બીટકોઇનનો વિવાદ:સુરતમાં સરથાણાના ટુર ઓપરેટર અને મિત્રનું સાઢુભાઇએ CBIના નામે અપહરણ કરી ધમકાવ્યો

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પૈસા આપી દેજે નહીં તો બધાને તકલીફ પડશેની ધમકી આપી

સુરતમાં સરથાણા જકાતનાકાના ટુર એન્ડ ટ્રાવેર્લ્સ ઓપરેટર અને તેના મિત્રનું બીટકોઇનના રૂપિયાની લેતીદેતીના વિવાદમાં સાઢુભાઇએ તેના મિત્રો સાથે મળી સીબીઆઇ અધિકારીના નામે કારમાં અપહરણ કર્યું હતું. ત્યારબાદ ગોંધી રાખી ધાક-ધમકી આપતા મામલો સરથાણા પોલીસમાં પહોંચ્યો હતો.

ભાડાની ઇનોવા કારમાં અપહરણ કર્યું
સરથાણા જકાતનાકા સ્થિત ગોકુલમ આર્કેડમાં ટુર એન્ડ ટ્રાવેર્લ્સનો ધંધો કરતા દીપક દેવજી વઘાસીયા (ઉ.વ. 38) પોતાની ઓફિસમાં મિત્ર વિપુલ મનુ ગોદાણી અને ભત્રીજા કેતન વઘાસીયા તથા ભાણેજ કુલદીપ ખડેલા સાથે બેઠા હતા. ત્યારે સીબીઆઇ અધિકારી તરીકે ઓળખ આપી ચાર અજાણ્યા ઘસી આવ્યા હતા. તેમની સાથે દીપકના સાઢુભાઇ વિજય રામજી સભાડીયા અને તેના મિત્ર ગુણવંત અરૂણ રાણપરીયા પણ હતા. આ તમામે તમે બીટકોઇનમાં શું ફ્રોડ સ્કીમ ચલાવો છો એમ કહી જબરજસ્તી ભાડાની ઇનોવા કારમાં બેસાડી અપહરણ કરી ડુમ્મસ રોડ એરપોર્ટની સામે રાજહંસ બેલીઝમાં લઇ ગયા હતા.

બીટકોઇનમાં રોકાણના નામે પૈસા લઇ ગયો છે તેનું શું છે?
પાછળ-પાછળ આઇ ટ્વેન્ટી કારમાં ગુણવંત રાણપરીયા અને ભદ્રેશ રામજી સભાડીયા આવ્યા હતા. જયાં વિજય અને ગુણવંતે દિપકને તું અમારી પાસેથી બીટકોઇનમાં રોકાણના નામે પૈસા લઇ ગયો છે તેનું શું છે? અમારા પૈસા આપી દેજે નહીં તો બધાને તકલીફ પડશે અને કેસ કરી તને અને તારા ભાગીદાર મહેન્દ્ર ચૌધરીને ફીટ કરી દઇશું તેવી ધમકી આપી હતી.

કારમાં ઓફિસે ઉતારીને ભાગી ગયા
સીબીઆઇ તરીકેની ઓળખ આપનારે તમે અંદર-અંદરના છો, તમારા પૈસાની લેવડ-દેવડ બે દિવસમાં પતાવી દેજો, નહીં તો તમારા પરીવારને તકલીફ પડશે એવી ધમકી આપી હતી. ત્યારબાદ ફરી ભાડાની ઇનોવા કારમાં ઓફિસે ઉતારીને ભાગી ગયા હતા. ઘટના અંગે દીપક વઘાસીયાએ સીબીઆઇ નામે ધાક ધમકી આપી અપહરણ કરનાર અજાણ્યા ઉપરાંત સાઢુભાઇ વિજય સભાડીયા અને ગુણવંત રાણપરીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

સાઢુએ એજન્ટના 410 બિટકોઇન વેચી દીધા હતા
પોલીસે દીપક વઘાસીયાના સાઢુભાઈ વિજય સભાડીયાને કોલ કરી અપહરણ બાબતે વાત કરી હતી. પોલીસના ડરને કારણે વિજય અને તેના ભાઈ સહિત નકલી સીબીઆઈના અધિકારીઓ ગભરાઈ ગયા હતા. જેથી એક ચાલક સાથે એજન્ટ અને તેના મિત્રને કારમાં સરથાણા મુકવા મોકલ્યો હતો.

​​​​​​​ટ્રાવેલ્સ એજન્ટે સરથાણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે એજન્ટના સાઢુભાઈ વિજય સભાડીયા(રહે,સહકારનગર,કામરેજ), તેનો ભાઈ ભદ્રેશ સભાડીયા (રહે, લક્ષ્મીકાંત સોસા, કામરેજ) અને ગુણવંત અરૂણ રાણપરીયા તથા CBIના અધિકારી બનીને આવેલા 4 શખ્સો સામે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

દીપક વઘાસીયાએ અરજી કરી છે કે, તેના સાઢુ વિજયે તેના વોલેટમાંથી 410 બીટકોઈન બારોબાર વેચી દીધા છે. દીપકની આ અરજીની તપાસ ક્રાઇમબ્રાંચ કરી રહી છે. જેમાં બીટ કોઇન લેનાર અને વેચાણ કરનાર તેમજ સાઢુભાઈ વિજય સહિત 9 જણા સામે વિરુદ્ધ અરજી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...