વેસુની એસડી. જૈન સ્કુલમાં વિદ્યાર્થીઓ સ્વિમીંગ પુલમાં સ્વિમીંગ કરતા હતા ત્યારે ફીલ્ટર પ્લાન્ટ ચાલુ કરી દેવાતા એક વિદ્યાર્થીની તબિયત લથડી હતી.જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ અંગે સ્કુલના સ્વિમીંગ ટીચર અને કોન્ટ્રાક્ટર સામે વિદ્યાર્થીના તબીબ પિતાએ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
સુમુલ ડેરી રોડ રોયલ પાર્કમાં રહેતા ડો.મહેશ શેટા(૪૯)પ્રાઈવેટ હોસ્પિટલમાં ગાયનેક છે. તેમનો 13 વર્ષીય પુત્ર સૌમીલ વેસુની એસડી. જૈન મોડર્ન સ્કુલમાં ધો. ૮માં અભ્યાસ કરે છે. ગઈ તા. 4 નવેમ્બરે સ્વિમીંગના પિરિયડમાં સૌમીલ અને અન્ય 5 વિદ્યાર્થી સ્વિમીંગ કોચ બ્રેવન સેલરની હાજરીમાં સ્વિમીંગ કરતાં હતાં ત્યારે અચાનક પરપોટા નીકળ્યા હતા. સૌમિલને શ્વાસ લેવામાં તકલીફ થતા તે બહાર નીકળી ગયો હતો. પ્રિન્સિપલે ડો.મહેશને ફોન કરી પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા.
ડો. મહેશે સૌમિલને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. સ્વિમીંગ પુલના કોન્ટ્રાક્ટર સંજય ભોલાએ વિદ્યાર્થી સ્વિમીંગ કરી રહ્યાં હતા ત્યારે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરીદેતા નોઝલ વાટે ક્લોરીન ગેસ પાણી સાથે સૌમીલના મોઢામાં ગયો હતો. ડો.મહેશે ઉમરા પોલીસ મથકમાં કોન્ટ્રાક્ટર સંજય ભોલા અને સ્વિમીંગ કોચ બ્રેવન સેલર સામે ફરીયાદ નોંધાવી હતી. બનાવ સંદર્ભે પોલીસે બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
‘આવું થવાથી હૃદય પણ બંધ થઇ શકે છે’
આ બનાવ અંગે જે તે સમયે ઉમરા પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ શરૂ કરી હતી. દરમિયાન સિવિલના ઈન્ચાર્જ RMOએ અભિપ્રાય આપ્યો હતો કે જો કોઈ વ્યક્તિ સ્વિમીંગ દરમિયાન ક્લોરીન વાળુ પાણી પી જાય અથવા ક્લોરીન શરીરમાં જાય તો આંખમાં બળતરા, ઉલટી, શ્વાસમાં તકલીફ થવી, ગળફામાં લોહી પડવું અને જો વધુ પડતી માત્રામાં ક્લોરીન જાય તો હૃદય પણ બંધ પડવાથી મૃત્યુ નિપજવાની શક્યતા પણ રહેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.