કોરોના સારવારમાં ઇમરજન્સીમાં અપાતાં રેમડેસિવિર માટે સિવિલમાં અટપટી કાગળ કાર્યવાહી બાદ પણ 1 ઇન્જેક્શનના એમઆરપીથી 600 રૂપિયા વધુ લેવાઈ રહ્યાં છે. સિવિલમાં રૂ. 4800ની કિંમતના રેમડેસિવિરના રૂ. 5400 વસૂલાય રહ્યા છે.
જોકે, આ રૂપિયા ડિપોઝિટના લેવાતા હોવાનું ગાણું સિવિલ ગાઈ રહી છે. મેડિકલ ઇમરજન્સી છતાં અધિકારીઓના સહી-સિક્કામાં જ સગા-વ્હાલાઓને 5 કલાક સિવિલ પરિસરમાં જ અટવાવું પડે છે.‘દિવ્ય ભાસ્કર’ની ટીમે ખાનગી મેડિકલ સ્ટોર ઉપરથી રૂ. 5400ની કિંમતમાં 2 મીનિટમાં જ મેળવી લીધું હતું.
લૂંટનો વિરોધ કર્યો તો ઇન્જેક્શન જ ન મળ્યું
સિવિલમાં રેમડેસિવિર લેવા જતાં રૂ. 4800ની પ્રિન્ટ છતાં 5400 મંગાયા હતા. વધુ નાણાં વસૂલવા સામે વિરોધ કરતાં ઇન્જેક્શન આપવાની ના પાડી દેવાઇ છે. > મહેન્દ્ર ખેની, વરાછા
1 સહી ન કરતાં બીજા દિવસે ઇન્જેક્શન મળ્યું
સિવિલમાં સવારે 11 વાગ્યાથી લાઇનમાં ઊભાં રહ્યાં હતાં. 2 વાગ્યે નંબર આવ્યો ત્યારે અધિકારીએ સહી-સિક્કા ન કરતાં બીજા દિવસે ઇન્જેક્શન મળ્યું હતું. > ફેનિલ પટેલ, અડાજણ
ઈન્જેક્શન પરત કરતી વેળા ડિપોઝીટ મળી જશે
રોગી કલ્યાણ સમિતિની પહોંચ સાથે અપાયેલાં ઈન્જેકશનની રકમ ડિપોઝીટ સાથે વસૂલાઇ છે. ઈન્જેકશન ખરીદી ફરી જમા કરાવશે ત્યારે તે રકમ પરત કરાશે. > રાગીણી વર્મા, ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ
સિવિલમાં 5 કલાક લાઈનમાં ઉભા રાખે, ખાનગીમાં 2 મિનિટમાં મળે
રેમડેસિવિરની માંગ સામે પહોંચી વળવા સરકારે સુરત સિવિલની સેન્ટ્રલ ગવર્મેન્ટ મેડિકલને પણ તૈનાત કરી છે. વ્યવસ્થાના ભાગરૂપે વિવિધ ખાનગી હોસ્પિટલના દર્દીઓને પણ સિવિલમાંથી કેટલીક વેરિફિકેશન બાદ પ્રિસ્ક્રીપ્શનના આધારે જથ્થો પુરો પડાઈ રહ્યો છે. જોકે રેમડેસિવિરના બોક્ષ ઉપર રૂ. 4800ની એમઆરપી છતાં 5400 લેવાતા આફત સમયે પણ લૂંટ આચરાઇ રહી હોવાની સ્વજનોમાં શંકા ફેલાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.