ડુમસ રોડ પર રઘુવીર બિઝનેસ પાર્કના એમબી સ્પામાં મહિલા પીએસઆઈ બનીને તોડ કરવા નીકળેલી આરોપી રિદ્ધિ શાહને એસઓજીએ નાનપુરા એસબીઆઈ બેંક પાસેથી ઝડપી પાડી છે. આ મહિલા નકલી પોલીસ બનીને સ્પામાં તોડ કરવા માટે તેના સાગરિતોને લઈને આવી હતી. અઠવાડિયા પહેલા રિદ્ધિ શાહના સાગરિતે નકલી પોલીસ બની પહેલા સ્પામાંથી 30 હજારનો તોડ કર્યો હતો. ઉમરા પોલીસે 34 વર્ષીય રિદ્ધિ ભરત શાહ (રહે,રાધિકા ટેરેસ,ધોબીશેરી,નાનપુરા,મૂળ રહે,મહેસાણા)ની ધરપકડ કરી છે.
રિદ્ધિ શાહ પોતે ન્યુઝ પોર્ટલમાં રિપોર્ટર છે અને અગાઉ તે નર્સ તરીકે કામ કરતી હોવાની વાત તેણીએ પોલીસને જણાવી છે. જો કે પોલીસને રિદ્ધિ શાહની આ વાત ગળે ઉતરતી નથી. આરોપી રિદ્ધિ શાહના લગ્ન વેસુમાં થયાં હતા બાદમાં કોઇક કારણોસર છુટાછેડા થયા હોવાની વાત પોલીસે જણાવી છે. વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપી રિદ્ધિ શાહ ખટોદરા પોલીસની હદમાં આવેલા સ્પામાં તોડ કરવા જતી ત્યારે ખટોદરાની મહિલા પીએસઆઈ બની અને ઉમરા પોલીસની હદના સ્પામાં તોડ કરવા જતી ત્યારે ઉમરા પીએસઆઈ બની જતી હતી.
આ તોડબાજ રિદ્ધિ શાહએ તેના સાથી રિપોર્ટરની સાથે સ્પામાં પોલીસના નામે દમ મારી રૂપિયા પડાવતી હતી. સ્પામાં રિદ્ધિી શાહ જઈ પોતે પીએસઆઈ હોવાનો રોફ દેખાડી ડાયરી લાવો આજે કેટલા ગ્રાહકો આવ્યા છે એમ કહી દમ મારી કાઉન્ટરમાંથી રૂપિયા કાઢી લેતી હતી. સુરતના મોટેભાગના સ્પામાં વૈશ્યાવૃતિનો કારોભાર ચાલતો હોવાથી સંચાલકો પણ આવા તત્વોની સામે કાર્યવાહી કરતા ન હોવાના કારણે આવી ટોળકી ફાટીને ધુમાડે ચઢી છે. આરોપી રિદ્ધિ શાહના બે સાગરિતોમાં નકલી પોલીસ બનેલા માયા ભગુ સહીડા અને ચિરાગ હિમ્મત સરવૈયા હાલમાં 21મી તારીખ સુધીના પોલીસ રિમાન્ડ પર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.