ભાસ્કર ઈમ્પેક્ટ:સ્મીમેરે વજનીયા લટકાવેલા વૃદ્ધ દર્દી માટે ઇમ્પલાન્ટની વ્યવસ્થા કરી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 મહિનાથી દાખલ વૃદ્ધ દર્દીનું કાલે ઓપરેશન થશે
  • ઇમ્પ્લાન્ટ​​​​​​​ સ્ટોકમાં ન હોવાથી વૃદ્ધ દર્દી હોસ્પિટલમાં દાખલ હતા

સ્મીમેર હોસ્પિટલમાં થાપાના હાડકાના ઓપરેશન માટે દાખલ કડોદરાના વૃદ્ધને ઇમ્પલાન્ટ નહીં હોવાથી બે મહિનાથી ઓપરેશન માટે તારીખ આપી લટકાવી રાખવામાં આવી રહ્યાં હતાં. આ અંગે દિવ્ય ભાસ્કરે રજૂ કરેલા અહેવાલને પગલે સ્મીમેર હોસ્પિટલના સત્તાધીશોએ તાત્કાલીક ખાનગી ધોરણે ઇમ્પલાન્ટની વ્યવસ્થા કરી લીધી હતી. સોમવારે ઓપરેશન પ્રક્રિયા પૂરી કરવાની કવાયત હાથ ધરી છે.

સ્મીમેરના ઓર્થોપેડિક વિભાગે દર્દી તેમજ પરિવારજનોને સોમવારે સૌથી પહેલો ઓપરેશન કરવાનું હોવાની જણાવી ઓપરેશન માટે બહારથી વધુ બે મોટા તબીબને બોલાવવાની સાથે ભૂખ્યા રહેવા જેવી જરૂરી સુચના આપી હતી.

સ્મીમેર હોસ્પિટલમાં ગઇ તા. 21મી માર્ચના રોજ ભાંગી ગયેલા થાપાના ગોળાનું ઓપરેશન કરાવવા આવેલા કડોદરાના રતીભાઇ ગોંડલીયાને દાખલ કરી લેવાયા હતાં. તેમણે પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સરકારી યોજના હેઠળ ઓપરેશનનો લાભ આપવા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે અંગે સ્મીમેર હોસ્પિટલે ભાંગી ગયેલા થાપાના ગોળાનો ભાગ શસ્ત્રક્રિયા કરી કાઢી લીધો હતો. જોકે સરકારી યોજના હેઠળ આર્ટિફિશિયલ ગોળાનો ઇમ્પલાન્ટ પુરો પાડવા સેન્ટ્રલ મેડિકલ સ્ટોરને નોંધ મોકલી હતી. જોકે સ્ટોકમાં ઇમ્પ્લાન્ટ ન હોવાથી રતીભાઇ ગોંડલીયાને પગમાં 3 કિલોનું વજનીયું પહેરાવી હોસ્પિટલમાં લટકાવી રાખ્યા હતાં.

છેલ્લા 2 મહિનાથી ઇમ્પલાન્ટની રાહમાં ઓપરેશન અટવાયું હોવાની બાબત અંગે દિવ્ય ભાસ્કર એ સ્મીમેર હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ વંદના દેસાઇને જાણ કરી હતી. તેમણે ઇમ્પલાન્ટ મેળવવા માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની ભૂલના લીધે દર્દીઓને હાલાકી પડી રહી હોવાની હકીકત અંગે અહેવાલ રજૂ કર્યો હતો. જેને પગલે હોસ્પિટલ સત્તાધીશોએ ટેન્ડર પ્રક્રિયાની રાહ જોયા વિના જ ખાનગી ધોરણે ઇમ્પલાન્ટની વ્યવસ્થા કરી હતી. સાથે જ 2 મહિનાથી ઓપરેશનની રાહમાં હોસ્પિટલના બિછાને 3 કિલોના વજનીયા સાથે લટકાવી રખાયેલા વૃદ્ધ દર્દી રતીભાઇને સોમવારે સવારે જ ઓપરેશન કરી આપવાની જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...