સુરત:અમદાવાદ આગની દુર્ઘટના મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું, જવાબદારો સામે કડક કાર્યવાહી થશે

સુરતએક વર્ષ પહેલા
શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગને કરૂણ ગણાવતા ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું, આવા બનાવો ન બને તે માટે સર્વે પણ કરવો જોઈએ
  • શ્રેય હોસ્પિટલની ઘટના ખૂબ દુઃખદ છે- પાટીલ
  • સરકાર દ્વારા તપાસના આદેશ અપાયા છે-પાટીલ

અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનામાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ પ્રકારની દુર્ઘટનામાં તમામ જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની મેં પણ માંગ કરી છે. મુખ્યમંત્રી દ્વારા પણ આ અંગે તાત્કાલિક 3 દિવસમાં રિપોર્ટ મળે અને તમામ જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવા આદેશ કરાયા છે. આવી દુર્ઘટના ફરી ન બને તે માટે અન્ય હોસ્પિટલમાં પણ જે કમી હોય તે પુરી કરવી જોઈએ.

ખૂબ જ કરૂણ ઘટના
સી.આર.પાટીલે કહ્યું કે, આ ખૂબ કરૂણ બનાવ છે. સવાર સવારમાં આ અંગે જાણ થઈ તો હલી જવાયું હતું. આ પ્રકારના બનાવોમાં જે પણ જવાબદાર હોય તેની સામે કડક પગલાં લેવાવા જોઈએ. સાથે તપાસ થવી જોઈએ અને જે જવાબદાર હોય તેને સજા અપાવવી જોઈએ. હોસ્પિટલમાં હજુ પણ પુરતી તકેદારી ન રખાતી હોય ત્યાં અને એવા સ્થાનો કે જ્યાં આ પ્રકારના બનાવ બની શકે તેમ હોય ત્યાં પણ તાત્કાલિક ધોરણે સર્વે કરીને યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.

નિયમોનું પાલન થવું જોઈએ
સુરતની આગ બાદ પાલિકા દ્વારા સાધનો વસાવવાની સાથે સાથે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તે જ રીતે અમદાવાદમાં પણ સર્વે કરીને નિમયોના આધારે કાર્યવાહી કરવી જોઈએ. જેથી આ પ્રકારના બનાવો ન બને અને પાલિકા તંત્ર કે ફાયરબ્રિગેડ દ્વારા પણ સાધનોની ઉણપ હોય તો તેને વસાવી લેવા જોઈએ.સુરતમાં હાલ ફાયર સેફ્ટીની કમી નથી છતાં એવું હોય તો પાલિકા કમિશનર અને મેયર સાથે વાત કરીને સાધનો વસાવવા જણાવીશ તેમ સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું.