સચિન GIDC ગેસકાંડ:ખાડીમાં એક જ સ્થળે બે કંપનીના કેમિકલ ઠાલવતા ઝેરી ગેસ ફેલાયો હોવાનું ઘટસ્ફોટ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગેસ કાંડમાં મુંબઈની કંપનીના 3 અને સચિનની કંપનીના 1ની ધરપકડ
  • સચિનની બજરંગ કંપનીએ પણ ખાડીમાં જ ગેરકાયદે કેમિકલ ઠાલવ્યું હતું

સચિન જીઆઈડીસીમાં વરસાદી પાણીના નાળામાં ગેરકાયદેસર રીતે ઝેરી કેમિકલના નિકાલ કરવાના બનાવમાં 6 શ્રમિકોના મોત નિપજ્યા હતા. જે ગોઝારી ઘટનામાં પોલીસે મુંબઈની હિકલ કંપનીના ત્રણ અધિકારીઓની અટકાયત કરી છે. આ ઘટનાના દિવસે મુંબઈની કંપનીનું કેમિકલ ઠલવાઈ તેના થોડા કલાકો પહેલા જ સચિનની બજરંગ કંપનીએ પણ એસિડિક કેમિકલનો આ જ સ્થળે નિકાલ કર્યો હતો. જેથી પોલીસે બજરંગ કંપનીના ડિરેક્ટર રમણ બારીયા (રહે.પાંડેસરા)ની પણ ધરપકડ કરી છે.

ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, સચિન જીઆઈડીસીમાં વરસાદી પાણીના નાળામાં જે કેમિકલ ગેરકાયદેસર રીતે છોડવામાં આવ્યું હતું તે કેમિકલ મૂળ મુંબઈની તલોજા એમઆઈડીસીની હિકલ કેમિકલ કંપનીમાંથી આવ્યું હતું. આ કંપનીએ સોડિયમ હાઇડ્રો સલ્ફાઈડ કેમિકલ સંગમ એન્વાયરો પ્રા.લિમિટેડને આપ્યું હતું.

ક્રાઈમ બ્રાંચે હિકલ કંપનીના અધિકારીઓ મનસુખ ગોકળભાઈ પટેલ (50 વર્ષ. રહે. પટેલ હેરીટેજ, ખારઘર,નવી મુંબઈ), અભય સુરેશ દાંડેકર (48 વર્ષ. રહે.આશીર્વાદ રેસિડેન્સી, બોરીવલી વેસ્ટ, મુંબઈ) અને મછીન્દ્રનાથ મુરલીધર ગોર્હે (49 વર્ષ. રહે.શ્રી શ્રદ્ધા કો.ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, પનવેલ, જિલ્લો રાયગઢ)ની ધરપકડ કરી છે. મનસુખ કંપનીમાં સસ્ટેનીબીલીટી એન્ડ કોર્પોરેટ EHS હેડ છે. આરોપી અભય કંપનીમાં સપ્લાય ચેઇન વિભાગમાં જનરલ મેનેજર છે. આરોપી મછીન્દ્રનાથ કંપનીમાં ક્રોપ પ્રોડક્શન ડિવિઝનના EHS હેડ છે.

આરોપીઓએ મહારાષ્ટ્રના એમપીસીબીની ગાઇડ લાઈનના વિરુદ્ધમાં જઈને સંગમ એન્વાયરોમેન્ટને તે કેમિકલ આપ્યું હતું. તેવી જ રીતે સચિન જીઆઈડીસીની બજરંગ કંપનીએ થોડા કલાક પહેલા જ આ જ નાળામાં એસિડિક કેમિકલ છોડ્યું હતું. ત્યાર બાદ મુંબઈની કંપનીનું કેમિકલ ઠલવાયંુ હતું. જે બંનેના મિશ્રણના કારણે ગોઝારી ઘટના બની હતી. જેથી બજરંગ કંપનીના ડિરેક્ટર રમણ ભલાભાઈ બારીયા (રહે. આકાશ રો-હાઉસ, પાંડેસરા)ની પણ ધરપકડ કરી છે. પોલીસે કહ્યું, તેમની કંપનીમાંથી પણ તે દિવસે કેમિકલ છોડાયું હતું.

સચિન GIDCના PI તરીકે બલદાણીયા
​​​​​​​
​​​​​​​સચિન જીઆઈડીસીમાં ઝેરી કેમિકલના ગેરકાયદેસર નિકાલમાં 6 શ્રમિકોના મોત થયા હતા. જેમાં પોલીસના માથે માછલા ધોવાતા ફરજમાં બેદરકારી બદલ સચિન જીઆઈડીસી પોલીસ મથકના PI જે.પી.જાડેજાને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી દીધા હતા. તેમના સ્થાને સ્પેશિયલ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.બલદાણીયાની નિમણુંક કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...