સુરતમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી અને વડાપ્રધાન મોદીની તસવીરવાળી સાડીઓના ઓર્ડર મળવાના શરૂ થયા છે. અત્યારસુધીમાં 50 હજાર જેટલી સાડીઓનો ઓર્ડર મળ્યો છે અને આવનારા દિવસોમાં હજુ બે લાખ જેટલી સાડીઓનો ઓર્ડર મળવાની શક્યતાઓ છે. સુરતના અલગ-અલગ 20થી 24 જેટલા મેન્યુફેક્ચરર્સ હાલ જે ઓર્ડર મળી રહ્યા છે એને પૂર્ણ કરવા માટેની તૈયારી કરી રહ્યા છે. સુરતમાં જે સસ્તી સાડી મળે છે એ દેશના અન્ય કોઈ શહેરમાં મળતી નથી. આજે સાડીઓ તૈયાર કરવામાં આવી રહી છે એની કિંમત રૂપિયા 200થી લઈને 500 રૂપિયા સુધીની કિંમતની સાડીઓ ઓર્ડર મુજબ બનાવવામાં આવી રહી છે.
રાજકીય પાર્ટીઓના ઓર્ડર મળવાના શરૂ
ઉત્તરપ્રદેશમાં યોજાનારી ચૂંટણીને લઈને હવે સુરતમાં પણ એની અસર દેખાઈ રહી છે. કોરોના કાળમાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઉત્પાદન થોડું ઓછું થયું હતું, એની સામે હવે રાજકીય પાર્ટીઓના ઓર્ડર મળવાના શરૂ થતાં ફરી એક વખત કાપડ મિલોમાં ઉત્પાદન શરૂ થયું છે. ઉત્તરપ્રદેશમાં રાજકીય માહોલ ચરમસીમા પર છે ત્યારે યોગી અને મોદીના છબિવાળી સાડીઓ તૈયાર થવાની શરૂ થઈ ગઈ છે. સાડી પર સ્લોગન લખવામાં આવ્યું છે કે "જો રામકો લાયે હૈ હમ ઉનકો લાયેંગે. યુપી મેં હમ ફિર સે ભગવા લહરાયેગે".. આ પ્રકારના સ્લોગનવાળી સાડીઓની ડિમાન્ડ ખૂબ જોવા મળી રહી છે.
વેઈટ લેસ, રિનિયલ, તર્કી, ચંદેરી અને સિલ્ક ક્રેપ મટીરિયલ પર સાડી તૈયાર
ઉત્તરપ્રદેશમાં જે યોગી અને મોદીની છબિવાળી સાડીઓની ડિમાન્ડ થઇ રહી છે એ મહદંશે વેઈટ લેસ, રિનિયલ, તર્કી, ચંદેરી અને સિલ્ક ક્રેપ મટીરિયલ પર તૈયાર કરવામાં આવી રહી છે. આ સાડીઓ દેખાવમાં ખૂબ જ આકર્ષક અને ગુણવત્તાવાળી હોય છે. રાજકીય માહોલ બનાવવા માટે રાષ્ટ્રીય જળ આ પ્રકારની સાડીઓનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરતા હોય છે.
રાજકીય પાર્ટીઓના ઓર્ડરથી વેપારીઓમાં આનંદનો માહોલ
ઉત્તરપ્રદેશથી હજારો સાડીઓનો ઓર્ડર આપવાનો શરૂ થયો છે. ઉત્તરપ્રદેશના ગોરખપુર, જોનપુર હોય કે કાનપુર હોય, આવા અલગ-અલગ શહેરોમાંથી ઓર્ડર સુરતના મેન્યુફેક્ચરર્સને મળી રહ્યા છે. સુરતમાં રાજકીય પાર્ટીઓના ટોપી, ઝંડા, કોટી વગેરે પણ સુરતમાં ખૂબ જ બને છે. રોજના હજારોની સંખ્યામાં ઓર્ડરો સુરતના વેપારીઓને મળવાના શરૂ થતાં એક પ્રકારે આનંદનો માહોલ વેપારીઓમાં પણ જોવા મળી રહ્યો છે.
ભાજપના સિમ્બોલવાળી સાડીની પણ બોલબાલા
સુરતના મેન્યુફેક્ચરર મનોહર સિહાગે જણાવ્યું હતું કે દેશના કોઇપણ રાજ્યોમાં ચૂંટણી હોય ત્યારે સુરતની કાપડ મિલોને તેના ઓર્ડર મળતા જ હોય છે. રાજકીય પાર્ટીઓ પોતાની પ્રચારસામગ્રી અહીં છાપવામાં આવતી હોય છે. અત્યારે યુપીમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલવાળી અને મોદી અને યોગીજીની પ્રિન્ટ સાડીઓની બોલબાલા જોવા મળી રહી છે, તેથી અહીં મેન્યુફેક્ચરિંગ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે રોજની હજારો સાડીઓ અહીં તૈયાર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
રાજકીય પાર્ટીઓ અને તેમના સમર્થકો દ્વારા ઓર્ડર
કપડાં વેપારી લલિત શર્માએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના ગોરખપુર જોનપુર અને કાનપુર તેમજ અન્ય શહેરોમાંથી ફોન ઉપર ખૂબ મોટા પ્રમાણમાં ઇન્કવાયરીઓ થઈ રહી છે. મોદી અને યોગી સાડી સહિતની ભારતીય જનતા પાર્ટીની સામગ્રીઓના ઓર્ડર તો મળી રહ્યા છે પરંતુ તેઓ ખૂબ જ ઝડપથી તેમની ડિમાન્ડ પૂરી થાય એ પ્રકારનું દબાણ પણ કરી રહ્યા છે. જોકે સુરત મેન્યુફેક્ચરિંગ હાલ છે જે પણ ઓર્ડર મળતા હોય છે તેને પૂરી કરવાની તાકાત રાખે છે. ઉત્તર પ્રદેશમાંથી જે પણ રાજકીય પાર્ટીઓ અને તેમના સમર્થકો દ્વારા ઓર્ડર મળી રહ્યા છે એ તમામ પૂર્ણ કરવા માટે અમે તૈયારીઓ કરી લીધી છે. મોદી અને યોગીની લોકપ્રિયતા ઉત્તરપ્રદેશમાં દેખાતી હોય તેવું લાગે છે અને તેના કારણે જ એમની છબિવાળી સાડીઓ વધુ પ્રમાણમાં મગાવવામાં આવી રહી છે.
10થી 15 દિવસમાં ઓર્ડર પૂરા કરી દેવાશે
સુરતના વેપારી પીયૂષ પટેલે જણાવ્યું હતું કે સુરતમાં તૈયાર થતી સાડીઓ દેશભરની અંદર ખૂબ જ લોકપ્રિય છે. અહીંની ખાસિયત એ છે કે સસ્તામાં સસ્તી અને મોંઘામાં મોંઘી સાડી તૈયાર થઈ જાય છે. જે પ્રકારે ગ્રાહકોના ઓર્ડરો મળતા હોય છે તે પ્રકારની સાડી તૈયાર થાય છે. હાલ અત્યારે રાજકીય માહોલ દેખાઈ રહ્યો છે અને તેના કારણે યોગી અને મોદીની છબિઓવાળી સાડીઓની ડિમાન્ડ સતત વધી રહી છે. અમારી પાસે પ્રોડક્શન તૈયાર છે અને જેટલા પણ ઓર્ડર મળી રહ્યા છે તે અંગે અમે તેમને ડિમાન્ડ કરી રહ્યા છે. સાથે સાથે ઉત્તરપ્રદેશમાંથી જે ફોન ઉપાડો એટલે કહે છે કે આગામી 10થી 15 દિવસમાં અમે મોટા ભાગના ઓર્ડરો પૂર્ણ કરી દઈશું અને એને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગને સારી આવક પણ ઊભી થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.