તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્કૂલ શરૂ થશે:સુરતમાં આવતીકાલથી ધો.12ની સ્કૂલ ખૂલશે, 80 ટકા જેટલા વાલીઓની સંમતિ, વર્ગ ખંડો સેનિટાઈઝ કરાયા

સુરત22 દિવસ પહેલા
સ્કૂલો શરૂ કરવા માટે સંચાલકોએ તૈયારી કરી.
  • આવતીકાલથી ધોરણ 10 અને 12ના રિપીટર 31 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

શાળા અને કોલેજો હવે આવતીકાલે 15મી જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. રાજ્ય સરકારના પરિપત્ર ચુસ્તપણે પાલન કરવાની ફરજ પડશે. કોરોના ગાઇડલાઇન પ્રમાણેની જે SOP આપવામાં આવી છે તે મુજબ જ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. બાળકોને ફરજિયાત પણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવાશે અને થર્મલ ગનનો ઉપયોગ કરાશે. તમામ વિદ્યાર્થીઓને માસ્ક આપવામાં આવશે અને સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરવામાં આવશે. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના જણાવ્યા પ્રમાણે, સુરતમાં ધોરણ 12ના 80 ટકા જેટલા વાલીઓની સંમતિ મળી છે.

ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ રહેશે
શાળા શરૂ થશે તેમાં માત્ર 50 ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓના વાલીઓ સંમતિ પત્ર આપશે તેમને શાળામાં પ્રવેશ મળશે. અન્ય વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન પણ આપવામાં આવશે. શાળામાં પ્રાર્થના સભા, ઉત્સવોની ઉજવણી, રમત ગમત અને નાસ્તાની કે જમવાની વ્યવસ્થા રહેશે નહીં. શાળા છૂટે ત્યારે પણ વિદ્યાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સ રાખીને જ પરત ફરવાનું છે.

ગાઈડલાઈન્સ ચુસ્તપણે પાલન કરવા તાકીદ
સુરત જિલ્લાના શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરુએ જણાવ્યું કે, અમે લોકો સતત તમામ શાળાના સંચાલકો સાથે સંપર્કમાં હતા. આવતીકાલથી શાળાઓ શરૂ થશે તેમજ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમે શક્ય હતી એટલી શાળાનો વ્યક્તિગત રીતે ચકાસણી કરી આવ્યા છીએ. શાળાના આચાર્ય સાથે વેબીનાર યોજીને સરકારની તમામ ગાઈડલાઈન્સ ચુસ્તપણે પાલન કરવા માટેની તાકીદ કરી દીધી છે. બાળકોએ શાળામાં ફરજિયાત આવવું જોઈએ એવી કોઈ જ જાતની અમારા તરફથી વાલીઓ ઉપર દબાણ નથી. જે પણ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરવા માટે આવવાનો પસંદ કરશે તેમને સંમતિ પત્ર આપવાનું રહેશે. શાળાને વર્ગખંડની સંખ્યાના આધારે 50 ટકા હાજરીનું ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવાના છે.

શાળાને વર્ગખંડની સંખ્યાના આધારે 50 ટકા હાજરીનું ધ્યાનમાં રાખવા સૂચના.
શાળાને વર્ગખંડની સંખ્યાના આધારે 50 ટકા હાજરીનું ધ્યાનમાં રાખવા સૂચના.

શહેર અને જિલ્લાની કુલ 1500 શાળાઓમાં અભ્યાસ શરૂ થશે
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ દિપક રાજ્યગુરુએ જણાવ્યું કે સુરત શહેર અને જિલ્લાની કુલ 1500 શાળાઓમાં અભ્યાસ શરૂ કરવામાં આવશે. ઓફલાઈન અભ્યાસ માટે વિદ્યાર્થીઓના વાલીઓને પહેલાથી જ સૂચના આપવામાં આવી હતી. જે બાળકો ઓફલાઈન શિક્ષણ મેળવવા ઈચ્છતા હોય તેમણે પોતાનું સંમતિ પત્ર આપવાનું રહેશે. અત્યાર સુધીમાં લગભગ 80 જેટલા વાલીઓના સંમતિ પત્ર મળી ગયા છે.

શિક્ષણાધિકારીએ તમામ ગાઈડલાઈન્સ ચુસ્તપણે પાલન કરવા માટેની તાકીદ કરી.
શિક્ષણાધિકારીએ તમામ ગાઈડલાઈન્સ ચુસ્તપણે પાલન કરવા માટેની તાકીદ કરી.

15 જુલાઈથી 28 જુલાઈ સુધી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા
ધોરણ 12ની સ્કૂલ શરૂ થવાની સાથે ધોરણ 10 અને 12ના કુલ 31 હજાર રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. 15 જુલાઈથી 28 જુલાઈ સુધી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો ઉપર કોરોના સંક્રમણની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. પહેલી વખત જ ઓફલાઈન પરીક્ષા લેવાનું શરૂ થતાં શાળાના સંચાલકો માટે પણ આ ખૂબ જ મહત્વનું બનશે કે કોરોના સંક્રમણ ન વધે. વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારનું જોખમ ઊભું ન થાય તેના માટે તમામ પ્રકારની તકેદારી રાખવી જરૂરી છે.

સ્કૂલો શરૂ કરવાનો પરિપત્ર.
સ્કૂલો શરૂ કરવાનો પરિપત્ર.

કેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા

  • ધોરણ 10ના 18413 વિદ્યાર્થી
  • ધોરણ 12 સા.પ્ર.ના 9505 વિદ્યાર્થી
  • ધોરણ 12 વિ.પ્ર.ના 3169 વિદ્યાર્થી