સુરતમાં તાપી નદીમાં રેતી ચોરો ખુલ્લેઆમ લૂંટ મચાવી રહ્યા છે છતાં પણ ભૂસ્તર વિભાગના અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાં છે. ભૂસ્તર વિભાગે જે પ્રકારે કામગીરી કરવી જોઈએ તે થઇ રહી નથી અને તેના કારણે તાપી નદીમાંથી ખુલ્લેઆમ ગેરકાયદેસર રેતી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. સરથાણા નેચર પાર્કની પાછળના ભાગે ખુલ્લેઆમ રેતીખનન થઇ રહી હોવાની ઘટના સામે આવતા સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા ભૂસ્તર વિભાગના અધિકારીઓને જાણ કરાઇ હતી.
અંધારામાં રેતી ખનન કરવાની મોડસ ઓપરેન્ડી
સુરતના તાપી કિનારે ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની રેતી ખનન દર મહિને થઈ રહી છે. ભૂસ્તર વિભાગ દ્વારા જે નિયમોનું પાલન કરવું જોઈએ તે થઈ રહ્યું નથી અને તેના કારણે તાપી નદીમાંથી યાંત્રિક બોર્ડથી રેતી ચોરીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. સરથાણા નેચર પાર્કની પાસે યાંત્રિક હોડીથી મોટા પ્રમાણમાં રેતી ચોરી થઈ રહી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે પોલીસ દ્વારા ભૂસ્તર વિભાગના અને ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ હતી. રેતી ખનન માફિયાઓ તાપી નદીની વચ્ચોવચ યાંત્રિક હોડી મૂકી દેતા હોય છે અને રાત્રે અંધારામાં રેતી ખનન કરવાની તેમની મોડસ ઓપરેન્ડી છે એ પ્રમાણે ગેરકાયદેસર રેતીખનન કરે છે.
ભૂસ્તર વિભાગની આંખો ખૂલી રહી નથી
ભૂસ્તર વિભાગને સુરત શહેર અને જિલ્લામાં તાપી નદી કિનારે કરોડો રૂપિયાની રેતી ચોરી થતી હોવાની ફરિયાદો મળે છે પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે જ્યારે પણ ભૂસ્તર વિભાગની ટીમ સ્થળ ઉપર મળેલી માહિતી મુજબ પહોંચે છે ત્યારે તેમના હાથે રેતી ખનન કરનારા માફિયાઓ ઝડપાતા નથી એ આશ્ચર્યજનક બાબત છે. સરથાણા નેચર પાર્કની પાછળ પણ આ જ પ્રકારની ફરિયાદો મળી હતી પરંતુ ભૂસ્તર વિભાગની ટીમે ગંભીરતાપૂર્વક કોઈ કાર્યવાહી કરી નથી. એટલું જ નહીં પરંતુ સુરતના ભાઠા, પાલ વિસ્તારની અંદર પણ સતત રેતીખનન થઈ રહી છે પરંતુ ભૂસ્તર વિભાગની આંખો ખૂલી રહી નથી.
ભૂસ્તર વિભાગના અધિકારી સુનીતા અરોરા સાથે કરેલી વાતચીત પ્રમાણે તેમણે કહ્યું કે તેઓ પોતે આજે ગાંધીનગર ખાતે છે. સરથાણા નેચર પાર્કની પાછળ રેતી ખનન થતું હોવાની વાત એમને મળી છે તેના આધારે તેમણે તપાસ કરી છે. જ્યારે દિવ્યભાસ્કર તરફથી તેમને પૂછવામાં આવ્યું કે અહીં રેતી ખનન થાય છે ફરિયાદ તમને અગાઉ મળી હતી? તેમણે જણાવ્યું કે હા અમને આ બાબતે ફરિયાદ ઘણી વખત મળી છે ત્યારે અમે અમારી ટીમ સાથે જ્યારે તપાસ કરી હતી ત્યારે અમારી સાથે કોઈ પણ પુરાવા લાગ્યા ન હતા અને ગેરકાયદેસર રેતી ખનન થાય છે કે નહીં તે અંગે પણ કોઈ સ્પષ્ટતા થઈ નહોતી.
કેટલી વખત ફરિયાદ મળી હતી અને તમે કેટલી વખત ત્યાં સ્થળ તપાસ માટે ગયા હતા?
સુનિતા અરોરાએ જણાવ્યું કે અમને ઘણી વખત ફરિયાદ મળી છે પરંતુ અમે એક વખત ત્યાં સ્થળ તપાસ માટે ગયા હતા પરંતુ અમને ત્યાં આગળ તપાસ રેતી ખનન થાય એવું કોઈ પણ બાબત ધ્યાને આવી ન હતી.
નેચર પાર્કની પાછળ તેમજ ભાઠા અને પાલ વિસ્તારમાં પણ રેતી ખનન થાય છે તે અંગે તમને માહિતી છે અથવા તો આ અંગે તમને કોઈ ફરિયાદ મળી છે?
સુનિતા અરોરાએ જવાબ આપ્યો કે એ અંગે હું તમને પછી માહિતી આપીશ હું અત્યારે ગાંધીનગર ખાતે ઓફિસમાં છું.
રોયલ્ટી ઇન્સ્પેક્ટર તુષાર ગુપ્તા સાથે કરેલી વાતચીતમાં તેમણે જણાવ્યું કે રેતી ખનન થતાં હોવાના સમાચાર અમને મળ્યા છે. અમારી ટીમ ત્યાં આગળ પહોંચી છે. તુષાર ગુપ્તાને જ્યારે પૂછ્યું કે આ બાબતે તમને કોઈ માહિતી મળી હતી? તુષાર ગુપ્તાએ જણાવ્યું કે અમને ફરિયાદ મળી હતી. અમે ઘટનાસ્થળ પર અમારી ટીમને મોકલીને તપાસ કરાવી હતી પરંતુ અમને સ્પોટ મળ્યો ન હતો.
સરથાણા નેચર પાર્ક ની પાછળ રેતીખનન થાય છે એવી ફરિયાદ તમને કેટલી વખત મળી છે?
તુષાર ગુપ્તા જણાવ્યું કે અમને ફરિયાદ મળી હતી અને અમે ત્યાં તપાસ પણ કરી હતી. કેટલી વખત મળી છે તે હું તમને ચોક્કસ નહીં કહી શકું.
સરથાણા નેચર પાર્ક ની પાછળ સિવાય ભાઠા અને પાલ જેવા વિસ્તારોમાં તેમજ જિલ્લામાં ગેરકાયદેસર રેતીખનન થઈ રહી છે તેવી ફરિયાદો તમને મળી છે?
તુષાર ગુપ્તાએ જણાવ્યું કે હું બીજી બાજુ ઇન્ફેક્શન કરવા માટે આવ્યો છો અત્યારે હું તમારી સાથે વાતો નહીં કરી શકું. અમારી ટીમ ત્યાં પહોંચી છે ત્યાં તમે તપાસ કરીને પૂછી લેજો.
કલેક્ટર દ્વારા તલસ્પર્શી તપાસ થવી જોઇએ
તાપી નદીના કિનારે સુરત શહેર અને જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ની અંદર રેતીખનન થાય છે એક અંદાજ મુજબ રોજની 150થી 200 ગાડીઓ રેતી ભરીને જાય છે. અંદાજે રોજના 20થી 25 લાખ રૂપિયાની રેતીનું ખનન થઈ રહ્યું હોવા છતાં પણ ભૂસ્તર વિભાગના અધિકારીઓ કેમ કોઈ કાર્યવાહી નથી કરતા તે મોટો યક્ષપ્રશ્ન છે. સતત લોકો ચર્ચા કરતા હોય છે કે ભૂસ્તર વિભાગમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં અંદર ભ્રષ્ટાચાર થતો હોય છે. અધિકારીઓ રેતીખનન માફિયાઓ સાથે સાઠગાંઠમાં હોવાને કારણે તાપી નદીમાંથી રેતી ખનન બંધ થઈ નથી રહ્યું તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. જોકે જિલ્લા કલેક્ટર દ્વારા આ તમામ બાબતોની તલસ્પર્શી તપાસ થવી જોઇએ તો જ તાપી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઓછું થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.