બસ, હવે થાક્યો છું...:સુરતમાં મહેનતના 30 હજાર ન મળતાં સાડીના કારીગરે ઘરના રસોડામાં ફાંસો ખાધો, દીકરાની લટકતી લાશ જોઈ માતાનું કાળજું કંપી ઊઠ્યું

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતકની સુસાઈડ નોટના આધારે આરોપી સામે તપાસ હાથ ધરાઈ છે. - Divya Bhaskar
મૃતકની સુસાઈડ નોટના આધારે આરોપી સામે તપાસ હાથ ધરાઈ છે.
  • પોલીસે સુસાઈડ નોટના આધારે આરોપીની ધરપકડ કરી

'મારી મોતનું કારણ કાશીનાથ છે, મારા કામના 30 હજાર લેવાના છે, માગું છું હાથ-પગ જોડું છું પણ આપતા નથી, તારાથી થાય એ કરી લે, આવા જવાબ આપી કહે છે, નહીં આપું તો શું કરી લેશે, થાય એ તોડી લે. સાહેબ મારા ઘરનું વીજ મીટર એક વર્ષ પહેલાં કાપી ગયા છે. અંધારામાં વૃદ્ધ માતા સાથે દિવસ પસાર કરીએ છીએ .બસ હવે થાક્યો એટલે હું આપઘાત કરું છું.' આવી સુસાઇડ નોટ લખી આપઘાત કરી લેનાર સાડી કટીંગના કારીગરના આપઘાત કેસમાં અમરોલી પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાશીનાથની અટક કરી છે. મહેન્દ્ર થોરાત નામના યુવાને 11 મી એ પોતાના જ ઘરના રસોડામાં ફાંસો ખાય આપઘાત કરી લીધા બાદ સુસાઇડ નોટ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે.

ત્રણ દીકરાઓના મોતથી માતા નોધારી થઈ ગઈ છે.
ત્રણ દીકરાઓના મોતથી માતા નોધારી થઈ ગઈ છે.

માતાના બે દીકરાના અગાઉ મોત થયેલા
શૈલેષ થોરાત (પિતરાઇ ભાઈ) એ જણાવ્યું હતું કે મહેન્દ્ર મોતીલાલ થોરાત ઉ.વ. 39 (રહે ધરતી નગર અમરોલી કોસાડ આવાસમાં) ગત તારીખ 11 મી એ ઘરના રસોડામાં ફાંસો ખાય મોતને વ્હાલું કરી લીધું હતું. મહેન્દ્ર સાડી કટીંગનું કામ કરી વૃદ્ધ માતા સાથે ગુજરાન ચલાવતો હતો. દીકરાના આપઘાત બાદ વૃદ્ધ માતા લાચાર બની ગઈ છે. 5 સંતાનોમાં બે ભાઈ અને બે બહેનોના અગાઉ મોત નીપજ્યા હતા. 65 વર્ષની વૃદ્ધ માતાનો એકનો એક આર્થિક સહારો મહેન્દ્ર જ હતો. જોકે એની લટકતી લાશ જોઈ માતા નું કાળજું કપાઈ ગયું હતું. જુવાન જોધ દીકરાના આપઘાત પાછળનું કોઈ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ માતા ઘેરા આઘાતમાં સરી ગઈ હતી. ઘટના બાબતે પોલીસે તપાસ શરૂ કરતાં અનેક ચોંકાવનારા ખુલાસા વાળી સુસાઇડ નોટ મળી આવી હતી.

મૃતક(ફાઈલ તસવીર)ની સુસાઈડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
મૃતક(ફાઈલ તસવીર)ની સુસાઈડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

રૂપિયા ન મળતાં અંતિમ પગલું ભર્યું
મહેન્દ્રની સુસાઇડ નોટ "મારી મોત નું કારણ કાશીનાથ છે, મારા કામના 30 હજાર લેવાના છે, માગું છું હાથ-પગ જોડું છું પણ આપતા નથી, તારાથી થાય એ કરી લે, આવા જવાબ આપી કહે છે નહીં આપું તો શું કરી લેશે, થાય તે કરી લેજે,મહેન્દ્ર એ સ્પષ્ટ લખ્યું છે કે, મને રૂપિયા મળી ગયા હોત તો હું વીજ કંપનીમાં રૂપિયા ભરી લાઈટ રોશની લઈ આવવાનો હતો. માતાના જીવનમાંથી નોરતામાં અંધારૂ દૂર કરવાનો હતો. જોકે નીકળતા રૂપિયા નહિ મળતા આપઘાત નું પગલું ભર્યું હતું. અમરોલી પોલીસે કાશીનાથ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આરોપી અને મૃતક મિત્રો હતા-પોલીસ
એમજી રાઠોડ (તપાસ અધિકારી PSI અમરોલી) એ જણાવ્યું હતું કે, આપઘાતના બીજા દિવસે ઘરના પાણિયારા પરથી મળેલી એક નોટમાં સુસાઈડનું કારણ બતાવતા શબ્દો લખેલા હતા. આરોપીનું કહેવું છે કે, અમે બન્ને બાળપણના મિત્રો હતા. પૈસા આપવાના જ હતાં. બે દિવસ પહેલા જ 2500 આપ્યા હતાં. એની માતાની દેખરેખ પણ હું જ કરતો હતો. મને ખબર ન હતી કે, મહેન્દ્ર આટલો બધો માનસિક તણાવમાં હશે કે, આપઘાત કરી લેશે. નહિતર ગમે તેમ કરીને રૂપિયા લાવી આપી દીધા હોત. ભલે મારી સામે ગુનો નોંધાયો પણ ચિંતા એની માતાની છે. હવે એની સાર સંભાળ રાખશે કોણ? એવું કહી રહ્યો હતો.