કરોડોની કમાણી પર બ્રેક:સુરતમાં કોરોનાકાળમાં પ્રાણી સંગ્રહાલય, એક્વેરિયમ અને સાયન્સ સેન્ટર સહિતના પ્રોજેક્ટની આવક ઘટીને 52 લાખ થઈ

સુરત5 મહિનો પહેલા
પ્રાણી સંગ્રહાલય, એક્વેરીયમ અને સાયન્સ સેન્ટર સહિતના વિવિધ પ્રોજેક્ટો મુલાકાતીઓના અભાવે નફામાં નુકસાન થયું છે.
  • પાલિકાની આવક ઘટવા સાથે આ પ્રોજેક્ટ પાછળનો ખર્ચ રાબેતા મુજબ યથાવત રહ્યો

સુરત સહિત સમગ્ર દેશમાં કોરોનાની મહામારીને પગલે અર્થતંત્રને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. એક સમયે રાજ્યનું આર્થિક પાટનગર ગણાતું સુરત હાલ આર્થિક મોરચે પુનઃ પોતાની હરણફાળ ભરવા માટે હાંફી રહ્યું છે. કોરોના મહામારીના બીજા તબક્કાની સૌથી ઘાતકી લહેર બાદ તો હાલત સૌથી વધુ ખરાબ થઈ છે. આ તમામ વિષમ સ્થિતિ વચ્ચે હવે તો મહાનગર પાલિકાની તિજોરી પણ તળિયા ઝાટક થઈ ચુકી છે. બીજી તરફ મહાનગર પાલિકા દ્વારા જનતાની સુવિધા માટે શરૂ કરેલા પ્રકલ્પો પણ હવે ધોળા હાથી સમાન પૂરવાર થઈ રહ્યા છે. સતત ઘટી રહેલી આવક વચ્ચે ખર્ચને પહોંચી વળવા માટે નિઃસંકોચ આગામી દિવસોમાં મનપાના વિકાસ કાર્યો પર તેની પ્રતિકૂળ અસર જોવા મળી શકે છે.

પ્રાણી સંગ્રહાલયમાં પણ મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
પ્રાણી સંગ્રહાલયમાં પણ મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

હરવા ફરવાના સ્થળ બંધ રહ્યા
હ૨વા-ફરવાના શોખીન સુરતીલાલાઓ માટે મહાનગર પાલિકા દ્વારા પ્રાણી સંગ્રહાલય, એક્વેરીયમ અને સાયન્સ સેન્ટર સહિતના વિવિધ પ્રોજેક્ટો મુલાકાતીઓના અભાવે હવે ધુળ ખાઈ રહ્યા છે. કોરોના મહામારીમાં સંક્રમણને ધ્યાને રાખીને છેલ્લા 14 મહિનામાં ગણ્યાં ગાંઠ્યા દિવસો માટે આ સુવિધાઓનો લાભ જનતાને મળ્યો હોવાને કારણે આની સીધી અસર મનપાની આવક પર જોવા મળી છે.

એક્વેરિયમની આવક પણ પાલિકાને બંધ થઈ ગઈ હોય તેટલી ઘટી ગઈ છે.
એક્વેરિયમની આવક પણ પાલિકાને બંધ થઈ ગઈ હોય તેટલી ઘટી ગઈ છે.

આવકમાં ઘરખમ ઘટાડો
વર્ષે દહાડે કરોડો રૂપિયા રળી આપતા પ્રાણી સંગ્રહાલય સહિતના પ્રોજેક્ટો હવે મુલાકાતીઓના અભાવે ભેંકાર ભાસી રહ્યા છે, તો બીજી તરફ તેની જાળવણી પાછળ થતો ખર્ચ અકબંધ રહેવા પામ્યો છે. સને 2018-19 માં પ્રાણી સંગ્રહાલય, એક્વેરીયમ અને ગાંધી સ્મૃતિ સહિતની પ્રોજેક્ટો થકી સુરત મહાનગર પાલિકાને 8.55 કરોડની આવક થવા પામી હતી. જ્યારે સને 2019-20 માં આ આવક ઘટીને 7.71 કરોડ પર પહોંચી હતી. સને 2019-20 માં આવક ઘટવા પાછળનું મુખ્ય કારણ ગાંધી સ્મૃતિ ભવન હતું.

આવકની સામે જાવક યથાવત રહેવા પામી છે.
આવકની સામે જાવક યથાવત રહેવા પામી છે.

ગાંધી સ્મૃતિ ભવનની આવક બંધ
રિનોવેશનને પગલે કમાઉ દીકરા સમાન ગાંધી સ્મૃતિ ભવન બંધ કરી દેવામાં આવતાં એક જ વર્ષમાં 70 લાખથી આવક ઘટીને 26 લાખ પર પહોંચી જવા પામી હતી. જો કે, કોરોના મહામારીને પગલે નાણાંકીય વર્ષ 2020-21 માં લોકડાઉન અને આંશિક લોકડાઉન સહિત સંક્રમણને ધ્યાનમાં રાખીને મહત્તમ સમય સુધી આ તમામ હરવા-ફરવા અને પીકનીકના સ્થળો બંધ રાખવામાં આવતાં આખા વર્ષ દરમ્યાન આવક રોકડા ૫૨ લાખ રૂપિયાની જ થવા પામી છે. જયારે આ પ્રોજેક્ટોના મેઈનટેનન્સ અને કર્મચારીઓ પાછળ મહાનગર પાલિકાની તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક ભારણ અલગથી પડ્યું હતું.

સ્ટાફ અને મેઈન્ટેન્સ ખર્ચ યથાવત રહ્યો છે.
સ્ટાફ અને મેઈન્ટેન્સ ખર્ચ યથાવત રહ્યો છે.

ઓડિટોરિયમ બંધ રહ્યા
સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ-અલગ ઝોન વિસ્તારમાં છ ઓડિટોરિયમો બનાવવામાં આવ્યા છે. જે નાગરિકો અને સંસ્થાઓને ખાનગી ઉપયોગ માટે ભાડે આપીને મહાનગર પાલિકા દર વર્ષે ચારથી પાંચ કરોડ રૂપિયાની આવક રળતું હતું. પરંતુ કોરોનાની મહામારીમાં આ તમામ ઓડિટોરિયમો શોભાના ગાંઠિયા બની રહ્યા હતા. આખા વર્ષ દરમ્યાન આ તમામ પ્રોજેક્ટો થકી મહાનગર પાલિકાને માત્ર 5 લાખ જેટલી જ આવક મળી છે જેની સામે સિક્યુરિટી-સ્ટાફ અને મેઈનટેનન્સ પાછળ જ લાખોનો ખર્ચ મહાનગર પાલિકાએ ભોગવવાનો વારો આવ્યો છે.

પ્રાણી સંગ્રહાલયમાં પણ પ્રાણીઓ પર લાગતો ખર્ચ યથાવત છે
પ્રાણી સંગ્રહાલયમાં પણ પ્રાણીઓ પર લાગતો ખર્ચ યથાવત છે

આવક કરતા ખર્ચ વધ્યો
મનપા દ્વારા બનાવવામાં આવેલ ગાંધી સ્મૃતિ, રંગ ઉપવન, સરદાર સ્મૃતિ ભવન, સંજીવ કુમાર, પર્ફોમિંગ્સ આર્ટ ગેલેરી અને સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયો પૈકી એકમાત્ર ગાંધી સ્મૃતિ ભવન રિનોવેશનના અભાવે બંધ કરી દેવામાં આવ્યું હતું. બાકીના તમામ ઓડિટોરિયમો થકી 5.15 લાખની આવક સામે ખર્ચનો આંકડો મોટો જોવા મળી રહ્યો છે.