ધોરણ 10નું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં સમગ્ર બોર્ડમાં સુરત જિલ્લાએ ડંકો વગાડતા સૌથી વધુ પરિણામ સાથે 2532 જેટલા વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે. A-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં સિઝનેબલ ધંધો, ખેડૂત, લેબર કોન્ટ્રાક્ટરના સંતાનોનો સમાવેશ થાય છે. જેમણે ડામાડોળ ઘરની આર્થિક પરિસ્થિતિ વચ્ચે મહેનત કરી સફળતા મેળવી છે.
હીરને ગણિત-વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક
કડોદરા ચાર રસ્તા પર આવેલી સેન્ટ માર્ક્સ ઈંગ્લિશ હાઈસ્કૂલના કુલ 3 વિદ્યાર્થીઓને ધોરણ 10ની પરીક્ષાના પરિણામમાં એ-1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી હતી જેમાં શાળામાં પ્રથમ ક્રમ પર આવેલા ઠક્કર હીર અનિલભાઈને એ-1 ગ્રેડ મળ્યો છે સાથે જ 92.66 ટકા મળ્યા છે. હીરની સફળતાને પરિવાર તથા શાળા પરિવાર દ્વારા બિરદાવવામાં આવી હતી. તથા આગળના અભ્યાસ માટે શુભકામના પાઠવવામાં આવી હતી.
વગર ટ્યુશને સફળતા મેળવી
વેડ રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના 44 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ મળ્યો છે. જેમાં સલીયા રૂદ્રએ ધોરણ 10માં એ-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સ્કૂલનું સંચાલન કરતા સ્વામી દેવપ્રકાશદાસજીએ કહ્યું હતું કે, રુદ્રએ વિના ટ્યૂશને આ સફળતા મેળવી છે.સ્વામિનારાયણ ગુરુકુલ વેડરોડ સુરતના મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીએ રૂદ્રને હાર પહેરાવી કુમકુમનો ચાંદલો કરી શુભ આશીર્વાદપાઠવ્યા હતાં. પ્રભુ સ્વામી વગેરે સંતો તેમજ વિદ્યાર્થીઓએ ગુલાબની પાંખડીઓથી વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવી હતી.
મહેકને ડોક્ટર બનવું છે
અડાજણમાં આવેલી સંસ્કાર ભારતી સ્કૂલમાંથી કુલ 50 જેટલા વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ મેળવવામાં સફળતા મળી હતી. જેમાં કતારગામ ખાતે રહેતી પટેલ મહેક કેતનકુમારને એ-1 ગ્રેડ પ્રાપ્ત થયો હતો. ધોરણ 10ના પહેલા જ દિવસથી રોજે રોજ મહેનત કરવાની સાથે સાથે પેપર સોલ્વ કરતી મહેકને બોર્ડની પરીક્ષામાં સિદ્ધિ પ્રાપ્ત થઈ છે ત્યારે મહેકએ જણાવ્યું હતું કે તેણીને આગામી સમયમાં બી ગ્રુપ સાથે સાયન્સમાં આગળ વધીને એમબીબીએસ ડોક્ટર બનીને લોકોની સેવા કરવી છે.
લેબર કોન્ટ્રાક્ટરની દીકરીને A-1 ગ્રેડ
નાના વરાછા ખાતે આવેલી સરદાર પટેલ વિદ્યાભવન ભવનની વિદ્યાર્થિની ખુમાણ હિરલ નરેશભાઈને A-1 ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત થાય છે. હિરલના પિતા લેબર કોન્ટ્રાક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હિરલ રોજની છ કલાક મહેનત કરતી હતી. જેમાં મોટાભાઈનો પણ સાથ મળતો હતો. શક્તિ વિજય સોસાયટીમાં પતરાવાળી રૂમમાં રહીને હિરલે અભ્યાસ કરીને સફળતા મેળવી છે. હિરલને આગામી સમયમાં આઈએએસ એટલે કે કલેક્ટર બનવાની ઈચ્છા છે.
સિઝનેબલ ધંધો કરતા પિતાનો પુત્ર ચમક્યો
નાના વરાછામાં આવેલી તપોવન વિદ્યાલયના કુલ 33 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. જેમાંથી સિઝનેબલ ધંધો કરતા પિતાના પુત્ર ઝાલાવાડીયા પ્રતીક મનસુખભાઈને A-1 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. પ્રતીક રોજની 10થી 12 કલાકની મહેનત કરતો હતો. પ્રતીકને આગામી સમયમાં ફિલ્ડમાં આગળ વધવાની ઇચ્છા હોવાનું કહ્યું હતું.શાળાના આચાર્ય મનસુખ ગોટીએ જણાવ્યું હતું કે, શાળા દ્વારા દરેક વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓને સારા પરિણામ મેળવવામાં સફળતા મળી રહે છે.
ખેતી કરતા પિતાના દીકરાને A-1 ગ્રેડ
નાના વરાછા ખાતે આવેલી કૌશલ વિદ્યાભવન કુલ 64 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. જેમાં ખેતીકામ સાથે સંકળાયેલા ઇશ્વરભાઇ માંગુકિયાનો દીકરો હેત 586 માર્ક સાથે A-1 ગ્રેડ મેળવવામાં સફળ રહ્યો છે. ઘરકામ કરતાં માતા વર્ષાબેન અને પરિવારનો પૂરતો સપોર્ટ મળ્યો હતો. હેતે જણાવ્યું હતું કે આગામી સમયમાં કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માગે છે. રોજ આઠ કલાક મહેનત કરતો હતો અને રોજેરોજની તૈયારીના કારણે તેને આ સફળતા પ્રાપ્ત થઇ છે.
પાર્કિંગમાં વાંચીને દીકરીએ A-1 ગ્રેડ મેળવ્યો
મોટા વરાછા ખાતે આવેલી સંસ્કારદીપ શાળાના કુલ 23 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. તેમાંથી જેનીશા અશ્વિનભાઇને A-1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. જેનીશાના પિતા રત્નકલાકાર એટલે કે હીરા ઘસવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં પણ દીકરી પાર્કિંગમાં રાત્રે વાંચન કરીને A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. દીકરીને આગામી સમયમાં એમબીબીએસ બનીને ડોક્ટર બનવાની ઈચ્છા છે.
96.83 મેળવનાર વિદ્યાર્થિનીને ન્યુરો સર્જન બનવાની ઈચ્છા
ઉતરાણ ખાતે આવેલી મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના કુલ 37 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. જેમાંથી લાખાણી ચાર્મી ભરતભાઈને સ્કૂલ ફર્સ્ટ 96.83 ટકા પ્રાપ્ત થયા છે. ચાર્મી આગામી સમયમાં એમબીબીએસ ન્યુરો સર્જન કરવાની સાથે મામાના દીકરાને મગજની બીમારી હોવાથી તેની હાલત જોઈને ચાર્મીને એમબીબીએસમાં પણ ન્યુરોસર્જન સ્પેશિયાલિસ્ટ બનીને તેની તથા સમાજમાં તેના જેવા અન્ય લોકોને સારવાર કરવાની ઈચ્છા છે.
3 વર્ષની મહેનત એક વર્ષમાં કરીને A-1 ગ્રેડ મેળવ્યો
કોરોનાકાળ દરમિયાન ધોરણ આઠ અને નવનો અભ્યાસ વ્યવસ્થિત ન થઇ શક્યો હોવા છતાં પણ કડોદરા વિસ્તારમાં આવેલી ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના કુલ 20 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી .છે જેમાં સોજીત્રા નંદિની અરવિંદભાઈને 94.33 ટકા સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. નંદિની જણાવ્યું હતું કે રોજેરોજની મહેનત અને શિક્ષકો તથા શાળાના આચાર્ય દ્વારા કોરોનાકાળમાં પૂરતું ગાઇડન્સ આપવામાં આવતો હતો. સાથે જ ત્રણ વર્ષની મહેનત એક વર્ષમાં કરીને આ સફળતા મળી છે. આગામી સમયમાં એન્જિનિયર થઇને આઇ.એ.એસ બનવાનું સપનું છે.
એમ્બ્રોઈડરીના વ્યવસાયીની દીકરીને સફળતા
ભાવનગર જિલ્લા લેઉઆ પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ-સુરત સંચાલિત જે.બી. એન્ડ કાર્પ વિદ્યાસંકુલમાં તાજેતરમાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ–10ની પરીક્ષામાં ઝળહળતું પરિણામ મેળવ્યું છે. જેમાં કુલ 91 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તેમજ 209 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવી વિદ્યાસંકુલનું નામ રોશન કરેલ છે.તેજાણી એજલ માધવભાઈએ 600માંથી 585 માર્ક્સ સાથે 99.99 PR તેમજ 97.50% સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. એજલે જણાવ્યું કે, શાળા પરિવારના શિક્ષકો અને માતા-પિતાના સતત માર્ગદર્શન તેમજ જાત મહેનતથી રાત-દિવસ મહેનત કરીને આ સફળતા પ્રાપ્ત કરી છે. એજલેના પિતા ઍમ્બ્રોઈડરીના વ્યવસાય સાથે જોડાયેલા છે, શાળા પરિવાર વતી એજલને શુભેચ્છા પાઠવી હતી.
કડીયાકામ અને રત્નકલાકાર પિતાના સંતાનો ઝળક્યા
વરાછા વિસ્તારની શ્રેયસ વિદ્યાલયએ ધોરણ 10 બોર્ડમાં ખૂબ મોટું પરિણામ મેળવેલ છે. કુલ 58 વિદ્યાર્થીઓમાંથી 3 બાળકોએ કોઈ પણ જાતના એક્સ્ટ્રા ટ્યુશન વગર એ-1 ગ્રેડ મેળવ્યો છે. તેમજ 8 બાળકોએ એ-2 ગ્રેડ મેળવી શાળા અને તેમના પરિવારનું નામ રોશન કર્યું છે.ધોરણ 10માં અભ્યાસ કરતી દુધાત ઈશિતા નરેશભાઈએ કુલ 600 ગુણમાંથી 576 ગુણ સાથે 96.00 ટકા અને 99.92 પર્સન્ટાઈલ રેન્ક મેળવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ઈશીતાના પિતા નરેશભાઈ એમ્બ્રોઈડરી મશીનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જ્યારે રૂડાણી હેના હરેશભાઈએ કુલ 600 ગુણમાંથી 564 ગુણ સાથે 94.00 ટકા અને 99.61 પર્સન્ટાઈલ રેન્ક મેળવી બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. હેનાના પિતા હરેશભાઈ રત્નકલાકાર છે. દીકરીના ખુબ સરસ પરિણામથી સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છે.કણઝરીયા વિધેય હરેશભાઈએ કુલ 600 ગુણમાંથી 547 ગુણ સાથે 91.16 ટકા અને 98.73 પર્સન્ટાઈલ રેન્ક મેળવી ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. સામાન્ય પરિવારમાંથી આવતા વિધેયના પિતા હરેશભાઈ કડિયાકામ સાથે સંકળાયેલા છે.
મહેનતથી મેળવી સફળતા
પરવત પાટિયા વિસ્તારમાં આવેલી નોબલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ શ્રેષ્ઠ પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના 154 વિદ્યાર્થીઓમાંથી 16 વિદ્યાર્થીઓ A1 ગ્રૅડ અને 50 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવ્યો છે. વિદ્યાર્થીઓએ આકરી મહેનત કરીને આ પરિણામ હાંસલ કર્યું છે. વિદ્યાર્થીઓએ મેળવેલી જ્વલંત સફળતા માટે શાળા પરિવાર દ્વારા સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. સાથે જ ખુશી વ્યક્ત કરતાં એકમેકને મીઠાઈ ખવડાવવામાં આવી હતી.
એપ્લિકેશનની મદદથી ઓનલાઈન સફળતા મેળવી
કોરોનાકાળ દરમિયાન વિદ્યાર્થીઓને ભણવાની તકલીફ ન પડે અને સારું શિક્ષણ મળી રહે તે માટે ઓનલાઈન અભ્યાસનું મહત્વ વધ્યું છે. ત્યારે વિદ્યાકુલ એપ્લિકેશન સાથે આખા વર્ષ દરમ્યાન ઓનલાઇન અભ્યાસ કરીને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત થયા હતાં. જેથી ઓનલાઈન અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ એકઠા થઈને પરિણામની સફળતાની ઉજવણી કરી હતી.
વર્ષ દરમિયાનની મહેનત રંગ લાવી
ધોરણ 10 બોર્ડ પરીક્ષાના પરિણામમાં એલ. પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલે ફરી એક વખત શિક્ષણ જગતમાં ડંકો વગાડ્યો છે. ગ્રુપની સ્કૂલોના 72 વિદ્યાર્થીઓએ એ 1 અને 220 વિદ્યાર્થીઓએ એ 2 ગ્રેડ મેળવી એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલનું ગૌરવ વધાર્યું છે. એટલું જ નહીં પણ 100 ટકા પરિણામની પરંપરા પણ આગળ વધાવી છે.સફળ થયેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે, શાળામાં વર્ષ દરમિયાન વિકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ મોડલ ટેસ્ટ, પ્રેક્ટીસ ટેસ્ટ વગેરે વિવિધ પ્રકારની પરીક્ષાઓ દ્વારા તૈયારીઓ કરાવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.