સુરતમાં હજીરા રોડ પર દંપતી સહિત ત્રણ સવારી મોપેડ સ્લીપ થતાં અકસ્માત નડ્યો હતો. મોપેડસવાર દંપતીને અકસ્માત નડતાં મહિલાનું મોત નીપજ્યું હતું. પત્નીના મોતને પગલે પતિના હૈયાફાટ રુદનથી માહોલ ગમગીન થઈ ગયો હતો.
બહેન-બનેવી અને સાળાને અકસ્માત નડ્યો
ગોરધનભાઇ પુજાભાઇ પરમાર (ઉ.વ.50 (બનેવી) રહે. ઘર નંબર-894, સર્વન્ટ રૂમમાં, ક્રિભકો ટાઉનશીપ, હજીરા રોડ)એ જણાવ્યું હતું કે, તેમના સાળા રાજેશભાઇ કેશવભાઇ પરમાર (ઉ.વ.39) પોતાની મોપેડ (GJ-05-PG-7092) પર બહેન-બનેવીને લઈ રિલાયન્સ કંપનીના ગેટ નંબર-1થી મોરા ત્રણ રસ્તા તરફ જવાના જાહેર રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. મોરા ત્રણ રસ્તાથી આશરે 100 મીટર પહેલાં હજીરા મેઇન રોડ ઉપર મોપેડનું આગળનું વ્હીલ ખાડામાં પડ્યા બાદ ત્રણેય જણા રોડ ઉપર પટકાતા તમામને વધતી-ઓછી ઇજા થઇ હતી. જોકે આ અકસ્માતમાં મધુબેન પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઇજાગ્રસ્ત સાળા-બનેવીને હોસ્પિટલ ખસેડાયા
વધુમાં જણાવ્યું હતું કે અકસ્માત બાદ લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. ઇજાગ્રસ્ત સાળા-બનેવીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ઘટનાની જાણ બાદ પોલીસ પણ દોડી આવી હતી. હાલ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પટેલ તપાસ કરી રહ્યા છે.
ક્રિભકોથી મોરાગામ ભાણીને મળવા જઇ રહ્યા હતા
રાજેશ પરમાર (ઇજાગ્રસ્તના સાળા) એ જણાવ્યું હતું કે હું વડોદરાનો રહેવાસી છું. પ્લમ્બરના કામકાજ સાથે સંકળાયેલો છે. સુરત બહેન-બનેવીને મળવા આવ્યો હતો. ક્રિભકોથી મોરાગામ ભાણીને મળવા જઇ રહ્યા હતા. ત્યારે અકસ્માત નડતા બહેનનું કરૂણ મોત નીપજ્યું હતું. બહેન ઘરકામ કરી નિવૃત પતિ સાથે ગુજરાન ચલાવતી હતી.
પતિનું હૈયાફાટ રુદન
મોપેડસવાર દંપતીના અકસ્માતમાં પત્નીનું મોત થયું હતું. ઘટનાસ્થળે જ પતિના હૈયાફાટ રુદનથી માહોલ ગમગીન થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. જ્યારે 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં એ પણ ઘડનાસ્થળે દોડી આવી હતી.
8 દિવસ પહેલાં પણ બની હતી હિટ એન્ડ રનની ઘટના
સુરતના સિટીલાઈટ રોડ પર 8 દિવસ પહેલાં મોર્નિંગ વોક કરતી એક વૃદ્ધાને અજાણી કારે અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. વૃદ્ધા આશાબેનના બે દીકરા અને પતિ ત્રિલિંગેશ્વર સોમનાથ મંદિરના પૂજારી છે. વહેલી સવારે બનેલી હિટ એન્ડ રન કેસમાં મોતને ભેટેલાં વૃદ્ધાને લઈ ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.