17 વેપારીઓ સાથે ઠગાઈ:સુરતમાં પિતા-પુત્ર દ્વારા ટેક્ષટાઇલ માર્કેટના કાપડના વેપારીઓ સાથે 38.10 લાખની છેતરપિંડી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સલાબતપુરા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સલાબતપુરા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • કાપડ દલાલીનું કામ કરતા પિતા-પુત્રએ વેપારીઓ પાસેથી લાખ્ખો રૂપિયાની સાડીઓનો માલ લઇ હાથ ઊંચા કર્યા

સુરત રિંગરોડ ટેક્ષટાઇલ માર્કેટના કાપડના 17 વેપારીઓને ઠગબાજ મલાની પિતા-પુત્ર ભેટી ગયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. સાગર શોપીંગ સેન્ટરમાં મલાની ટ્રેડીંગ કંપનીના નામે કાપડ દલાલીનું કામ કરતા પિતા-પુત્રએ વેપારીઓ પાસેથી લાખ્ખો રૂપિયાની સાડીઓનો માલ લઇ હાથ ઊંચા કરી દેતા વેપારીઓએ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે. રૂપિયા 38.10 લાખની છેતરપિંડી કેસમાં ઉઘરાણી કરતા વેપારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

17 વેપારીઓ સાથે છેતરપિંડી આચરી
મહેશચંદ્ર પુત્તલાલ જૈન ઉ.વ.59 (રહે વેસુ નંદની-1ની પાસે સંગાર રેસીડેન્સી) એ જણાવ્યું હતું કે તેઓ રિંગરોડ રઘુકુલ ટેક્ષટાઈલ માર્કેટમાં અપર ફ્લોરમાં આદિનાથ સારીઝના નામથી વેપાર કરે છે. એપ્રિલ 2014માં રિંગરોડ સાગર શોપીંગ સેન્ટરમાં મલાની ટ્રેડીંગ કંપનીના નામથી કાપડ દલાલી આડતનું અને કાપડનો ધંધો કરતા સુશીલ મલાની અને ગોવિંદ સુશીલ મલાની (રહે, મેઘા ટાવર-1 ભટાર) એ રૂપિયા 3,90,892નો જ્યારે અન્ય 16 વેપારીઓ પાસેથી મળી રૂપિયા 34,20,105 મળી કુલ રૂપિયા 38,10,997નો માલ ઉધા૨ ખરીદ્યો હતો.

વેપારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી
વધુમાં જણાવ્યું હતું કે, નક્કી કરેલા સમસ મર્યાદામાં મલાની પિતા-પુત્રએ પેમેન્ટ નહીં ચુકવતા ઉઘરાણી શરૂ કરાઇ હતી. જેને લઈ પિતા પુત્રએ પેમેન્ટ ચુકવી આપવાના ખોટા વાયદાઓ કરી સમય પસાર કર્યા બાદ પેમેન્ટ નહીં આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઠગબાજ પિતા-પુત્રએ પાર્ટીઓને વેચેલા માલની ઉઘરાણી કરી રોકડી પણ કરી લીધી હતી. પરંતુ વેપારીઓને તેમના માલનું પેમેન્ટ નહીં ચુકવી છેતરપિંડી કરી રહ્યા હોવાનું બહાર આવતા સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી ન્યાયની પુકાર લગાડવા મજબૂર બન્યા છે.

કુંદન હાઉસના વેપારી સાથે 16 લાખની ચીટિંગ
અડાજણની શાલીમાર સોસાયટી ખાતે અબરાર ટાવરમાં રહેતા જુનેદ મુહમ્મદ કુંદન સલાબતપુરામાં કુંદન હાઉસમાં કાપડનો વેપાર કરે છે. તેઓ 2019થી કાપડ દલાલ નરેન્દ્ર મુરલીધર મુન્દ્રાને ઓળખે છે. નરેન્દ્ર મુન્દ્રાએ વેપારી નરેન્દ્ર રામગોપાલ શર્માને જુનેદની દુકાન પર લાવ્યો હતો. દલાલ નરેન્દ્ર મુન્દ્રાએ વેપારી નરેન્દ્ર શર્માને માલ અપાવવા કહ્યું હતું.

25થી 30 દિવસમાં વેપારી નરેન્દ્ર શર્મા પેમેન્ટ આપશે એવો વિશ્વાસ અપાવ્યો હતો. તેથી વેપારી જુનેદ કુંદને નરેન્દ્ર શર્માને 16.26 લાખ રૂપિયાનું કાપડ આપ્યું હતું. પરંતુ વેપારી નરેન્દ્રે રૂપિયા ચૂકવ્યા નહતા. તેથી જુનેદે આરોપી નરેન્દ્ર શર્મા અને દલાલ નરેન્દ્ર મુન્દ્રા વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.