• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Patidar Daughter Run Away And Love Marriage, Divya Bhaskar Knowingly Suffers The Pain Of Suffocating Daughters, The Pain Of Suffering Parents

કેમ ઘરેથી ભાગે છે પાટીદાર દીકરીઓ?:દિવ્ય ભાસ્કરે જાણી ગૂંગળાતી દીકરીઓની વ્યથા, પીડાતા મા-બાપનું દર્દ, સમાજના વડીલોએ વ્યક્ત કરેલી ચિંતા!

સુરત4 મહિનો પહેલાલેખક: પંકજ રામાણી

સુરતમાં યુવાન દીકરીઓ, ખાસકરીને પાટીદાર સમાજની યુવતીઓ અને સગીરાઓનું ઘરેથી ભાગીને લગ્ન કરવાનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે. હમણાં જ સુરતના સરથાણા વિસ્તારના જ એક કાર્યક્રમમાં સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, વર્ષ 2021માં 390 દીકરી અને 23 સગીરાએ ઘરેથી ભાગીને લગ્ન કર્યાની ફરિયાદ નોધાઈ છે. આમાં મોટાભાગની દીકરીઓ પાટીદાર સમાજની છે ત્યારે આ અંગે દિવ્યભાસ્કરે મૂળ વાસ્તવિકતા જાણી છે. આ માટે ઘરેથી ભાગીને લગ્ન કરવાની દીકરીઓની વૃત્તિના કારણો, માતા-પિતાની માનસિકતા અને સમાજના મોભીઓની ચિંતા અહીં પ્રસ્તુત કરવામાં આવી છે.

દેખાદેખી-કાચી વયે સોશિયલ મીડિયામાં એક્સપોઝર
અત્યારે ફેસબુક-યુટ્યુબ-ટ્વીટર-ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે સમાંતર જીંદગીનું સર્જન કર્યું છે. સ્વાભાવિક છે કે નાનીવયે સ્માર્ટફોન થકી આવા પ્લેટફોર્મ સુધી પહોંચ પ્રાપ્ત થઈ રહી છે. આ કારણે છોકરીઓ નાની ઉંમરે જ ફેસબુક-ઈન્સ્ટા પર એક્ટિવ થઈ જાય છે અને પછી શરુ થાય છે દેખાદેખી. દિવ્ય ભાસ્કર સમક્ષ કેટલાય મા-બાપે નાની ઉંમરે દીકરીની સ્માર્ટફોનની જીદને સંતોષવી મોટી ભૂલ હોવાનું સ્વીકાર્યું છે. કાચી વયે સોશિયલ મીડિયાનું એક્સપોઝર મળે એટલે દીકરીઓના મનમાં ખોટા વિચારો આવવા માંડે છે જે અંતે તેને ગમેતે પાત્ર સાથે પરણવા ઘરેથી ભાગી જવા પ્રેરે છે.

મા-બાપ સંતાનોને પોતાની પ્રોપર્ટી ના સમજેઃ દીકરીઓ
બીજી તરફ દીકરીઓએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, પુખ્ત વય થયા બાદ દરેક પોતાની મરજી પ્રમાણે લગ્ન કરવા સક્ષમ છે. કાયદેસર રીતે પોતાની મરજી પ્રમાણે લગ્ન કરવા એ કંઈ ખોટું નથી. મા-બાપ પોતાની સંતાનોને મોટા કરે છે તે સાચું પણ સંતાનો એ કાંઈ તેમની પ્રોપર્ટી નથી. પોતે જે મજબૂરીઓ સાથે જીવ્યા તે મજબૂરીઓ સાથે સંતાનો પણ જીવે તેવું શા માટે મા-બાપ ઈચ્છે છે? આવો પણ પ્રશ્ન કેટલીક યુવતીઓએ કર્યો હતો. જો કે, અમુકે આવા ઉતાવળિયા નિર્ણય લીધા બાદ જીવનમાં કોઈ યુ-ટર્ન ન હોવા બાબતે અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.

દીકરીઓ ભાગી જાય તે દરેક સમાજનો મોટો પ્રશ્ન
છોકરીઓ ભાગીને લગ્ન કરે છે તે અત્યારે પાટીદાર જ નહીં પરંતુ દરેક સમાજની મોટી સમસ્યા હોવાનું અગ્રણીઓએ સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સંતાનો પોતાની વાત પરિવારના સભ્યોને ખુલ્લીને કહી શકે તેવું વાતાવરણ ઉભું કરવાની જરૂર છે. માત્ર દીકરીઓ અને તેના પરિવારને દોષી ન ઠેરવી પરંતુ સ્વીકારની ભાવના ઉભી કરવાની તાતી જરૂરીયાત છે. જે સંતાનને નાનપણથી ઉછેરીને મોટી કરી તે અચાનક ઘર છોડી દે તો પરિવાર માથે આભ તૂટી પડે છે. ગમતા છોકરા સાથે આવી દીકરીઓ ભાગીને લગ્ન કરી લે ત્યારે પરિવાર પર અસહ્ય દુઃખ આવી પડતું હોય છે.