારને બદલે ત્રણ ધારાસભ્યોને મંત્રીપદ મળ્યું છે.

આખરે પૂર્ણેશ મોદી અને વિનુ મોરડિયા કપાયા
પૂર્ણેશ મોદી પાસેથી અધવચ્ચેથી જ માર્ગ અને મકાન મંત્રાલય લઈ લેવામાં આવ્યું હતું. આ વખતે તેમને ટિકિટ ન મળે તેવા પણ ભાજપ સંગઠનના કેટલાક લોકો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ ટિકિટ મળ્યા બાદ તેમનો વિજય તો થયો પરંતુ મંત્રીપદથી દૂર રહેવું પડ્યું છે. ગત વખતે તેમની પાસે કેબિનેટ મંત્રાલય હતું. રાજ્ય શહેરી વિકાસ મંત્રી તરીકે વિનુભાઈ મોરડિયાની પણ આ વખતે બાદબાકી કરવામાં આવી છે. વિનુભાઈ મોરડિયાને પણ પાટીદાર ચહેરા તરીકે પસંદ કરવાને બદલે પ્રફુલ પાનસેરિયાને તક આપવામાં આવી છે.

ગણપત વસાવાની બાદબાકીથી આશ્વર્ય
દક્ષિણ ગુજરાતના દિગ્ગજ નેતાઓની વાત કરીએ તો તેમાં ગણપત વસાવા મોખરે રહે છે. આશ્વર્યજનક બાબતે છે કે ગત વખતે પણ તેમને મંત્રીપદ આપવામાં આવ્યું ન હતું અને આ વખતે દક્ષિણ ગુજરાતમાંથી જે મંત્રીઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે તેમની યાદીમાં પણ ગણપત વસાવાનું નામ નથી. સુરત જિલ્લો અને તાપી જિલ્લાના આદિવાસી નેતા તરીકે ગણપત વસાવા ખૂબ જ દમદાર નેતા માનવામાં આવે છે. સિનિયર નેતા હોવા છતાં પણ ભૂપેન્દ્ર પટેલની ગત કેબિનેટમાં પણ સ્થાન આપવામાં આવ્યું ન હતું અને આ વખતે પણ તેમને સ્થાન આપવામાં આવ્યું ન હતું જે ખરેખર ખૂબ જ આશ્ચર્યજનક બાબત છે.

ગણપત વસાવાની બીજી વખત બાદબાકી
અત્યારે દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતાઓ પૈકી ગણપત વસાવા ભાજપ માટે સૌથી મોટા નેતા છે તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. જોકે તેમને બદલે કુંવરજી હળપતિને મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે જે આશ્ચર્યજનક છે. ગણપત વસાવાને બદલે કુંવરજી હળપતિની પસંદગીને લઈને પણ જિલ્લા ભાજપમાં જબરજસ્ત ચર્ચા ચાલી છે. ગણપત વસાવાની બીજી વખત બાદબાકી કરવામાં આવી છે.

નવસારી અને તાપી જિલ્લામાંથી કોઈને સ્થાન ન મળ્યું
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નાણામંત્રી તરીકે રહેલા ભાજપના સિનિયર નેતા કનુભાઈ દેસાઈને ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે. તેમની સાથે ગત કેબિનેટમાં વલસાડ જિલ્લાના જીતુ ચૌધરી પણ મંત્રી તરીકે હતા પરંતુ આ વખતે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. વલસાડ જિલ્લામાંથી એકમાત્ર કનુભાઈ દેસાઈને મંત્રીપદ મળ્યું છે.

કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી પણ મંત્રીપદ ન મળ્યું
નવસારી જિલ્લામાં આ વખતે એક પણ મંત્રીપદ મળ્યું નથી. ગત વખતે નરેશ પટેલ કેબિનેટમાં હતા પરંતુ આ વખતે તેમની પણ બાદબાકી થઈ ગઈ છે. આશ્ચર્યજનક છે કે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની નવસારી લોકસભા બેઠકમાંથી જ કોઈને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. તાપી જિલ્લામાં બંને બેઠકો કોંગ્રેસ પાસેથી આંચકી લીધા બાદ પણ તાપી જિલ્લામાંથી પણ કોઈ અન્ય આદિવાસી નેતાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ઘણા લાંબા સમય બાદ તાપી જિલ્લાની વ્યારા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થતા તાપી જિલ્લાને મંત્રીમંડળમાં સ્થાન મળશે તેવી આશા બંધાઈ હતી પરંતુ તેના ઉપર પાણી ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...