કેમિકલ કંપનીમાં ભીષણ આગ:સચિન GIDCમાં આવેલી અનુપમ કેમિકલમાં લાગેલી આગમાં 4નાં મોત, ધડાકાભેર ડ્રમ ફાટ્યા હતા

સુરત24 દિવસ પહેલા
અનુપમ રસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો.

સુરત સચિન જીઆઇડીસીમાં આવેલી અનુપમ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી હતી. મોડી રાતે એકાએક કંપનીના વિસલમાંથી કેમિકલ લીક થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઘટનામાં એક કામદારનું ઘટના સ્થલે મોત થયું હતું. જ્યારે ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલા વધુ 3 કામદારના સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે.

કેમિકલ બનાવતી ફેક્ટરીમાં
સુરતના સચિન જીઆઇડીસીમાં કેમિકલ બનાવતી અનેક કંપનીઓ કાર્યરત છે. અનુપમ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાએક આગ લાગતા અફરાતફરી જોવા મળી હતી. કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા, તે સમયે જ આગ લાગી હતી. આ આગ જોતજોતામાં ખૂબ જ પ્રસરી ગઈ હતી. ફાયર વિભાગને જાણ થતાં 30થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ત્યારબાદ ભાગે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.

20 વ્યક્તિઓ ઘાયલ થયા
અનુપમ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 10 સપ્ટેમ્બર, 2022ના રોજ સચિન જીઆઇડીસીમાં અમારા પ્લાન્ટમાં આગની દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી હતી. કંપનીના યુનિટ-6 ખાતે એક મેન્યુફેક્ચરિંગ બ્લોકમાં આગ લાગી હતી. અમારી ફાયર રિસ્પોન્સ ટીમ અને સ્થાનિક ફાયર બ્રિગેડે એક કલાકમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. એક વિશેષ ટીમ આગની ઘટનાના કારણની તપાસ કરી રહી છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 4 વ્યક્તિઓના મોત થયાં છે અને 20 વ્યક્તિઓ ઘાયલ થયા છે, જેઓ સ્થાનિક હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર મેળવી રહ્યાં છે. અમારા કામદારો અને કર્મચારીઓ અમારી પ્રાથમિકતા છે. એક જવાબદાર કોર્પોરેટ તરીકે અમે અસરગ્રસ્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સહયોગ કરવા કટીબદ્ધ છીએ.

નુકશાનનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ
સુરત જિલ્લામાં સચિન જીઆઇડીસી અને ભરૂચ જિલ્લામાં ઝગડિયા જીઆઇડીસીમાં વિવિધ સ્થળો ઉપર કાર્યરત છ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં યુનિટ 6 એક સ્વતંત્ર યુનિટ છે અને તેની ક્ષમતા સૌથી ઓછી છે. અમે નુકશાનનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ તથા ટૂંક સમયમાં પ્લાન્ટને શરૂ કરવા જરૂરી પગલાં ભરીશું. વધુમાં અમે સંપત્તિ અને નફામાં નુકશાન સામે વીમા કવચ ધરાવીએ છીએ. કંપની વહીવટીતંત્રને સહયોગ કરીને જરૂરી તમામ મદદ કરી રહી છે. અનુપમ રસાયણે તમામ સુરક્ષા અને નિયમોનું પાલન કર્યું છે અને તેનું અનુપાલન જાળવી રાખશે તથા ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા જરૂરી પગલાં ભરશે.

કેમિકલનાં ડ્રમ ભરેલાં હોવાથી આગ વિકરાળ બની
કેમિકલનાં ડ્રમ ભરેલાં હોવાથી આગ વિકરાળ બની

કેમિકલ હોવાથી આગ ઝડપથી પ્રસરી
અનુપમ રસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો હોવાને કારણે આગ ખૂબ ઝડપથી પ્રસરી હતી. જ્વલનશીલ કેમિકલનો ઉપયોગ થતો હોવાને કારણે આગ ઉપર કાબૂ મેળવવો પણ મુશ્કેલ હતો. ફેક્ટરીમાં કેમિકલનાં ડ્રમ ભરેલાં હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ધડાકાભેર ડ્રમ ફાટવાથી ભયનો માહોલ ઊભો થયો હતો.

ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા
સમગ્ર ઘટનામાં ચાર કામદારના મોત થયા છે. 20 જેટલા કામદારોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો અન્ય કામદારોને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અન્ય કામદારની સ્થિતિ પણ ગંભીર હોવાને કારણે મૃત્યુઆંક વધી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

10 જેટલી વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બચાવી લીધા.
10 જેટલી વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બચાવી લીધા.

​​​કંપનીમાં ફસાયેલા તમામને બહાર કઢાયા
ફાયર બ્રિગેડે આ ઘટનામાં કંપનીમાં ફસાયેલા 10 જેટલી વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા અને સહી-સલામત બહાર કાઢ્યા હતા.

બ્લાસ્ટ બાદ આગ લાગી હતી
ફાયર ઓફિસર બસંતે જણાવ્યું હતું કે સચિન જીઆઇડીસી અનુપમ કેમિકલ નામની કંપનીમાં આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને કૂલિંગની કામગીરી ચાલી રહી છે.

કાબૂ મેળવી લીધા બાદ મિલમાં તપાસ
ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધા બાદ કૂલિંગની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ દ્વારા કંપનીમાં તપાસ શરૂ કરી હતી.

મૃતકોનાં નામ

  • અંકુર સુરેશ ભાઈ પટેલ- 33 વર્ષ
  • પ્રભાત ધર્મેન્દ્ર ઝા- 23 વર્ષ
  • રાકેશ ચૌધરી- 37 વર્ષ
  • સંજય ગોવિંદ સિયોરા- 28 વર્ષ

તાપમાન વધી જતાં ધુમાડો નીકળ્યો ને બ્લાસ્ટ થયો
હું મટીરીયલ્સ ટ્રાન્સફર કરાવતો હતો ત્યારે ધુમાડો નીકળતો જોઈ આસપાસની વસ્તુઓ સાઇડ પર મુકાવતો હતો. ટેમ્પરેચર વધી ધુમાડો નીકળતા કંપનીનો ફાયર વિભાગ દોડી આવ્યો હતો. ત્યારબાદ મોટો બ્લાસ્ટ થયો. મને માથા-હાથમાં ઈજા થઈ હતી. હાલમાં હું ખાનગી હોસ્પિટલમાં દાખલ છું. > જય દેસાઈ, ઘાયલ કર્મચારી

મૃતકો-ઘાયલોના પરિવારને સહયોગ આપવા કટિબદ્ધ
એક વિશેષ ટીમ કારણ તપાસી રહી છે. કામદારો અને કર્મચારીઓ અમારી પ્રાથમિકતા છે. તેમના પરિવારને સહયોગ કરવા કટીબદ્ધ છીએ. કંપની વહીવટીતંત્રને સહયોગ આપી રહી છે. આવી ઘટના રોકવા જરૂરી પગલાં ભરાશે. > સતીષ પટેલ, સંચાલક

‘જલદી આવો, વેસલનું પ્રેશર વધી ગયું છે’, કાકા કંપનીમાં પંચિંગ કરે ત્યારે જ ભયાનક બ્લાસ્ટ થયો
ખામી હોવાનો કોલ આવતા કંપનીમાં ગયા ને મોત મળ્યું

પાંડેસરા રહેતા અંકુર પટેલ (34) પ્રોડક્શન ઈન્ચાર્જ હતા. શનિવારે રાત્રે કંપનીમાંથી 20થી 25 કોલ આવ્યા અને પ્લાન્ટમાં ખામી હોવાનું જણાવી તેમને બોલાવ્યા હતા. જેથી તેઓ કંપનીમાં ગયા હતા. જોકે બ્લાસ્ટ થતા તેમનું મૃત્યુ થયું હતું. આણંદના વતની અંકુરભાઈને એક ભાઈ છે. પિતા હયાત નથી.

મોટા ભાઈને ફોન પર કહ્યું થોડીવારમાં જ નીકળું છું
અમરેલી સાવરકુંડલાના ભેંકડા ગામના વતની અને અંત્રોલી ઓમકાર રેસીડેન્સીમાં રહેતા સંજય શ્યોરા (28)કંપનીમાં કેમિસ્ટ હતા. શનિવારે સેકન્ડ શિફ્ટમાં હતા ત્યારે મોટાભાઈએ રાત્રે કોલ કર્યો હતો. ત્યારે તેમણે થોડીવારમાં જ નીકળું છું એવું કહ્યું હતું. જોકે તેઓ ઘરે પરત પહોંચી શક્યા ન હતા.

ચારેકનું રેસ્ક્યૂ કર્યું, પણ ભત્રિજાને બચાવી ન શક્યો
સચિન રહેતા પ્રભાત ઝા (23) ફાયરમેન હતા. તેમના કાકા શૈલેન્દ્રભાઈએ કહ્યું કે, હું નાઈટ શિફ્ટમાં જતો હતો. રસ્તામાં જ પ્રભાતનો કોલ આવ્યો કે, કાકા જલદી આવો. વેસલનું પ્રેશર વધી ગયું છે. હું કંપનીમાં પંચિંગ કરતો હતો ત્યાં જ બ્લાસ્ટ થયો. મેં ચારેકને રેસક્યુ કર્યા પણ ભત્રીજાને બચાવી ન શક્યો.

રાત્રે કહ્યું અંદર કોઈ નથી, સવારે મૃતદેહ મળ્યો
વડોદ સાઈમોહન રો-હાઉસમાં રહેતા રાકેશ ચૌધરી (39)સુપરવાઈઝર હતા. તેમના સાળા સૌરવ કંપનીમાં દોડી ગયા હતા. જોકે તેમને અંદર જવા ન દેવાયા, જેથી તેમણે ઝઘડો પણ કર્યો હતો. અધિકારીઓએ કહ્યું કે, અંદર શોધખોળ ચાલી રહી છે. અંદર કોઈ નથી અને સવારે મૃતદેહ મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...