પલસાણાના બલેશ્વર ગામે ને. હા.48 પર રેન્જ આઈ.જી.ની ટિમ તેમજ પલસાણા પોલીસની સંયુક્ત બાતમી આધારે એક બંધ બોડીના ટેમ્પોમાંથી 534 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે આ ગુનામાં ટેમ્પો ડ્રાઇવરની અટકાયત કરી 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી 22.24 લાખનો મુદામાલ કબ્જે લીધો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર હાલ સુરત જિલ્લાના પ્રોહિબિશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પલસાણા પોલીસ મથક વિસ્તારમાં રેન્જ આઈ.જી.ના માણસો પેટ્રોલીંગ પર હતા જે દરમિયાન પલસાણા પી.એસ.આઇ.ચેતન ગઢવી તેમજ આ. પો. કો. દશરથભાઈ બાપાભાઈને સંયુક્ત રાહે બાતમી મળી હતી.
બલેશ્વર ગામના પાટીયે ને.હા 48 પર મુંબઈથી અમદાવાદ તરફના ટ્રેક પર એક શંકાસ્પદ ટાટા ટેમ્પો DD 01 H 9220 અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની તેમજ બિયરની 534 પેટીમાં 22116 નંગ બોટલો મળી આવી હતી.
પોલીસે ટેમ્પો ડ્રાઇવર બળવંત કૃષ્ણરામ બિશનોઇ (ઉ.વ.26 રહે. લૂમભીનિયોકા વાસ બારૂડી ગુધામાલ જી.બાડમેર રાજસ્થાન)ની અટકાયત કરી 17,19,600 કિંમતનો દારૂ તેમજ 5 લાખની કિંમતનો ટેમ્પો તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી 22,24,600નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ગોવાથી દારૂ ભરાવનાર સુનિલ બીશ્નોઇને વોન્ટેડ જાહેર કરી દારૂ મગાવનાર અજાણ્યા ઇસમને પણ વોન્ટેડ જાહેર કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.