હાલાકી:સચિન સબસ્ટેશન 18 કલાક બંધ 2000 કારખાનાંને કરોડોનો ફટકો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 8 દિવસથી વીજળી અનિયમિત મળતાં ભારે હાલાકી
  • અનેક રજૂઆત છતાં પરિણામ શૂન્ય: ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ

સચિન જીઆઈડીસીમાં જેટકો-બી સબસ્ટેશન 8 દિવસથી અનિયમિત ચાલતાં સચિનના 2 હજાર યુનિટોને કરોડો રૂપિયાની નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુરુવારે તો 18 કલાક પાવર ઠપ થતાં ઉદ્યોગો ત્રાહીમામ પોકારી ગયા હતા.

જીઆઈડીસીમાં 2250થી વધારે એકમો છે. આ ઉપરાંત એસઈઝેડ અને સચિન જીઆઈડીસીની આસપાસ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલી છે. સચિન જીઆઈડીસીમાં છેલ્લાં 8 દિવસથી જેટકો-બી સબ સ્ટેશન અનિયમિત રીતે ચાલી રહ્યું છે. બુધવારના રોજ 12 કલાક અને ગુરુવારના રોજ 18 કલાક સુધી વિજળી મળી શકી ન હતી.

જેમાં ખાસ કરીને લક્ષ્મીવિલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, એસઈઝેડ, સચિન જીઆઈડીસી રોડ નંબર 2, રોડ નંબર 65, એ, બી, સી અને રોડ નંબર 41, 42ના 2000 એકમોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને એક અઠવાડિયાથી વિજળી આવ-જાવ કરતી હોવાથી કરોડો રૂપિયાની નુકસાની સહન કરવાનો વારો આવે છે. આ બાબતે સચિન જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પ્રશ્નનું સમાધાન થઈ રહ્યું નથી.

જેટકોના સબસ્ટેશનનો વહીવટ ખાડે ગયો
સચિન જીઆઈડીસી એસોસિએશન સાથે સંકળાયેલા મહેન્દ્ર રામોલિયાએ કહ્યું હતું કે, ‘જેટકોના સબસ્ટેશન બાબતે અનેક રજૂઆત કરા છતાં હજી ઉકેલ મળતો નથી. વહીવટ ખાડે ગયો છે. છેલ્લાં 8 દિવસથી ઉદ્યોગકારોને વીજળી કાપનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે સચિનના 2 હજાર એકમોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.’

અન્ય સમાચારો પણ છે...