નોનવેજની લારીઓ ક્યારે હટાવશો?:સુરત મેયર કહે છે- હાલ કોઈ વિચાર નથી, સંતોએ કહ્યું- કોર્પોરેશનની કામગીરી નિંદનીય, સંસ્કૃતિ અને યુવાનોને બચાવવા પગલાં લેવા આવશ્યક

સુરત2 મહિનો પહેલા
મેયર અને અભયબાપુની ફાઈલ તસવીર.
  • નોનવેજની લારીઓનાં દબાણો દૂર કરવા બાબતે અન્ય શહેરોની સરખામણીમાં સુરત મહાનગરપાલિકા નિષ્ક્રિય

અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતનાં શહેરોમાં રસ્તા પર દબાણ કરતી નોનવેજની લારીઓ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરતીઓ ખાણીપીણીના શોખીન છે અને એને કારણે રસ્તા પર દબાણ કરતી લારીઓ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. વિશેષ કરીને છેલ્લા ઘણા સમયથી સુરતના રસ્તા પર નોનવેજના વેચાણમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. સુરતના સંતો, કથાકાર અને હિન્દુ સંગઠનોના અગ્રણીઓ જણાવી રહ્યા છે કે કોર્પોરેશનની કામગીરી નિંદનીય છે. સુરત કોર્પોરેશન કોના દબાણ હેઠળ આ કામગીરી કરીતી નથી એ એક મોટો પ્રશ્ન છે. આપણી સંસ્કૃતિ અને યુવાનોને બચાવવા માટે કેટલાંક નક્કર પગલાં લેવા આવશ્યક છે. જ્યારે સુરતનાં મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે નોનવેજની લારીઓ દૂર કરવા અંગે હજી અમે કોઈ વિચારણા કરી નથી.

કોઈ અલગથી નિર્ણય પણ નથી કર્યોઃ મેયર
સુરત શહેરનાં મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે નોનવેજની લારીઓ દૂર કરવા અંગે હજી અમે કોઇ વિચારણા કરી નથી. સુરત કોર્પોરેશન દ્વારા જે પણ દબાણ હેઠળની લારી-ગલ્લા હોય છે એને સમયાંતરે ઉઠાવી લેવાની કામગીરી ચાલતી જ હોય છે. એના માટે અલગથી વિચારણા કરીને નિર્ણય લેવાની વાત જ નથી અને અમે આ બાબતે કોઈ અલગથી નિર્ણય પણ નથી કર્યો. જે વિસ્તારમાં ઝીરો દબાણ માટે આપણે કામગીરી કરીએ છીએ તમામ વિસ્તારોની અંદર જે પણ કોઈ લારી-ગલ્લા ખોટી રીતે દબાણ કરતાં જોવા મળે છે ત્યારે એને ઉઠાવી લઈએ છે.

યુવાધન ખોટા માર્ગે આગળ વધી રહ્યું છેઃ અભયબાપુ
સુરતના જાણીતા કથાકાર અભયબાપુએ જણાવ્યું હતુંમ કે હું પોતે આશ્ચર્યમાં મુકાયો છું કે સુરત કોર્પોરેશન દ્વારા હજી સુધી કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. આપણા યુવાનો નિર્વ્યસની અને શાકાહારી રહે તેનું ધ્યાન આપણે રાખવાનું છે. આજથી પાંચ-સાત વર્ષ પહેલાં જ્યારે હું વરાછા, પુણા, સરથાણા જેવા વિસ્તારમાં જ તો ભાગ્યે જ એકાદ લારી ઈંડાંની ઊભેલી જોવા મળતી હતી. આજે પુણા વિસ્તાર તરફ કેનાલ તરફ તમે જાઓ તો સીમાડા સુધી અનેક લારીઓ ઈંડાંની અને નોનવેજની જોવા મળી રહી છે. આપણા યુવાનો ત્યાં ટોળેટોળાં ભેગા થઈને એને આરોગતા જોઈને દુઃખ થાય છે. આપણું યુવાધન ખોટા માર્ગે આગળ વધી રહ્યું છે ત્યારે આપણે નૈતિક જવાબદારી છે કે તેને અટકાવવા જોઈએ. સુરત કોર્પોરેશન આ બાબતે કેમ ગંભીર નથી એ સમજાતું નથી. કોઈની રોજીરોટી છીનવી લેવાનું આપણો પ્રયાસ નથી, પરંતુ આપણે આપણી સંસ્કૃતિ અને યુવાનોને બચાવવા માટે કેટલાંક નક્કર પગલાં લેવા આવશ્યક છે.

દબાણ હોય એવી લારીઓ જ હટાવાશે: મ્યુ. કમિશનર
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, પ્રશ્ન વેજ અને નોનવેજની લારીનો નથી, પરંતુ દબાણ દૂર કરવાનો મૂળ હેતુ છે. શહેરમાં જાહેર માર્ગો તથા સ્થળોએ ટ્રાફિકને નડતરરૂપ રાહદારી, વાહનચાલકોને અચડણરૂપ હોઇ એવી જ લારીઓ હટાવવામાં આવશે. લારી નોનવેજની હોય કે વેજ, દબાણમાં હશે એ જ હટાવી લેવામાં આવશે. પાલિકા રોજેરોજ જે-તે વિસ્તારમાં ઝીરો રૂટ દબાણ પર દબાણ હટાવવાની કામગીરી કરે છે. હાલમાં શહેરમાં ઇંડાં કે નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે કોઇ જ વિચારણા નથી.

ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે છેઃ બટુકગિરિ મહારાજ
પારદેશ્વર મહાદેવ મંદિરના મહંત બટુકગિરિ મહારાજે જણાવ્યું કે મંદિર કે અન્ય ધાર્મિક સ્થળોની આસપાસ માંસાહારનું વિતરણ થાય એ યોગ્ય નથી. પાલ વિસ્તારમાં પણ કેટલાંક સ્થળો પર મંદિરની આસપાસ નોનવેજની લારીઓ હોવાનો અમારા ધ્યાન પર આવતાં અમે તેમને ખૂબ જ વિનંતીથી કહ્યું હતું કે આ સ્થળેથી લારીઓ તમે હટાવી લો. તેમણે પણ અમને સહયોગ આપીને લારીઓ ધ્યાનથી હવે દૂર કરી દીધી છે, પરંતુ હજી પણ એવાં કેટલાંક સ્થળો છે કે જ્યાં માંસાહારનું વેચાણ થઈ રહ્યું છે, એને દૂર કરવું જોઈએ. આપણે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે છે.

વેજ-નોનવેજ લારીનો કોઈ પ્રશ્ન નથી: આરોગ્ય ડે કમિશનર
સુરત આરોગ્ય ડેપ્યુટી કમિશનર ડો. આશિષ નાયકે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો દબાણ નીતિ હેઠળ સમયાંતરે લારી-ગલ્લાઓ દૂર કરવામાં આવે છે. વેજ-નોનવેજ લારીનો તફાવત વગર એ પણ દબાણ દૂર કરે છે. એને કોર્પોરેશન દ્વારા પહેલાં પણ હટાવવામાં આવતી હતી અને આગામી દિવસોમાં પણ એ જ રીતે કામગીરી કરવામાં આવશે. વેજ-નોનવેજની લારી હોય કે અખાદ્ય પદાર્થો વેચતા જણાય તો તેમની સામે અમે કામગીરી કરીએ છીએ.

સુરત કોર્પોરેશનની ખૂબ જ નબળી કામગીરીઃ દેવીપ્રસાદ દુબે
વિશ્વ હિન્દુ પરિષદના સુરત શહેર પ્રમુખ દેવીપ્રસાદ દુબેએ જણાવ્યું હતું કે સુરત કોર્પોરેશન ખૂબ જ નબળી કામગીરી કરી રહ્યું છે. તાજેતરનું જ તમને ઉદાહરણ આપું- છઠ્ઠ પૂજા દરમિયાન અમે જ્યારે પગપાળા ડીંડોલી તળાવ તરફ જતા હતા ત્યારે રસ્તામાં જ દૃશ્યો અમે જોયાં છે એ ખરેખર ખૂબ જ આઘાતજનક હતાં. રસ્તામાં નોનવેજની લારીઓ તો ખરી જ, પણ મોટા પ્રમાણમાં મટન-ચિકન વેચતા ખુલ્લામાં જોવા મળે છે. આવતા-જતા લોકોની નજર એના પર પડે છે. મહિલાઓ-બાળકો ત્યાંથી પસાર થાય છે. પૂજા કરતી વખતે રસ્તામાં આવું દૂષણ ઊભું થાય એ યોગ્ય નથી. આપણી સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિને ટકાવી રાખવા અને આગામી પેઢીને ધર્મ તરફ વાળવા માટે પણ આ પ્રકારનાં કામો કરવા જરૂરી છે. ખોટી રીતે કોઈ લારીના સંચાલકને પરેશાન કરવાની આપણી માનસિકતા નથી, પરંતુ વેજ-નોનવેજને લઈને હું ચોક્કસ કોર્પોરેશનને નક્કર પગલાં લેવા માટે અપીલ કરું છું.

નોનવેજની લારીને લઈને કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી હજી સુધી કરવામાં આવી નથી
સુરતમાં ખુલ્લેઆમ નોનવેજની દુકાન ખોલીને મટનનું વેચાણ કરે છે. તેની આસપાસથી પસાર થતા ઘણા લોકોની ધાર્મિક આસ્થા પર પણ ઠેસ પહોંચે છે. નોનવેજ ખાવું એ હિંદુ શાસ્ત્રોની અંદર વર્જિત માનવામાં આવ્યું છે. બીજી મહત્ત્વની બાબત એ છે કે રસ્તા પર ટ્રાફિકની સમસ્યાઓ પણ કેટલીક અન્ય લારીઓ દ્વારા પણ કરવામાં આવે છે. તેમને પણ કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવી જોઈએ, પરંતુ નોનવેજની લારીને લઈને કોર્પોરેશન દ્વારા કોઇ કામગીરી હજી સુધી કરવામાં આવી નથી.