તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વન્ડર વુમન:એક સમયે માતાપિતા સાથે ખેતરમાં પરસેવો પાડતા, ગાય ભેંસો ચરાવતા સરોજ કુમારી આજે IPS છે

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિસાનપુત્રી સરોજ આજે આઈ.પી.એસ. સરોજકુમારીથી ઓળખાય છે
  • સરોજકુમારી રાજસ્થાનના ઝૂંઝનુ જિલ્લાના ગ્રામજનોની રૂઢિવાદી માનસિકતા બદલવામાં નિમિત્ત બન્યાં
  • લક્ષ્યને પામવા મક્કમ મનોબળ હોય તો ગરીબી અને આર્થિક સ્થિતિ ક્યારેય અંતરાય બનતી નથી: આઈ.પી.એસ. સરોજકુમારી

8મી માર્ચ એટલે વિશ્વ મહિલા દિન. નારીને સન્માનવાના, નારીરત્નોને નવાજવાના આ ખાસ દિને એક ખાસ મહિલા આઈ.પી.એસ.ની સંઘર્ષમય દાસ્તાન અનેક મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવામાં સફળ થઈ છે. એક સમયે માતાપિતા સાથે ખેતરમાં પરસેવો પાડતા, ગાય ભેંસો ચરાવતા સરોજ કુમારી આજે આઈ.પી.એસ. છે. તનતોડ મહેનતથી લક્ષ્ય હાંસલ કરનાર સરોજકુમારી લાખો મહિલાઓ માટે પ્રેરણારૂપ બનવાની સાથોસાથ મહિલાઓ પ્રત્યેની રૂઢિવાદી માનસિકતા દૂર કરવામાં સફળ બન્યા છે.

મૂળ રાજસ્થાનના ઝુંઝનુ જિલ્લાના રણવિસ્તારમાં આવેલા ખોબા જેવડા બુડાનીયા ગામના વતની 2011ની બેચના ગુજરાત કેડરના આઈ.પી.એસ. સરોજકુમારી સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે નાયબ પોલીસ કમિશનર(વહીવટ અને મુખ્યમથક) તરીકે ફરજ બજાવી રહ્યા છે. સરોજકુમારીએ બાહોશ પોલીસ અધિકારી તરીકે ફરજની સાથોસાથ સામાજિક કાર્યો માટે પણ નામના મેળવી છે. તેમણે ‘કોમ્યુનિટી પોલિસીંગ’- એટલે કે પોલીસ દ્વારા ભાવનાત્મક અભિગમ દ્વારા લોકોની સ્વજનની જેમ સેવા અને મદદની ભાવના માટે જાણીતા છે.

સરોજકુમારી આઈ.પી.એસ.બનવાની ગાથા વર્ણવતા જણાવે છે કે, ‘હું જ્યારે 4 વર્ષની હતી, ત્યારે મારા પિતા બનવારીલાલ આર્મીની સેવાથી નિવૃત્ત થયા હતા. એ સમયે તેમનું રૂ. 450 પેન્શન આવતું હતું. જ્યારે પેન્શન શું કહેવાય એ સમજાય એ વય સુધી પહોંચી ત્યારે પિતાનું પેન્શન રૂ. 700 થયું હતું. આટલી ટૂંકી આવકમાં અમારા ચાર ભાઈ-બહેનનું પાલનપોષણ કરવું અશક્ય હતું. એ સમયે ગુજરાન માટે માતાપિતા ખેતમજૂરી તેમજ અન્ય ખેડૂતોની જમીન ભાગિયું (સાથી) રાખીને ખેતી કરવા લાગ્યા. મારા માતાપિતા મને ઉચ્ચ અભ્યાસ કરાવવા ઈચ્છતા હતા. પરંતુ હું જે વિસ્તારમાંથી આવું છું ત્યાં આવેલું મારૂ ગામ બુડાનીયા અંતરિયાળ અને અર્ધરણમાં છે.

ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવી ગામથી છ કિમી દૂર આવેલા અલીપુર ગામે માધ્યમિક શિક્ષણ મેળવ્યું. શાળાએ જવા માટે કોઈ વાહન કે સંસાધન ન હોવાથી ભાઈઓ સાથે દરરોજ 12 કિમી ચાલીને અલીપુર સુધી પગપાળા આવતી જતી. ગામમાં વિજળી અવારનવાર ચાલી જતી. અમારા ઘરમાં વીજ કનેક્શન ન હોવાથી અમે લાલટેનના અજવાળે અભ્યાસ કરતાં હતા. પીવાના પાણી માટે પણ દૂર સુધી પાણી ભરવા જવું પડે. મેં એ દિવસો પણ જોયા છે જ્યારે માતા સાથે પાણી ભરવા જતી. ગાય-ભેંસ અને બકરીઓ માટે અને ઘરની જરૂરિયાત માટે અમે માતાપુત્રી દરરોજ 50 જેટલા પાણી ભરેલા ઘડા માથે ઉઠાવીને લાવતા.

અમે ચારેય ભાઈ-બહેનો વહેલી સવારે ઉઠી ઘરના અને ખેતરના કામોમાં માતા-પિતાને મદદ કરીને સ્કૂલે જતા હતા. હું વહેલી સવારે ચાર વાગ્યે ઉઠીને માતાને ગાય-ભેંસ અને બકરીઓ દોહવામાં મદદ કરતી. ગોબર ઉઠાવતી, ચારો કાપતી. શાળાએથી આવ્યા બાદ પણ પશુઓ માટે ખેતરે ચારો લેવા જતી, મારા માતા-પિતાએ તેમના સંઘર્ષમાં અમને એટલા ભાગીદાર બનાવ્યા હતા કે હવે આવતી કોઈ પણ મુશ્કેલી મને ખુબ નાની લાગે છે એમ સરોજકુમારી ઉમેરે છે. મારા આઈ.પી.એસ. બનવાનું પરિણામ એ આવ્યું કે આજે ઝૂંઝનુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની રૂઢિવાદી માનસિકતા સંપૂર્ણ બદલાઈ ચૂકી છે. લોકો મારા પરિવાર, માતાપિતાને સન્માનની નજરે જુએ છે, અને દિકરીઓના નાની વયે લગ્ન કરાવવાના બદલે ભણાવીગણાવી રહ્યા છે. મને એ વાતનો વિશેષ આનંદ છે કે જે લોકો મારા નાની વયે લગ્ન કરાવી દેવા માંગતા હતા તેઓ જ આજે એમની દિકરીઓને ઉચ્ચ અભ્યાસ કરાવી રહ્યા છે.

તેઓ જણાવે છે કે, રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવતા બુડાનીયા ગામમાં છોકરીઓને નાની વયે જ પરણાવી દેવામાં આવતી હતી. માતાપિતાને મારા લગ્નની કોઈ ઉતાવળ ન હતી, પરંતુ ગ્રામજનો, અને ગામની મહિલાઓ અવારનવાર મારા લગ્ન કરાવી દેવા દબાણ કરતાં હતા. માતાપિતા જ્યારે તેમને કહેતા કે’ સરોજને ભણાવીગણાવીને અધિકારી બનાવવી છે.’ તો ગ્રામજનો જવાબમાં કહેતા કે, ‘તમારી દિકરી ભણીને કરશે શું? આખરે ચૂલો જ સંભાળવાનો છે ને?’ પરિવારજનો આવા લોકોને સમજાવવા અસમર્થ હતા, મારી સાથે અભ્યાસ કરતી સહેલીઓની ૧૨મા ધોરણ બાદ તરત જ લગ્ન થઈ ગયા હતા, પણ માતાપિતા ક્યારેય ડગ્યા નહિ.

ગામથી જયપુર સુધીની અભ્યાસ સફર વર્ણવતા સરોજકુમારીએ જણાવ્યું કે, જયપુરમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ સમાજશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજયુએશન પૂર્ણ કર્યું. રાજસ્થાન યુનિવર્સિટીથી એમ.ફિલ કર્યું. બાદમાં ચુરૂ જિલ્લાના સરદારશહરની ગવર્નમેન્ટ કોલેજમાં લેક્ચરર તરીકે જોડાયા. તેઓ યુ.પી.એસ.સી.ની તૈયારી અને આઈ.પી.એસ.બનવાના સપના અંગે જણાવે છે કે, દેશના પ્રથમ મહિલા આઈ.પી.એસ. કિરણ બેદીના જીવનમાંથી પ્રેરણા લઈ હું હંમેશા તેમના જેવી બનવા ઇચ્છતી હતી. કોલેજના ‘યુથ ડેવલપમેન્ટ સેન્ટર’ની પ્રેરણાથી લેક્ચરરની નોકરી સાથે યુ.પી.એસ.સી.ની તૈયારી શરૂ કરી.

મારા પ્રથમ પગારમાંથી યુ.પી.એસ.સી.ના વાંચન માટે પુસ્તકો ખરીદ્યા. ત્યાં સુધી હું કોલેજની લાયબ્રેરીના પુસ્તકોમાંથી જ વાંચન કરતી હતી. પ્રિલીમીનરી પરીક્ષા આપવા પ્રથમવાર દિલ્હી ગઈ અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે હું ગામડે હતી, પરંતુ અંતરિયાળ ગામ હોવાથી 15 દિન બાદ મને ખબર પડી હતી કે હું પ્રિલીમીનરી કસોટીમાં પાસ થઈ છું. વર્ષ 2011 માં યુ.પી.એસ.સી.માં ઉત્તીર્ણ થઈ વલસાડ ખાતે ટ્રેનિંગ મેળવી. બાદ સુરત રૂરલ એ.એસ.પી., બોટાદ જિલ્લાના એસ.પી., વડોદરામાં ડી.સી.પી. તરીકે ફરજ નિભાવ્યા બાદ હાલ સુરત ખાતે ડી.સી.પી. તરીકે કાર્યરત છું.’

બોટાદ જિલ્લાના એસ.પી.ની ફરજ દરમિયાન તેમણે ‘પ્રોજેક્ટ ઉજાસ’ અંતર્ગત આર્થિક મજબૂરીમાં દેહવ્યાપારના દલદલમાં ફસાયેલી 30 જેટલી મહિલાઓનું પુનર્વસન કરાવ્યું. તેમને સરકારી યોજનાઓનો લાભ અપાવ્યો, લઘુ ઉદ્યોગો સ્થાપવામાં મદદ કરી અને આર્થિક રીતે પગભર કરી આ મહિલાઓને સમાજની મુખ્યધારામાં લાવવાની ઉમદા કામગીરી કરી. ‘પ્રોજેક્ટ ઉજાસ’નાં અનુભવનાં આધારે આ મહિલાઓના જીવનને આલેખતું ‘ઉજાસ- એક નવી શરૂઆત’ પુસ્તક પણ લખ્યું છે. બોટાદ જિલ્લાની ખંડણી, વસુલી કરતી ગેંગની સામે સખ્ત પગલાં લીધા. તેમણે નાની બાળકીઓને ‘ગુડ ટચ, બેડ ટચ’ની સમજણ આપવા ‘સમજ સ્પર્શ’ નામનું સરાહનીય અભિયાન પણ શરૂ કર્યું હતું.

સરોજ કુમારી યુવાનોને શીખ આપતા જણાવે છે કે, મનોબળ એ એવી ચીજ છે જે અશક્યને પણ શક્યમાં બદલી શકે છે. લક્ષ્યને પામવા મક્કમ મનોબળ હોય તો ગરીબી અને આર્થિક સ્થિતિ ક્યારેય અંતરાય બનતી નથી. ઘણાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબ વિદ્યાર્થીઓ મને મળે છે ત્યારે એમની ફરિયાદ હોય છે કે પૈસાના અભાવે અભ્યાસ કરવામાં મુશ્કેલી પડે છે. ત્યારે હું હંમેશા એમને સમજાવું છું કે આઈ.પી.એસ.,આઈ.એ.એસ. તેમજ રાજ્યની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગરીબ પરિવાર અને ગામડાંની પૃષ્ઠભૂમિ ધરાવતા યુવાનો મોટી સંખ્યામાં ઉત્તીર્ણ થાય છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે હું યુવાનો તેમજ ખાસ કરીને બહેનોને એક જ સંદેશ આપીશ કે સપના ક્યારેય નાના ન જુઓ. સખ્ત મહેનતથી હસ્તરેખાઓ પણ બદલી શકાય છે. ધ્યેય નક્કી કરી એ દિશામાં ઝનૂનપૂર્વક આગળ વધો. તમારી મહેનત જોઈને પરિવારજનો પણ આગળ વધવામાં જરૂર સહકાર આપશે.

વડોદરા શહેર ખાતે તત્કાલિન નાયબ પોલીસ કમિશનર (વહીવટ અને મુખ્યમથક)ની ફરજ દરમિયાન કોરોના મહામારી તેમજ લોકડાઉનમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં સરાહનીય કામગીરી કરી હતી. વડોદરામાં લોકડાઉન દરમિયાન શ્રમજીવી, ગરીબો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, ફૂટપાથ પર તેમજ બ્રિજ નીચે મળી આવતા લોકો ભૂખ્યા ન રહે એ માટે 'પોલીસ કિચન' શરૂ કરી પોલીસ ટીમની મદદથી તેમણે રાતદિવસ ભોજન પૂરૂ પાડ્યું હતું. 'કમ્યુનિટી પોલિસીંગ' દ્વારા કોરોના કટોકટીમાં લોકો માટે સતત કાર્યરત રહ્યાં હતાં. હાલ તેઓ વડોદરાથી સુરત ખાતે ટ્રાન્સફર થઈ સુરતમાં ડી.સી.પી. તરીકે ફરજ બજાવે છે.

કોરોનાકાળમાં દેશના દરેક રાજ્યમાં આરોગ્ય, સ્વચ્છતા અને પોલીસ કેટેગરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ત્રણ મહિલાઓની ભારત સરકારના રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા ‘કોવિડ વુમન વોરિયર: ધ રિયલ હીરોઝ’ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. સુરત ખાતે કાર્યરત આઈપીએસ સરોજકુમારી ગુજરાત પોલીસના એકમાત્ર મહિલા અધિકારી છે, જેમણે પોલીસ કેટેગરીમાં કોરોના મહામારી તેમજ લોકડાઉનમાં પ્રશંસનીય કામગીરી બદલ રાજ્યભરમાંથી એકમાત્ર આ એવોર્ડ મેળવ્યો છે. આ ઉપરાંત, તેઓને ‘સમજ સ્પર્શ’ અભિયાન માટે તમિલનાડુ ગવર્નરશ્રીના હસ્તે પણ વુમન આઇકોન એવોર્ડ મળ્યો હતો. નોંધનીય છે કે, સુરત શહેર પોલિસમાં 847 મહિલા અધિકારી-કર્મચારીઓ કાર્યરત છે, જેઓ શહેરની સુરક્ષા માટે યોગદાન આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...