સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઓફીસની અંદર જુગાર રમાડતા અને જુગાર રમી રહેલા મળી કુલ ૪ લોકોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ત્યાંથી 1.80 લાખની રોકડ, 4મોબાઈલ અને ત્રણ ફોરવ્હીલ મળી કુલ 14.34 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસે ઓફિસમાં ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું
સચિન જીઆઈડીસી પોલીસને બાતમી મળી હતી કે સચિન જીઆઈડીસી આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત પ્લોટ નંબર 59માં આવેલા ભંગારના ગોડાઉનની ઉપર ઓફિસમાં ઓમપ્રકાશ ગુપ્તા નામનો ઇસમ બહારથી લોકોને જુગાર રમવા માટે બોલાવે છે અને તેઓને જુગાર રમવાની સવલતો પૂરી પાડી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે અહી દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી જુગાર રમાડી રહેલા ઓમપ્રકાશ નેહરુલાલ ગુપ્તા તેમજ જુગાર રમી રહેલા રફીક બદરૂદિન ખેરણી, કૈલાશ દેવીદાસ પાટીલ અને અનચલકુમાર રાજકુમાર ગુપ્તાને ઝડપી પાડ્યા હતા.
પોલીસે રૂ. 14 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસે ઘટના સ્થળેથી અંગઝડતી તેમજ દાવપરના રોકડા રૂપિયા મળી કુલ 1.80 લાખની રોકડ, 1.04 લાખની કિંમતના 4મોબાઈલ ફોન, 3 ફોરવ્હીલ તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ 14.34 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા તમામ જુગારીઓ સામે સચિન જીઆઈડીસી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.