અલથાણમાં અાઈસ્ક્રીમ ખાવા બાબતે પુત્ર પર ગુસ્સે થતા પત્નીએ ગુસ્સે ન થવાનું કહેતા એક્ષ આર્મી જવાને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા અલથાણ પોલીસ ઘટનાસ્થળે દોડી તપાસ શરૂ કરી હતી.
સિધ્ધપુર પાટણના આકવી ગામના વતની અને અલથાણ રોડ સુધન કોમ્પ્લેક્સ ખાતે રહેતા સતિષભાઈ નારણભાઈ પટેલ(41)એક્ષ-આર્મી જવાન હતા અને હાલ કવાસ પાસે આવેલી એચપી કંપનીમાં સિક્યુરીટીમાં ફરજ બજાવતા હતા. તેમને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. શનિવારે રાત્રે સતિષભાઈ આઈસ્ક્રીમ લઈ આવ્યા હતા.
જોકે, પુત્રએ આઈસ્ક્રીમ ખાવાની ના પાડતા સતિષભાઈ પુત્ર પર ગુસ્સે થયા હતા. જેથી તેમના પત્નીએ પુત્ર પર ગુસ્સે થવાની ના પાડતા તેમને માઠુ લાગી આવ્યું હતું. રવિવારે સવારે તેઓ પોતાની રૂમની પાછળ બાલ્કનીમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. બનાવની જાણ થતા અલથાણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં પુત્ર પર ગુસ્સે થવા બાબતે પત્નીએ ટકોર કરતા તેમાં માઠુ લાગી આવવાના કારણે તેમણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
સચિનમાં ફોન દુકાનદારનો ફાંસો ખાઈને આપઘાત
સચિન યોગાનંદ સોસાયટીમાં રહેતા આશીષ લક્ષ્મીલાલ જૈન(24) શનિવારે સાંજે તેમણે ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ પરીવારને થતા તેમને તાત્કાલિક નીચે ઉતારી સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં મૃત જાહેર કર્યા હતા. બે મહિનાથી સુરત આવ્યા હતા અને તેમના ભાઈને મોબાઈલની દુકાનમાં મદદરૂપ થતા હતા.
કતારગામમાં 24 વર્ષીય યુવકે સ્ટોર રૂમમાં આત્મહત્યા કરી
કતારગામ લક્ષ્મીકાંત સોસાયટી ખાતે રહેતો હર્ષ દિલીપભાઈ પટેલ(24)હીરાના કારખાનામાં કામ કરતો હતો. તેની માતાનું અવસાન થઈ ગયું હોય તે તેની મોટી મમ્મી સાથે રહેતો હતો અને તેના પિતા ચારેક મહિનાથી વતન રહેતા હતા. શનિવારે રાત્રે હર્ષે સ્ટોરરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હર્ષે ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.