દિલધડક લૂંટ:બારડોલીની બેંકમાં તમંચાની અણીએ 3 મિનિટમાં લૂંટ કરનારા 3 લૂંટારુ 3 દિવસે પણ પકડથી દૂર, લૂંટારુની ઓળખ સરળ છતાં પોલીસ તપાસ ઝીરો

બારડોલી3 મહિનો પહેલા
બાઈકને ધક્કો મારીને ભાગતા લૂંટારુ સીસીટીવીમાં કેદ થયા હતા.
  • 10.42 લાખની લૂંટમાં 70થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા પણ પોલીસના હાથ કોઈ કડી ન મળી
  • રેન્જ આઈજીએ સીસીટીવી જાહેર કરી લોકોને લૂંટારુઓ અંગે જાણકારી આપવા અપીલ કરી

સુરત જિલ્લાના બારડોલીના મોતા ગામની સુરત ડિસ્ટ્રીક્ટ કો. બેંકમાં ગત મંગળવારે બેંક મેનેજરના લમણે તમંચો મૂકી 10.42 લાખની લૂંટ પ્રકરણમાં પોલીસને 3 દિવસની તપાસમાં લૂંટારુઓ બાબતે કોઈ કડી મળી નથી. પોલીસની ટીમે નિવેદનો નોંધવા તેમજ અલગ અલગ વિસ્તારના સીસી ફૂટેજો ચેક કરવા છતાં, લૂંટારુઓ પસાર થયા હોય, એવા કોઈ લોકેશનમાં દેખાયા ન હોવાનું જાણવા મળેલ છે. પોલીસ માટે લૂંટના દિવસે કબજે કરેલ ફુટેજમાં સફેદ કલરની બાઈક અને લૂંટારુઓ ચહેરા પણ સ્પષ્ટ દેખાતા હોવા છતાં પોલીસને કોઈ ડિરેક્શન મળી શક્યું નથી.

પોલીસને તપાસમાં ચોક્કસ દિશા મળી નથી
3 લૂંટારુઓ લૂંટ કરીને જે રીતે બહાર નીકળે, ગામમાંથી બગડેલ બાઈકને ધક્કો મારીને ભાગતા સુધીના સીસીટીવી ફુટેજો પોલીસે કબ્જે કરી હતી. જેમાં એક વાત સ્પષ્ટ થતી હતી, કે લૂંટારુઓ એકદમ પ્રોફેશનલ હોવાનું લાગતું નથી. સફેદ કલરની બાઈક અને ઓળખ થઈ શકે એવા ચહેરા પણ દેખાઈ રહ્યા હોવા છતાં, મંગળવારથી ટીમ બનાવી શોધખોળ કરતી પોલીસને તપાસમાં ચોક્કસ દિશા મળી નથી.

તમંચો બતાવી બેંક કર્મચારીઓને બંધક બનાવ્યા હતા.
તમંચો બતાવી બેંક કર્મચારીઓને બંધક બનાવ્યા હતા.

લૂંટારુઓ પ્રવેશતા હોવાના પુરાવા મળ્યા નહીં
પોલીસ મોતા ગામમાં નિવેદનો નોંધવા તેમજ, ડોગસ્કવોર્ડ, એફ.એસ.એલ, ફિંગર એક્સપર્ટ જેવી ટેક્નિકલ ટીમે પોત પોતાની કામગીરી કરી હતી. જ્યારે લૂંટારુઓ કામરેજ અને પલસાણા તાલુકાની હદના ગામના માર્ગો તરફ ભાગ્યાં હોવાથી હલધરુ, કારેલી, ગંગાધરા, દસ્તાન ફાટક સહિતના વિસ્તારોમાં 70થી વધુ સીસીટીવી કેમરાના ફૂટેજ ચેક કર્યા હતા, પરંતુ પોલીસને એક પણ લોકેશનમાં લૂંટારુઓ પ્રવેશતા હોવાના પુરાવા મળ્યા ન હોવાનું જણાવે છે.

બેંકમાં ત્રણ લૂંટારુ તમંચા સાથે ઘૂસી ગયા હતા.
બેંકમાં ત્રણ લૂંટારુ તમંચા સાથે ઘૂસી ગયા હતા.

બાઈકને ધક્કો મારીને ભાગ્યાને લૂંટારુ ગાયબ થઈ ગયા
બીજી તરફ લૂંટારુઓનું બાઈક બંધ થયું હોવા છતાં ધક્કો મારીને ભાગ્યા હતા, જે તે સ્થળ પર છોડ્યું ન હોવાથી લૂંટારુઓના માલિકીનું હોવાનું માનવામાં આવે છે, જેથી છોડવા જતાં પકડાય જવાનો વધુ ડર સતાવી શકે. બાઈક સફેદ હોવાથી પોલીસ માટે પણ ઓળખ કરવી સરળતા રહેશે. આજુબાજુના ઘણા વિસ્તારો પોલીસે ખુંદી કાઢ્યા હોવા છતાં લૂંટારુના ચહેરા કે બાઇક બાબતેની માહિતી પોલીસ મેળવી શકી ન હતી.

લૂંટ બાદ બે વાર લૂંટારુઓની બાઈક બંધ પડી ગઈ હતી.
લૂંટ બાદ બે વાર લૂંટારુઓની બાઈક બંધ પડી ગઈ હતી.

રેન્જ આઈજીને એલસીબીને તપાસ સોંપી
મોતા ગામની બેંકમાં થયેલી લૂંટ બાદ 3 દિવસ થવા છતાં લૂંટારુ ઝડપાયા નથી. જેથી રેન્જ આઈજી દ્વારા એલસીબીને તપાસ સોંપી છે. આ સાથે રેન્જ આઈજી દ્વારા સીસીટીવી જાહેર કરી લૂંટારુઓ અંગે કોઈ જાણકારી મળે તો પોલીસને જાણ કરવા લોકોને અપીલ કરી છે.

પોલીસે મેનેજર સહિતના કર્મચારીઓના નિવેદન લીધા હતા.
પોલીસે મેનેજર સહિતના કર્મચારીઓના નિવેદન લીધા હતા.

ગુનાહિત પ્રવૃત્તિ કરનારામાં જાણે પોલીસને ડર રહ્યો જ નથી
બારડોલીની તુલસી હોટલ નજીક ધોડે દિવસે કારનો કાચ તોડી સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી, બાદ અસંખ્ય ઘરફોડ, વાહનચોરીના બનાવો બની રહ્યા છે. ગત મંગળવારે તો મોતા ગામે ધોડે દિવસે બંદૂકની અણીએ બેંકની લૂંટની ઘટના બનતા, બારડોલીમાં પોલીસનો હાંક ધાક ગુનાહિત પ્રવૃત્તિ કરનારામાં જાણે રહ્યો જ નથી.

ત્રણ મિનિટમાં લૂંટારુઓ લૂંટ કરી ભાગી ગયા હતા.
ત્રણ મિનિટમાં લૂંટારુઓ લૂંટ કરી ભાગી ગયા હતા.

ઘટના ક્રમ
ગત મંગળવારે સુરત ડિસ્ટ્રીક કો. બેંકમાં તસ્કરો 1.39 કલાકે બેંકમાં ઘૂસ્યા હતાં. 1.40 કલાકે તમામ કર્મચારીઓને એક કેબિનમાં પુરતા હતાં અને 1.42 કલાકે લૂંટારુઓ 10.42 લાખ રૂપિયાનો કોથળો ભરીને બહાર નીકળ્યા હતાં.

લૂંટારુઓનું પગેરું મેળવવા પોલીસ તપાસ કરી રહી છે.
લૂંટારુઓનું પગેરું મેળવવા પોલીસ તપાસ કરી રહી છે.

તસ્કરો હિન્દી અને બિહારી ભાષા જાણતા હતાં
ડિસ્ટ્રીક્ટ બેંકમાં લૂંટ કરવા આવેલા ત્રણ તસ્કરો 22થી 30 વર્ષની ઉંમરના અને મોઢે માસ્ક હોવાનું જોવા મળી રહ્યું છે. તેમજ લૂંટારુઓ હિન્દી અને બિહારી ભાષા બોલતા હોવાનું બેંકના કર્મચારીઓ પાસે જાણવા મળ્યું હતું.

પોલીસ 70 જેટલા સીસીટીવી સાથે તપાસ કરી રહી છે.
પોલીસ 70 જેટલા સીસીટીવી સાથે તપાસ કરી રહી છે.

લૂંટારુઓને પકડવા વ્યારા સહિત હાઇવે પર નાકાબંધી
મોતા ગામે બેન્કમાં લૂંટ ચલાવી બાઇક પર ભાગેલા લૂંટારુને પકડવા પોલીસ દ્વારા સુરત જિલ્લાના અડીને આવેલા તાપી જિલ્લાના વ્યારા પંથકમાં પણ નાકાબંધી કરી કડક ચકાસણી હાથ ધરી હતી. જોકે, 3 દિવસ થવા છતાં પણ હજુ સુધી પોલીસ લૂંટારુ સુધી પહોંચી શકી નથી.