હીરાની રફના ભાવમાં વધારો થયો છે જ્યારે બીજી તરફ તૈયાર હીરાના ભાવમાં 1થી 6 ટકા સુધીનો ઘટાડો થયો છે. જેથી વેપારીઓની મુશ્કેલી વધી છે. કાચા અને તૈયાર માલના ભાવમાં અસમતુલા હોવાને કારણે કારખાનાં અડધો દિવસ જ શરૂ રાખવામાં આવી રહ્યા છે.
ઈન્ટરનેશનલ માર્કેટમાં મંદી હોવાથી સુરતના હીરા ઉદ્યોગ પર સીધી અસર થઈ રહી છે. બીજી તરફ રશિયા-યુક્રેનના યુદ્ધને કારણે રફની શોર્ટ સપ્લાય રહેતા રફના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો. દિવાળીમાં કારખાનાઓમાં 21 દિવસનું વેકેશન હોય છે. હવે વેકેશન બાદ કારખાના શરૂ થઈ ગયા છે. પરંતુ રફના ભાવ આસમાને હોવાથી મોટા વેપારીઓ રફ ખરીદવાનું ટાળી રહ્યા છે.
બીજી તરફ ગત શુક્રવારથી તૈયાર હીરાના ભાવમાં 1થી 6 ટકા ઘટાડો થયો છે. રફના ઉંચા ભાવ અને તૈયાર હીરાના ભાવ પુરતા ન મળતા વેપારીઓ પ્રોડક્શન કાપ મુકી રહ્યા છે. જેમની સ્ટોક હોલ્ડિંગ કેપેસિટી છે તેવા ઉદ્યોગપતિએ પણ કાપ મૂક્યો છે. રફ અને તૈયાર હીરાના ભાવમાં અસમતુલા હોવાને કારણે હીરા વેપારીઓને નુકસાન થવાનો ભય હોવાથી હાલ હીરાના કારખાના હાફ ડે જ શરૂ રાખવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.