ગેરકાયદે કૃત્ય:સુરતના ઉગત કેનાલ રોડ પરના હાઉસિંગ બોર્ડના પ્રોજેક્ટમાં નિયમો તૂટ્યાં, સાત વર્ષ અગાઉ જ 60 ટકા ફ્લેટ ભાડે અપાયા

સુરત7 મહિનો પહેલા
ફ્લેટ બન્યાના 3 વર્ષમાં જ ગેરકાયદે ભાડે મકાન આપી દેવાયા છે.
  • કાર્યવાહી કરવાની જગ્યાએ તંત્ર દ્વારા માત્ર નોટિસો અપાઈ રહી છે-સ્થાનિકો

સુરતમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ઉગત કેનાલ રોડ પાસે આવેલા વીર સાવરકર હાઈટ્સમાં ગેરકાયદેસર રીતે મકાન ભાડેથી આપવામાં આવી રહ્યા છે. તો કેટલાક મકાનોને વેચી દેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ અને આ બાબતે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરાઈ હોવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર પગલા લેવાયા નથી. નિયમ મુજબ સાત વર્ષ સુધી આ મકાનને ભાડેથી પણ આપી શકાતું નથી અને વેચી પણ શકાતું નથી. છતાં માત્ર ત્રણ વર્ષ જ થયા છે. તે પહેલા જ કેટલાક મકાનો વેચાઈ ગયા છે. તો દરેક બિલ્ડિંગની અંદર 60 ટકા જેટલા લોકો ગેરકાયદેસર રીતે ભાડેથી રહ્યા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ બાબતને ગંભીરતાથી નથી લેવાથી.

ઝઘડાઓનું પ્રમાણ વધ્યું
વીર સાવરકર હાઈટ્સમાં આવેલી મેશ્વો બિલ્ડીંગ તેમજ અન્ય 26 જેટલી બિલ્ડિંગોમાં 1904 ફ્લેટ આવેલા છે. ભાડેથી રહેવા આવેલા ઘણા એવા લોકો છે કે, જેમની સાથે વારંવાર ઝઘડા પણ થઈ રહ્યા છે. તાજેતરમાં જ એક બિલ્ડિંગની અંદર ભાડે રહેતા વ્યક્તિ સાથે અન્ય ફ્લેટના માલિકનો ઝઘડો થતાં તેને ચપ્પુ બતાવીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. આવી રીતે પણ અલગ અલગ તહેવારોમાં પણ ઝઘડાઓ સતત થતાં રહે છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આજે નક્કર કામગીરી કરાવી જોઈએ તે થઇ રહી નથી તેમ સ્થાનિકો કહી રહ્યાં છે.

ભાડે લેનાર અને ફ્લેટ હોલ્ડર વચ્ચે ઝઘડાના બનાવો પણ વધી રહ્યાં છે.
ભાડે લેનાર અને ફ્લેટ હોલ્ડર વચ્ચે ઝઘડાના બનાવો પણ વધી રહ્યાં છે.

તંત્રનું ઉદાસીન વલણ
મેશ્વો હાઈટ્સમાં રહેતા કિરીટ પટેલે જણાવ્યું કે, અહીં કાયદેસર રીતે જેમને ફ્લેટ ફાળવવામાં આવેલા છે. એ લોકો રહેવાને બદલે અન્ય લોકોને ભાડેથી આપી દે છે. ઘણા એવા મકાનો છે કે,જેમણે ફ્લેટ વેચી પણ દીધા છે. જ્યારે આ ફ્લેટનું લોકાર્પણ થતું હતું ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ટકોર કરવામાં આવી રહી હતી કે, આ જે ફ્લેટ છે. તે ભાડે પણ નથી આપવાના અને વેચવાના પણ નથી. સરકારે તેમને રહેવા માટે આપ્યા છે. એટલે આ પ્રકારનું કૃત્ય કોઈએ કરવું નહીં. છતાં પણ બેફામ રીતે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓના ઉદાસીન વલણને કારણે સ્થિતિ વધુ ને વધુ ખરાબ થઈ રહી છે.

સ્થાનિકોએ નિયમભંગ અંગે તંત્રને પણ જાણ કરી છે.
સ્થાનિકોએ નિયમભંગ અંગે તંત્રને પણ જાણ કરી છે.

નોટિસ આપી છે-તંત્ર
સમગ્ર મામેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના જાગીર વ્યવસ્થાપન અધિકારી વિજય ગજ્જરે જણાવ્યું કે, અમારા ધ્યાન પર આ વાત આવી છે અને અમે નોટિસ આપી છે. ફરીથી અમે તમામ મકાનો ઓળખ કરીને નોટિસ આપવાની પ્રક્રિયા કરવાના છે.

તંત્ર દ્વારા નોટિસ આપીને સર્વેની કામગીરીનું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે.
તંત્ર દ્વારા નોટિસ આપીને સર્વેની કામગીરીનું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે.

સ્થાનિકો પરેશાન
પ્રધાનમંત્રી આવાસ હોય કે મુખ્યમંત્રી આવાસ હોય ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. કોર્પોરેશનના અધિકારીઓને પણ આ પ્રકારની જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે તેમના દ્વારા પણ આ એક જ જવાબ આપી દેવામાં આવે છે કે નોટિસ આપવામાં આવી છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ અત્યાર સુધીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી રહી નથી. તેના કારણે જે લોકો ભાડેથી રહ્યા છે, તેમના અને જે ફ્લેટના માલિકો છે તેમના વચ્ચે સતત ઘર્ષણ થતા રહે છે. ભાડેથી રહેવા આવનાર લોકો જે ફ્લેટ માલિકો છે તેમને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેને ધમકાવી રહ્યા છે પરંતુ આ માત્ર વીર સાવરકર હાઇટ્સ પૂરતી જ મુશ્કેલી નથી પરંતુ સુરત શહેરના મોટાભાગના સરકારી આવાસમાં આ પ્રકારની સ્થિતિ હોવાનું સ્થાનિકો કહી રહ્યાં છે.