જાન્યુઆરી-2023 દરમિયાન વડોદરાના લક્ષ્મી વિલા પેલેસ ખાતે એશિયાનો સૌથી મોટો વિંટેજ કાર-શો યોજાવા જઈ રહ્યો છે. આ વિંટેજ કાર-શોમાં સચિનના નવાબ દ્વારા રી-સ્ટોર કરાયેલી વિંટેજ જીપ (કાર) પ્રદર્શનમાં મૂકાવા માટે પસંદગી પામી છે. જોકે, આ કારના મૂળ માલિક કપિલ આર. આહિર શહેરના એડવોકેટ છે. આ બન્ને જીપ (કાર) વર્ષ-1941થી 1945 દરમિયાન વર્લ્ડ વોરમાં યુ.એસ આર્મી દ્વારા વાપરવામાં આવી હતી.
વિન્ટેજ કાર એક્ઝિબિશનમાં સુરતની કાર આકર્ષણનું કેન્દ્ર
આગામી 6, 7, અને 8 એમ ત્રણ દિવસ માટે ગુજરાતના વડોદરા શહેરના લક્ષ્મીવિલા પેલેસ ખાતે એશિયાનો સૌથી મોટો વિંટેજ કાર-શો યોજાવા જઈ રહ્યો છે. જેમાં સુરતની વીલીસ સ્લેટ ગ્રીન (એમ.બી) અને ફોર્ડ કંપનીની એમ બે જીપ કાર છે. આ બન્ને કારને સચિનના નવાબ ફૈસલખાન દ્વારા રી સ્ટોર કરી છે. જેમાં તેમની ટીમના અલગ-અલગ 5 વ્યક્તિઓ 7વર્ષથી મહેનત કરી રહ્યાં હતાં. નવાબ ફૈસલખાન જણાવે છે કે, આ જીપકારનો ઉપયોગ 1941થી 1945 દરમિયાન યુ.એસ આર્મી (ડિફેન્સ) દ્વારા કરાતો હતો અને આ જીપ કાર બનાવવા માટે વીલીસ અને ફોર્ડ બે કંપનીઓ બનાવતી હતી. પાંચ વર્ષ ચાલેલાં વર્લ્ડ વોરમાં આ બન્ને કંપનીઓએ 5.70 લાખ જેટલી આ મોડેલની કારો બનાવી હતી. જેની ખાસીયત પણ અનેક ગણી છે. પાંચ વર્ષ બાદ આ જીપનું મેન્યુફેક્ચર બંધ કરી દેવાયું હતું. આ જીપને આજે રી સ્ટોર કરવામાં સાત વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે. આ કારમાં જે સામાન હોવો જોઈએ તે જ નાંખવામાં આવ્યો છે. જે સામાન યુ.એસ કંપનીનો હતો. તેને ત્યાંથી જ ઈમ્પોર્ટ કરાયો છે અને સ્વાભાવિક છે કે, આટલાં સમય સુધી જવલ્લેજ કોઈ પાસે જૂની ગાડીઓનો સામાન હોઈ શકે! નોંધનીય છે કે, સચિનના નવાબ ફૈસલખાન પાસે વિંટેજ કારોનું મોટું કલેક્શન છે. ગાડીઓના શોખીનની શ્રેણીમાં આવતાં નવાબ ફૈસલખાનના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ બન્ને જીપ તૈયાર કરવામાં આવી છે.
યુ.એસ આર્મીના ઓર્ડર મુજબ
આ સેમ ડિઝાઈન યથાવત રાખીને ફોર્ડ કંપનીએ પણ આ જીપ બનાવી હતી. આ કારમાં માત્ર 3 ગીયર્સ, લેફ્ટ હેન્ડ સ્ટેયરીંગ, સ્પેશિયલ વાયરલેશ સેટ, એન્ટિ એરક્રાફ્ટ ગન, વીંચ સીસ્ટમ (1100 કિલોગ્રામ વજન ખેંચી શકે તેટલો પાવર એન્જિન જનરેટ કરે છે), લેથ મશીન સિસ્ટમ, કોમ્બેડ વ્હીલ રીમ્સ-મીટર ગેજ ટ્રેન (જીપના ટાયર કાઢી નાંખી તેને ટ્રેનના ટ્રેક ઉપર પણ દોડાવી શકાય તેવી ડિઝાઈન વ્હીલ રીમની છે). 4 સિલિન્ડર યુક્ત પેટ્રોલ એન્જિન 57 એચ.પી જનરેટ કરે છે. આ જીપકારમાં માત્ર 6 વોટ્સ બેટરીનો ઉપયોગ થાય છે. ફોર વ્હીલ એન્જિન અને ફોર વ્હીલ બ્રેક ધરાવતી આ કાર કલાકના 60 માઈલ્સ એટલે 100 કિલોમીટરની ઝડપે ચાલે છે.
યુદ્ધ માટે સ્પેશિયલ ડિઝાઇન કરવામાં આવી હતી
રાત્રિ સમયે આ જીપકારને ચલાવવા માટે કંઈક અલગ ટ્રીક અપનાવાતી વલ્ડ વોર સમયે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે એકી સાથે મોટી સંખ્યામાં આ જીપકાર જરૂરી સામાન સાથે રાત્રિ સમયે નિકળતી હતી. કાદવ કિચડમાં કાર ફસાઈ ન જાય તે માટે સ્પેશિયલ ચેઈન ટાયર ઉપર લાગતી હતી. એર સ્ટ્રાઈકના સમયે રાત્રિના અંધારામાં દુશ્મનોને ગાડીઓની ભનક પણ ન લાગે તે માટે લાંબી હરોળમાં ચાલતી પ્રથમકાર જ હેડલાઈટનો ઉપયોગ કરતી બાકી બધી જીપકાર કેટ્સ આઈ લાઈટ્સનો ઉપયોગ કરતી. કેટ્સ આઈ લાઈટમાંથી માત્ર ત્રણ કિરણો નિકળતાં જે આગળ ચાલતી જીપની પાછળ લાગેલી લાઈટ રીફલેક્ટરના અંદાજે ચાલતી હતી. આ ગાડીમાં પેટ્રોલ ટેંક બરાબર સીટની નીચે ગોઠવવામાં આવી છે. વળી પેટ્રોલ ટેંકની આજુબાજુનો અમુક હિસ્સો પાણીથી ભરેલો રખાતો જેથી રણની ગરમીમાં આ પાણી પેટ્રોલ ટેંકને સામાન્યત: ઠંડી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.