સુરતની આ સરકારી સ્કૂલમાં એડમિશન માટે લાઇન:ટેક્નોલોજીથી શિક્ષણ, ક્લાસ-1 અધિકારી, ડોક્ટર-એન્જિનિયરનાં બાળકો ભણે, ડ્રોથી પ્રવેશ આપવો પડે છે

સુરત3 મહિનો પહેલાલેખક: પંકજ રામાણી
  • પાલિકાની સ્કૂલ નંબર 334,346 અને 355માં અંદાજે 3700 વિદ્યાર્થી અભ્યાસ કરે છે
  • એક જ કેમ્પસમાં સૌથી વધુ પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે

મોંઘવારીના આ સમયમાં બાળકોના અભ્યાસની તમામ વાલીઓને ચિંતા રહેતી હોય છે. કારણ કે ખાનગી સ્કૂલોની મોંઘી ફી વાલીઓની કમર તોડી નાખે તેવી હોય છે. પરંતુ સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલમાં એક પણ રૂપિયો ભર્યા વગર ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવું એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જેથી આ સ્કૂલમાં એડમિશન માટે પડાપડી થાય છે. પાંચ વર્ષ અગાઉ શરૂ થયેલી આ સ્કૂલમાં એક વખતે એડમિશન માટે સ્કૂલના શિક્ષકો વાલીઓને સમજાવવા જતાં હતાં. પરંતુ શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયાસોથી સ્થિતિ બદલાઈ ગઈ છે. આજે આ સ્કૂલમાં 3700થી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યાં છે. સાથે જ અત્યાધુનિક ટેક્નોલોજીથી કરાવાતા અભ્યાસની સાથે જીવનના પાઠ શીખવવામાં આવતાં હોવાથી આ સ્કૂલમાં દરવર્ષે એડમિશન માટે લાઈનો લાગે છે. આ વર્ષે 3800 અરજીઓ આવી હતી. જેમાંથી 1100 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યાં હતાં.

ગુણોત્સવમાં પ્રથમ સ્થાન મળ્યું
સ્કૂલની સવારપાળીના આચાર્ય રમાબેન ખાતરાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના ગુણોત્સવમાં રાજ્યભરની 35000 જેટલી સ્કૂલઓમાંથી અમારી સ્કૂલને 98.05 ટકા સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સ્કૂલમાં ગુણવતા લક્ષી શિક્ષણની સાથે ઈત્તરપ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે. રાજ્ય પરીક્ષા બોર્ડની પરીક્ષામાં પણ અમારા વિદ્યાર્થીઓ મેદાન મારે છે. અહિં શિક્ષકો સમય જોયા વગર વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં પાછી પાની કરતાં નથી. એકસ્ટ્રા ક્લાસ પણ લેવામાં આવે છે.

બે વર્ષથી હું ટ્રાય કરુ છું-વાલી
આ સ્કૂલમાં બે વર્ષથી એડમિશન માટે ટ્રાય કરતાં અંટાળા પંકજભાઈએ કહ્યું કે, હું રત્નકલાકાર છું. ગત વર્ષે મે ટ્રાય કરી હતી. પરંતુ એડમિશન ન મળ્યું. હાલ મારો દીકરો બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. તેમ છતાં પહેલા ધોરણ માટે મેં એડમિશન માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ એડમિશન થયું નથી. છતાં હું આવતા વર્ષે પણ ફરી પ્રયાસ કરીશ. કારણ કે મારી આસપાસના વિદ્યાર્થીઓ અહિં તેમના સંતાનોને અભ્યાસ માટે મોકલે છે તેમનામાં બદલાવ અને તેમનો અભ્યાસ જોઈને હું પણ અહિં એડમિશન મળે તે માટે પ્રયાસ કરી રહ્યો છું.

સ્કૂલમાં આ યોજનાઓ ચલાવાય છે

  • વડીલ વંદના યોજનાઃ-વિદ્યાર્થી તેમના માતાપિતા અને તેમના દાદા દાદીને એક સાતે રાખી પૂજન કરાવવામાં આવે છે
  • સુદામાં સાયકલ યોજનાઃ- જે વિદ્યાર્થીઓને વધારાની સાયકલ હોય તે સ્કૂલમાં આપી દે તો સ્કૂલ દ્વારા રિપેર કરાવી જરૂરિયાતમંદને અપાય છે.
  • મુષ્ઠી ધાન યોજનાઃ વિદ્યાર્થીઓ ઘરેથી એક મુઠી ઘાન લાવે તે એકઠું કરીને વિદ્યાર્થીઓના હાથે કબૂતરો અને મૂંગા પક્ષીઓને આપવામાં આવે છે.
  • સમૂહ સફાઈ કાર્યક્રમઃ- વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા વર્ષમાં એકથી બે વાર સાથે મળીને સ્કૂલની સફાઈ કરવામાં આવે છે.
  • અગ્નિહોત્ર યજ્ઞઃ સ્કૂલમાં વિદ્યાર્થીઓના જન્મદિવસ પર યજ્ઞ કરાવવામાં આવે છે.