• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Former Minister Of State Kumar Kanani Said About Break Road, AAP Corporators And Officials Are Only Interested In Corruption, Not Work

હવે તૂટેલા રસ્તા દેખાયા:સુરતના પૂર્વ રાજ્યમંત્રી કાનાણીએ બિસ્માર રસ્તા અંગે કહ્યું- 'આપ'ના કોર્પોરેટરો અને અધિકારીઓને માત્ર ભ્રષ્ટાચારમાં રસ, કામમાં નહીં

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરાછાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય આરોગ્યમંત્રી કાનાણીએ વરાછાના રસ્તાની બિસ્માર હાલતનો પ્રશ્ન ઉપાડ્યો
  • કુમાર કાનાણીએ કહ્યું- 'આપ'ના કોર્પોરેટરો પ્રજાના પ્રશ્નોને હલ કરવા માટે સક્રિય થતા નથી

વરાછાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ પોતાના મતવિસ્તારમાં રસ્તાની બિસ્માર હાલતને લઈને પાલિકા કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે, વરાછા ઝોનના અધિકારીઓ અને સ્થાનિક(આપના) કોર્પોરેટરોને રસ્તાની હાલતની કોઈ ગંભીરતા નથી. રોડ રિપેર કરવામાં કોઈને રસ નથી. જેથી તાત્કાલિક ધોરણે રસ્તા રિપેર કરવા રજૂઆત છે. પૂર્વ રાજ્ય આરોગ્યમંત્રી અને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ Divyabhaskar.com સાથે વાત કરતા ચોંકાવનારા નિવેદનો આપ્યા હતા. જેમાં કુમાર કાનાણીએ માત્ર પોતાના વિસ્તારના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પર જ નિશાન સાધી રહ્યા છે અને પોતાના નેતાઓ વિશે તેઓ કંઈ પણ બોલવા તૈયાર થતાં નથી. શહેરના અન્ય વોર્ડમાં પણ આજ પ્રકારની સ્થિતિ છે. રસ્તાઓની તે અંગે તેઓ ત્યાંના સ્થાનિક(ભાજપના) કોર્પોરેટરો અને અધિકારીઓને જવાબદાર ઠેરવતા નથી.

સવાલઃ આ રીતે પત્ર લખવા પાછળનું કારણ શું છે?
કુમાર કાનાણી: વરાછા વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના છે. તેઓ લોકોના પ્રશ્નોનો હલ કરવાને બદલે ગાંધીનગરમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. વરાછા વિસ્તારમાં તૂટેલા રસ્તા બાબતે તેઓ નક્કર રજૂઆત કોર્પોરેશનમાં કરતા નથી અને તેના કારણે આ વિસ્તારની અંદર રસ્તાની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે. નાની નાની વાતોમાં વીડિયો કરીને લાઈવ કરતા આપના કોર્પોરેટરોએ આ પ્રશ્નને કેમ વેગ નથી આપતા.

સવાલઃ તમે એવું કહેવા માંગો છો કે સ્થાનિક અધિકારીઓ અને કોર્પોરેટરો ભ્રષ્ટાચારી છે?
કુમાર કાનાણી: સ્વાભાવિક છે કે જે પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ તેના માટે કામ થતું નથી. નવું બાંધકામ ક્યાં થાય છે ત્યાં આગળ અધિકારીઓએ સ્થાનિક કોર્પોરેટરો પહોંચી જાય છે એનો સીધો અર્થ એવો થાય છે કે તેમને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં જ રસ છે.

સવાલઃ શહેરમાં અન્ય વિસ્તારોમાં રસ્તાની આવી જ સ્થિતિ છે ત્યાં પણ કોર્પોરેટર આવું કરી રહ્યા છે?
કુમાર કાનાણી: હું વરાછા વિસ્તારનો ધારાસભ્ય છું એટલે હું માત્ર મારા જ વિસ્તારની વાત કરું છું, અન્ય વિસ્તારમાં શું ચાલે છે તેને લઈને મારે કોઈ વિવાદ કરવો નથી. હું સ્પષ્ટ માનું છું કે મારા વિસ્તારના કોર્પોરેટરોને પ્રજાના પ્રશ્નોને હલ કરવા માટે સક્રિય થતા નથી. અધિકારીઓ પણ યોગ્ય રીતે કામગીરી કરતા ન હોવાને કારણે લોકોને વધુ મુશ્કેલી થઈ રહી છે.

સવાલઃ તમે આ મુદ્દે માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીને રજૂઆત કરી છે?
કુમાર કાનાણી: ના મે એમને કોઈ રજૂઆત કરી નથી. સુરત મહાનગરપાલિકાના રોડ રસ્તા ખરાબ થયા હોય તો એ બાબતે મારે એમને રજૂઆત કરવાની કોઈ જરૂરિયાત નથી. રાજ્યકક્ષાના મંત્રી છે એમની પાસે સમય નથી કે તે સુરતના રસ્તાઓનું સમારકામ કરાવે. તેમણે આખા રાજ્યને જોવાનું છે, માત્ર સુરત શહેરને નહીં.

સવાલઃ મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે તમારા વિસ્તારમાં રસ્તા ખરાબ હોય તો મને વોટ્સએપ ઉપર માહિતી મોકલો?
કુમાર કાનાણી: અરે હું ફરીથી કહું છું કે આ કામ પૂર્ણેશભાઈ મોદીનું નથી. તે રાજ્યકક્ષાના મંત્રી છે. આ તો આપણા સ્થાનિક લેવલે કમિશનર દ્વારા કામગીરી થવી જોઈએ. એમને રજૂઆત કરવાનો કોઈ અર્થ નથી. સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓની જવાબદારી છે કે તેઓ રસ્તાનું સમારકામ કરાવે.

સવાલઃ આખા શહેરની સ્થિતિ આ પ્રકારની છે તેના માટે તમે કોને જવાબદાર માનો છો?
કુમાર કાનાણી: હું માત્રને માત્ર મારા જ વિસ્તારની વાત કરી. શહેરના અન્ય વિસ્તારો બાબતે મારે કંઈ જ કહેવું નથી અને ખોટી ગેરસમજ પણ ઉભી કરવી નથી. આ મુદ્દાને હું સંકલનમાં પોતે હાજર રહીને રજૂઆત કરવાનો છું. વરાછા વિસ્તારના રસ્તાઓ ખૂબ જ ખરાબ છે માટે લોકોના હિતમાં આ સંકલન મુદ્દો ઉઠાવવાનો છું.