ધારાસભ્ય સંગીતા પાટીલનો જન્મદિવસ 12 ઓગસ્ટના દિવસે હતો. તેમના સમર્થકો અને શુભચિંતક દ્વારા તેમના જન્મદિવસની દબદબાભેર ઉજવણી કરાઇ હોવાની તસવીરે સામે આવી છે. જેમાં ધારાસભ્ય અને અન્ય લોકોના ચહેરા પર માસ્ક ન દેખાયા હતા. કાયદો માત્ર સામાન્ય પ્રજાને લાગુ પડતો હોય તેવા કિસ્સાઓ સુરત શહેરમાં સતત સામે આવી રહ્યા છે. કોઈ વ્યક્તિ પોતાનો જન્મદિવસ જાહેરમાં ટોળું એકત્રિત કરીને ઉજવવામાં આવે તો તેની સામે પોલીસ શિક્ષાત્મક કાર્યવાહી કરી રહી છે પરંતુ લિંબાયત વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંગીતા પાટીલ સામે પગલાં લેવાશે કે કેમ તે મહત્વનું છે. આ બાબતે સંગીતા પાટીલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પણ સંપર્ક થઈ શક્યો નથી.
સમાન્ય પ્રજાને દંડ ને નેતાઓ સામે કાર્યવાહી નહીં
જાહેરમાં જન્મદિવસની ઉજવણી ન કરવાનો જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તેમજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમો ચુસ્તપણે પાલન કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે. જો તે પાલન ન થાય તો પ્રજા સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવે છે અને દંડ ફટકારવામાં આવે છે. લિંબાયત વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંગીતા પાટીલે જાહેરમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો હોવાના ફોટા વાઇરલ થયા છે. લોકોના પ્રતિનિધિત્વ કરતા નેતાઓ જ કોરોના ગાઇડ લાઇનનો સતત ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. વિશેષ કરીને નેતાઓ અનેક વખત કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાડતા જોવા મળે છે. પરંતુ તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
જન્મદિવસની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા
ધારાસભ્ય સંગીતા પાટીલએ જાહેર રોડ ઉપર જન્મદિવસની ઉજવણી કરી. જેમાં સ્પષ્ટ દેખાય છે કે તેમણે પોતે પણ માણસ કે નથી પહેર્યો અને તેની આસપાસના મોટાભાગના લોકોએ પણ માસ્ક પહેર્યુ નથી. એટલું જ નહીં સોશિયલ ડિસ્ટન્સ તો જરા પણ જળવાયું નથી. કોરોનાની ત્રીજી લહેરને ભૂલી ગયા હોય તે રીતે નેતાઓ અને તેના સમર્થક પ્રવર્તી રહ્યા છે.
પોલીસ અને પાલિકા ધારાસભ્ય સામે કાર્યવાહી કરશે?
ફોટાઓમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કોરોના સંક્રમણ માટે રાજ્ય સરકારે જે ગાઇડલાઇન જાહેર કરી છે તેનું ઉલ્લંઘન ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે તેમની સામે કેવી રીતે કાર્યવાહી કરશે તેના ઉપર સૌ કોઈની નજર છે. શું પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવા માટે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવશે? કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા માસ્ક ના પહેરવાને કારણે તેમને દંડ ફટકારાશે?
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.