ઉદ્યોગકારો મુંઝાયા:રફ હીરાના ભાવ 30% વધતાં ઉદ્યોગકારોએ ખરીદી ઘટાડી, ડી-બીયર્સે 5 ટકા, અલરોઝાએ 7 ટકા વધારી દીધા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બે માસમાં રફમાં જ 25 ટકા સુધી વધારો ઝીંકાતા મોટા ઉદ્યોગકારો મુંઝાયા

ઈન્ટરનેશનલ માર્કેટમાં કટ પોલિશ્ડ ડાયમંડની ખૂબ જ મોટી માંગ છે ત્યારે રફ કંપનીઓ દ્વારા રફના ભાવમાં 30 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. સતત વધતા રફના ભાવને કારણે સુરતના હીરા ઉદ્યૌગકારો દ્વારા રફની ખરીદીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

હીરા ઉદ્યૌગ સાથે સંકળાયેલા સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ‘કોરોનાની બીજી લહેર બાદ ઈન્ટરનેશનલ માર્કેટમાં કટ પોલિશ્ડ ડાયમંડની સારી એવી ડિમાન્ડ નિકળી હતી. હીરાની એટલી મોટ ડિમાન્ડ નિકળી હતી કે, શહેરના મોટા હીરા ઉદ્યૌગકારો હીરાના કારખાના રવિવારે પણ શરૂ રાખતા હતાં. પરંતુ હાલમાં 25 ટકા ઊંચા ભાવે ખરીદ્યા બાદ તે હીરા કટ એન્ડ પોલિશ્ડ થઈને બજારમાં આવે ત્યારે હીરા ઉદ્યૌગકારોને નફો ઓછો થઈ રહ્યો હોવાની વાત પણ વહેતી થઈ છે. જેને લઈને શહેરના અમુક મોટા હીરા ઉદ્યૌગકારો દ્વારા રફની ખરીદી ઘટાડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલિશ્ડની વધતી માંગને પહોંચી વળવા ભારતીય હીરા ઉત્પાદકોએ રફની ખરીદી વધારી દીધી હતી, જેના પગલે મુખ્ય ખાણ કંપની ડી બિયર્સ દ્વારા જાન્યુઆરીથી જુલાઈ 2021 સુધીના સાત મહિનામાં 3.04 અબજ ડોલરના રફનું વેચાણ કરાયું હતું. ગયા વર્ષે આ સમયગાળામાં 1.09 બિલીયન ડોલરની જ રફ વેચાઈ હતી.

રફના પુરવઠા કરતા વધુ માંગના પગલે જુલાઈના અંતિમ સપ્તાહમાં ડી બિયર્સ દ્વારા 4થી 5 ટકાનો ભાવ વધારો કરાયો હતો, જેના પગલે અલરોઝાએ પણ 7 ટકા ભાવ વધારો કર્યો હતો. આ સાથે જ છેલ્લાં બે મહિનામાં રફ હીરાની વિવિધ કેટેગરીમાં 20થી 25 ટકાનો સરેરાશ ભાવવધારો થયો હતો. પતલા હીરાની કેટલીક જાતોમાં 30 ટકા સુધી પણ કિંમતો વધી હોવાનું નોંધાયું હતું. જેને કારણે હીરા ઉદ્યૌકારોના નફા પર અસર થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...