નાના વરાછામાં સીએનજી પંપ પર ગેસ રિફીલીંગ કરાવ્યા બાદ રિક્ષા સ્ટાર્ટ કરતાની સાથે આગ ભભૂકી ઉઠી હતી.રિક્ષા ચાલકે સમયસુચકતા વાપરી રિક્ષા પંપથી દુર લઈ લેતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. અન્યથા રીક્ષામાં લાગેલી આગની લપેટમાં સીએનજી પંપ આવી ગયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.
કીમથી ત્રણ પેસેન્જરોને બેસાડી સુરત આવી રહેલા એક રિક્ષા ચાલકે નાના વરાછા સીએનજી પંપ પર ગેસ પુરાવવા માટે રિક્ષા અટકાવી હતી. પેસેન્જરોને નીચે ઉતારી રિક્ષા ચાલકે ગેસ પુરાવ્યો હતો અને ગેસ પુરાવ્યા બાદ રિક્ષા સ્ટાર્ટ કરતાની સાથે જ રિક્ષામાં આગ ભભૂકી ઉઠી હતી. રિક્ષાના ડ્રાઈવરે સમયસુચકતા વાપરી રિક્ષાને પાછળ ખસેડી પંપથી દુર લઈ લીધી હતી અને ફાયર એક્ષ્ટીંગ્યુશરની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે આગની આ ઘટનામાં રિક્ષા સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.