તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સક્લૂઝિવ:સિવિલ કે સરકારી હોસ્પિ.માં કોરોનાની સારવાર લેવા જઈશ તો મરી જઈશ, સુરતથી સૌરાષ્ટ્ર ગયેલા ડોક્ટરની સામે આવી લોકોની માનસિકતા

સુરત2 મહિનો પહેલાલેખક: દેવેન ચિત્તે
  • હોસ્પિટલમાં દાખલ થયો તો પાછો નહીં આવું તેવી સૌરાષ્ટ્રવાસીઓની માનસિકતા થઈ ગઈ
  • સુરતથી સૌરાષ્ટ્ર ગયેલા ડોક્ટર અને ટીમે સૌરાષ્ટ્રની વરવી વાસ્તવિકતાનું વર્ણન કર્યું

સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થાનો સંપૂર્ણ અભાવ દેખાય રહ્યો છે. જેને કારણે સ્થાનિક લોકોમાં વધુ ભયનો માહોલ સર્જાયો છે.કોરોના સંક્રમણને એક વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો છે. જે રીતે સમગ્ર વિશ્વને દેશમાં સ્થિતિ થઈ તે જોતાં લોકોમાં સ્વાભાવિક રીતે જ ડર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સ્થિતિ વધુ ને વધુ કથળી રહી છે. સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાં દર્દીઓમાં કોરોનાને લઈને જબરજસ્ત ભય જોવા મળી રહ્યો છે.

લોકો કોરોના સંક્રમિત થયા બાદ સરકારી હોસ્પિટલમાં જવાનું ટાળી રહ્યા છે. લોકોની એવી માનસિકતા થઈ ગઈ છે કે હોસ્પિટલમાં જઈએ ત્યાં યોગ્ય સારવાર મળશે નહીં અને તેના કારણે મોત થવાની પૂરેપૂરી શક્યતા છે. હું સિવિલ કે સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેવા જઈશ તો હું મરી જઈશ... હોસ્પિટલમાં દાખલ થયો તો પાછો નહીં આવું એવી સુરતથી સૌરાષ્ટ્ર ગયેલા ડોક્ટરના ધ્યાને સૌરાષ્ટ્રવાસીઓની માનસિકતા સામે આવી છે. સુરતથી સૌરાષ્ટ્ર ગયેલા ડોક્ટર અને ટીમે દિવ્યભાસ્કર સાથે કરેલી ખાસ વાતચીતમાં સૌરાષ્ટ્રની વરવી વાસ્તવિકતાનું વર્ણન કર્યું હતું.

સુરતથી ડોક્ટરો સૌરાષ્ટ્ર પહોંચી અલગ-અલગ ગામમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
સુરતથી ડોક્ટરો સૌરાષ્ટ્ર પહોંચી અલગ-અલગ ગામમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવાનો પ્રયાસ વધુ
સરકારી હોસ્પિટલોને લઈને સૌરાષ્ટ્રવાસીઓમાં અવિશ્વાસ જોવા મળી રહ્યો છે. કોરોનાની સારવાર આપતી સરકારી હોસ્પિટલમાં યોગ્ય સારવાર દર્દીઓને ન મળતી હોવાને કારણે મોત નિપજી રહ્યા હોવાની માનસિકતા વધુ દ્રઢ બની છે. સરકાર માટે સૌથી મોટો પડકાર અત્યારે લોકોની માનસિકતા બદલવાની છે. લોકો સ્પષ્ટ સરકારી હોસ્પિટલમાં જવાનો ઇનકાર કરીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવાનો પ્રયાસ વધુ કરી રહ્યા છે.

લોકોની માનસિકતા બદલવા પ્રયાસ કરવા જરૂરી
શરૂઆતમાં જ્યારે વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે. ત્યારે હોસ્પિટલમાં જવાનું ટાળીને ત્રણથી ચાર દિવસ સુધી પોતાના ઘરે જ દવા લઈને રહેતો હોય છે. તેના કારણે કોરોનાનું ઇન્ફેકશનનું પ્રમાણ વધી જાય છે. ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર લેવા માટે પહોંચે છે ત્યારે દર્દીની હાલત ખૂબ જ ક્રિટિકલ થઈ ગઈ હોય છે અને તેના કારણે દર્દીના મોત પણ થઈ રહ્યા છે. સામાજિક સંસ્થાઓ, વહીવટીતંત્ર અને સરકાર દ્વારા સૌરાષ્ટ્રવાસીઓની માનસિકતા બદલવા માટે પ્રયાસો ઝડપથી શરૂ કરવાની જરૂર જણાય રહી છે.

છેલ્લા ત્રણ દિવસથી ડોક્ટરો અલગ-અલગ સ્થળે દર્દીઓને તપાસી રહ્યા છે.
છેલ્લા ત્રણ દિવસથી ડોક્ટરો અલગ-અલગ સ્થળે દર્દીઓને તપાસી રહ્યા છે.

સબસલામતના દાવા સામે વાસ્તવિકતા ખૂબ વિપરીત
સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી હોવા છતાં પોતાના જ વિસ્તારોમાં સુવિધાનો અભાવ હોવાનું જોવા મળી રહ્યું છે. સરકાર ભલે સબસલામત હોવાનો દાવો કરતી હોય પરંતુ વાસ્તવિકતા ખૂબ વિપરીત જોવા મળી રહી છે. જેના પાછળનું કારણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજનનો અભાવ છે. જો સરકારે શરૂઆતથી જ કોરોના સંક્રમણની ગંભીરતાને ધ્યાને લીધી હોત તો તમામ વ્યવસ્થાઓ કરીને દર્દીઓને વિશ્વાસ ઉભો કરી શક્યા હોત પરંતુ સૌરાષ્ટ્રમાં સ્થિતિ અલગ જોવા મળી છે. જેને લઈને સૌરાષ્ટ્રવાસીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં વ્યવસ્થા પણ ગામલોકો, સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં વ્યવસ્થા પણ ગામલોકો, સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે.

લોકો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર પર સારવાર લેવાનું ટાળે છે
ડોક્ટર પ્રતીક સાવજે જણાવ્યું કે, હું પોતે સૌરાષ્ટ્રમાં જઈને દર્દીઓની સારવાર કરી રહ્યો છું. સૌથી મોટી ચિંતા અમને એ લાગે છે કે સરકારી હોસ્પિટલનું તંત્ર છે તેને લઈને લોકોમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે. સરકારી હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફનો અભાવ છે અને ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં નથી એ પ્રકારની સ્થિતિ તેના સ્થાનિક લોકોએ જૂએ છે અને તેના કારણે તેમની માનસિકતા વધુ દ્રઢ બની છે. તેથી મહદંશે દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં કે અન્ય સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર પર જઈને સારવાર લેવાનું ટાળી રહ્યા છે. જે ખૂબ જ ગંભીર અને સરકાર માટે ખૂબ જ ચિંતાનો વિષય છે.

ડોક્ટરની કામગીરીથી ગામ લોકો આશીર્વાદ આપે છે.
ડોક્ટરની કામગીરીથી ગામ લોકો આશીર્વાદ આપે છે.

સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ થઈ
ડોક્ટર પૂર્વેશ ઢાંકેચાએ જણાવ્યું કે, હું સેવા સંસ્થા દ્વારા શરૂ કરાયેલા અભિયાનની સૌરાષ્ટ્રની ટીમનો ભાગ છું. છેલ્લા ત્રણ-ચાર દિવસથી સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં અને અંતરિયાળ ગામોમાં ફરી રહ્યો છું. ત્યાં જોવા મળ્યું છે કે, સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ થઈ છે. આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલમાં પણ યોગ્ય વ્યવસ્થા જોવા મળી રહી નથી. ઓક્સિજનની વ્યવસ્થા કોરોના સંક્રમિત દર્દીઓ માટે હોવી જોઈએ તે પણ સરકાર કરી શકી નથી. જે કંઈ વ્યવસ્થા અત્યારે જોવા મળી રહી છે તે સ્થાનિક સંગઠનો, એનજીઓ, સમાજના અગ્રણીઓ દ્વારા ઉભી કરવામાં આવ્યો હોય તેવા વધુ કિસ્સાઓ અને વ્યવસ્થાઓ જોવા મળી રહી છે. લોકો સરકારી હોસ્પિટલમાં પ્રવેશતા પણ ગભરાઇ રહ્યા છે. રૂપાણી સરકારની વ્યવસ્થામાં સ્થાનિક લોકોને વધુ વિશ્વાસ ન હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું છે.