સુરત આરટીઓમાં ટાઉટોના હસ્તક્ષેપનું દુષણ વર્ષોથી યથાવત છે ત્યારે 2 ટાઉટ વચ્ચે થયેલી ચપ્પુબાજી બાદ સોમવારે અચાનક અમદાવાદ આરટીઓ અને એઆરટીઓ સહિતના અધિકારીઓ સિવિલ ડ્રેસમાં સુરત આરટીઓ આવી પહોંચ્યા હતા. બહાર ફરતા શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી હતી અને 2 વ્યક્તિ અંગે સીઓટીમાં રિપોર્ટ કર્યો હતો.
અમદાવાદ આરટીઓ દેસાઈ સહિતના અધિકારીઓએ પહેલા આરટીઓ બહાર ફોર વ્હીલ લઈ કામકાજ કરતા કેટલાક ટાઉટોને પૂછ્યું હતું કે, લાઇસન્સ બનાવશો? તો તેમણે કહ્યું હતું કે, ફોર વ્હીલ કે ટુ વ્હીલનું જોઈએ છે? બાદમાં તેઓ કચેરીમાં ગયા હતા અને ગતિવિધિની તપાસ કરી હતી જ્યાં 2 વ્યક્તિ શંકાસ્પદ જણાતા બંનેને ચેમ્બરમાં લઈ જઈ આઈડેન્ટિટી માંગી હતી. બંને પોતાની આઈડેન્ટિટી આપતા રિપોર્ટ તૈયાર કરાયો હતો.
અધિકારીઓએ ચિંતન અને હરેશ નામના 2 વ્યક્તિઓની પુછપરછ કરી હતી અને એ જાણવા પ્રયાસ કર્યો હતો કે બંને અનધિકૃત એજન્ટ તો નથી ને? જોકે હરેશે ડીલર વતી કામ કરતો હોવાનું કહી ઓળખપત્ર બતાવ્યું હતું અને ચિંતને પોતે ફાઇનાન્સરનો માણસ હોવાનું કહ્યું હતું. અમદાવાદથી આવેલા અધિકારીઓએ બંને પાસેના કાગળો આરટીઓ હાર્દિક પટેલને આપી તપાસણી કરવા કહ્યું હતું. આખા મામલે અમદાવાદના આરટીઓએ સીઓટીમાં રિપોર્ટ કર્યો હોવાનું જાણવા મળે છે.
અમદાવાદ RTOએ સુરતમાં શા માટે ચેકિંગ કરવું પડ્યું?
27 જુલાઈએ બપોરે આરટીઓના ગેટ નંબર 1 પર બનેલી ઘટનામાં અડાજણ પોલીસે ગુનો નોંધ્યો હતો, જેની સીઓટીએ નોંધ લીદી હતી. જેમાં મહંમ્મદ નિઝામ સાબીર શેખે તેના સાળા યુસુફ અલ્તાફ શેખ સહિત 4 લોકો સામે ફરિયાદ આપી જણાવ્યું હતું કે તેની પાસે કસ્ટમરના દસ્તાવેજો હતા અને યુસુફને લાઇસન્સ બનાવવા માટે આપ્યા હતા. 7થી 8 લોકોના પૈસા યુસુફને અપાયા હતા. ગ્રાહકોનું કામ ન થતાં વિવાદ થયો હતો અને આરોપી ટાઉટે ફરિયાદી ટાઉટ પર છરાથી હુમલો કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.