કોરોના સુરત LIVE:8 મહિના બાદ પહેલીવાર કેસ 2 હજારને પાર, નવા કેસ 2124, એકનું મોત, 65 વિદ્યાર્થી સંક્રમિત અને બે સોસાયટીઓ ક્લસ્ટર જાહેર

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંક્રમણને ફેલાતું અટકાવવા પાલિકા દ્વારા ટેસ્ટિંગ વધારે કરવામાં આવી રહ્યું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
સંક્રમણને ફેલાતું અટકાવવા પાલિકા દ્વારા ટેસ્ટિંગ વધારે કરવામાં આવી રહ્યું છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 10587 થઈ ગઈ
  • પાલિકામાં બાયોમેટ્રીક એટેન્ડન્સ સિસ્ટમથી હાજરી ફેબ્રુઆરી સુધી મુલતવી

સુરતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. આજે સિટીમાં 1988 અને જિલ્લામાં 136 કેસ નોધાયા છે. આ સાથે જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. કેસોની સંખ્યા વધતા પાલિકાએ 6 વિસ્તારોને રેડ ઝોન અને 14 વિસ્તારોને હાઇ રીસ્ક ઝોનમાં મૂકી દીધા છે. આજે પોઝિટિવ આવેલા દર્દીઓમાં બે સોસાયટીમાં 5થી વધુ કેસ આવતા ક્લસ્ટર જાહેર કરવામાં આવી છે. આ સાથે 65 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે. અત્યાર સુધીમાં સુરતમાં 156580 કેસ નોંધાઈ ચૂક્યા છે. મોતનો આંક 2121 પર પહોંચી ગયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 1 મેના રોજ 2000થી વધુ કેસ નોંધાયા હતા. ત્યારબાદથી અત્યાર સુધીમાં 2000થી વધુ કેસ નોંધાયા ન હતા.

બે સોસાયટીઓ ક્લસ્ટર જાહેર કરવામાં આવી
આજ રોજ પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 5 વ્યક્તિઓ અઠવા ઝોનના વેસુ વિસ્તારના શ્યામ પેલેસ સોસાયટીમાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે. જ્યારે 9 વ્યક્તિઓ લિંબાયત ઝોનના નવાગામ ડીંડોલી વિસ્તારના પટેલ નગરના એક જ વિસ્તારમાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે

એક જ સ્કૂલમાંથી 4 શિક્ષક સહિત 7 મળી કુલ 65 વિદ્યાર્થી સંક્રમિત
આજ રોજ કુલ 65 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવેલ જે પૈકી નાલંદા શાળા (વિદ્યાર્થી-૦3, શિક્ષક-૦4) માં પોઝિટિવ જણાતા શાળા બંધ કરાવવામાં આવી છે. આ સિવાય ઝડફિયા શાળા, રાયન શાળા, વી એન એસ જી યુ, લાન્સર આર્મી શાળા, પી ટી સાયન્સ કોલેજ, એસ વી એન આઈ ટી, ડી આર બી કોલેજ, એસ ડી જૈન, સરસ્વતિ વિદ્યાલય, સંસ્કાર ભરતી, કનકપુર શાળા, હિલ્સ હાઈ સ્કૂલ, વિવેકાનંદ કોલેજ, રિલાયન્સ શાળા, સ્વામી નારાયણ શાળા, પી આર ખાટીવાલા શાળા,મહેશ્વરી શાળા, એસ.ડી.જૈન શાળા,ડી પી એસ શાળા, રાયન ઈન્ટનેશન, રેડીયન્ટ શાળા, જે એચ અંબાણી, વશિષ્ઠ વિદ્યાલય તથા અન્ય શાળાઓ તથા કોલેજમાં આવેલ છે. આ શાળાઓ તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરાવવામાં આવ્યા છે. આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ 846 જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવેલ છે.

સૌથી વધુ 609 કેસ અઠવા ઝોનમાં નોંધાયા
અઠવા ઝોનમાં કોરોનાના સૌથી વધુ 609 કેસ સામે આવ્યા છે. જ્યારે રાંદેર ઝોનમાં 594 કેસ સામે આવ્યા હતા. સેન્ટ્રલ ઝોનમાં 122, વરાછા એ ઝોનમાં 120, વરાછા બી ઝોનમાં 77, કતારગામમાં 120, લીંબાયતમાં 243 જ્યારે ઉધના ઝોનમાં 103 કેસ સામે આવ્યા હતા. પોઝિટિવ કેસોમાંથી ત્રણ વ્યક્તિઓ યુએસએ પ્રવાસ કરી પરત આવ્યા છે.

બાયોમેટ્રીક એટેન્ડન્સ સિસ્ટમથી હાજરી ફેબ્રુઆરી સુધી મુલતવી
હાલની કોરોના વાઈરસની પરિસ્થિતિ ધ્યાને લઈ, સાવચેતીના પગલારૂપે સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ અધિકારી કર્મચારીઓએ બાયોમેટ્રીક એટેન્ડન્સ સીસ્ટમથી પુરવામાં આવતી હાજરી 28 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવે છે. પરંતુ તમામ કર્મચારીઓ નિયમિત ફરજ ઉપર હાજર રહી ફરજ બજાવે તે જે તે ખાતાધિકારીએ સુનિધિ કરવાનું રહેશે. વધુમાં આઈ.એસ. વિભાગે ઉક્ત હકીકત ધ્યાને લઈ, બાયોમેટ્રીક એટેન્ડન્સ સીસ્ટમમાં જરૂરી લોજિક સેટ કરવાના રહેશે. બાયોમેટ્રિક સિસ્ટમને કારણે એક કર્મચારી જો કોરોના સંક્રમિત હોય તો અન્ય વ્યક્તિઓ પણ સંક્રમિત થઈ શકે તેવી શક્યતા રહેલી છે. જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. કર્મચારીઓને સંક્રમણથી દૂર રાખવા માટે મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણના પહેલા અને બીજા તબક્કામાં પણ આ પ્રકારના નિર્ણય લેવાયા હતા.