જયેશ નાયક
નવસારી જિલ્લાની 4 વિધાનસભા બેઠકમાં ગત ટર્મનું પુનરાવર્તન થયું છે. પરંતુ ઉડીને આંખે વળગે એવી વાત એ રહી છે કે મહત્તમ બેઠકો ઉપર ભાજપને મોટી સરસાઇ મળી છે.પહેલી જ વાર ચૂંટણી મેદાનમાં ઉતારેલા નવસારી બેઠકના ઉમેદવાર રાકેશ દેસાઇ હોય કે પછી સતત છઠ્ઠી વખત મેદાને ચૂંટણી જંગ લડી રહેલા આર.સી.પટેલ અથવા ગણદેવી બેઠકના નરેશ પટેલ આ તમામને ખોબે ખોબલા મત આપીને લોકોએ જંગી લીડ સાથે વિજય અપાવ્યો છે. જ્યારે આ વખત વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ અને પિયુષ પટેલ વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો હતો. જેમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ફરી બાજી મારી લીધી છે.
નવસારી જિલ્લામાં જલાલપોર બેઠક ઉપર કોળી મતદારોનું પ્રભુત્વ રહ્યું છે તેનો લાભ સતત છઠ્ઠી આર.સી.પટેલને મળ્યો હતો અને 68000 થી વધુની લીડ સાથે તેઓ ફરી એકવખત જીત્યા હતા. તેની સામે કોંગ્રેસે મુન્ના પંચાલને જ ઉમેદવાર બનાવ્યા હતા પણ અહીં જાતિગત સમીકરણનો લાભ કોળી ઉમેદવારને મળ્યો હતો. જ્યારે નવસારી બેઠક ઉપર તેનાથી વિપારિત સ્થિતિ જોવા મળી હતી.અહીં કોળી પટેલ સમાજનું પ્રભુત્વ છે, જ્યારે દેસાઇ (અનાવિલ) સમાજની ઓછી સંખ્યા હોવા છતાં ભાજપે અનાવિલ ઉમેદવારને ટિકિટ આપી હતી. અહીં પણ ભાજપ સફળ રહી હતી અને રાકેશ દેસાઇએ 72000થી વધુ મત સાથે જીત્યા હતા.
ગણદેવી (એસટી) બેઠક ઉપર તત્કાલીન પુરવઠા મંત્રી નરેશ પટેલે ફરી વિજયી પતાકા લહેરાવી છે. 93000 થી વધુની લીડથી તેઓ ગણદેવી બેઠક ઉપર ચૂંટાઇ આવ્યા હતા. અહીં એસ.ટી બેઠક ઉપર હરીફોને ધોબી પછડાટ આપી ભાજપે જંગી મતોથી ભગવો લહેરાવ્યો હતો. આ ઉપરાંત વાંસદા બેઠક જે એસ.ટી બેઠક છે, તેના ઉપર થોડી રસાકસી જોવા મળી હતી.પણ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે 35000 ઉપરાંત મતોથી બેઠક જીતીને બીજી ઇનિંગ્સની ધમાકેદાર શરૂઆત કરી હતી. તેમણે ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ સામે વિજયી પતાકા લહેરાવી છે.
કોંગ્રેસના ગઢ સમા ડાંગમાં ભગવો લહેરાયો
ડાંગની વિધાનસભા બેઠક ઉપર ગત 2020 ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય મંગળ ગાવિત ભાજપમાં જોડાયા બાદ ભાજપના ઉમેદવાર વિજય પટેલે જીત હાંસલ કરી હતી.હાલ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ફરી ભાજપના ઉમેદવાર વિજય પટેલે ધમાકેદાર જીત મેળવી છે એ સાથે જ ભાજપ વર્ષોથી કોંગ્રેસના ગઢ રહેલા ડાંગમાં મોટું ગાબડું પાડયું છે.કારણ કે પહેલી વખત અહીં વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણતહ બહુમત સાથે ભાજપે લીડ મેળવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.