ગ્રામ પંચાયતનું પરિણામ:સુરત જિલ્લામાં 407માંથી 318 અને તાપી જિલ્લામાં 252માંથી 180 પંચાયતોનાં પરિણામો જાહેર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પીપલોદની એસવીપી સ્કૂલમાં મતગણતરી થઈ હતી. ચૌર્યાસીના રાજગરીના સરપંચ ધનસુખ પટેલ વિજેતા થતા સમર્થકોએ ચૂંટણી ચિન્હ કૂકર લઈને આનંદ મનાવ્યો હતો. સરઘસમાં સરપંચની પુત્રી બુલેટ પર નીકળી હતી. - Divya Bhaskar
પીપલોદની એસવીપી સ્કૂલમાં મતગણતરી થઈ હતી. ચૌર્યાસીના રાજગરીના સરપંચ ધનસુખ પટેલ વિજેતા થતા સમર્થકોએ ચૂંટણી ચિન્હ કૂકર લઈને આનંદ મનાવ્યો હતો. સરઘસમાં સરપંચની પુત્રી બુલેટ પર નીકળી હતી.
  • શહેરના પીપલોદ વિસ્તારની એસવીપી સ્કૂલ સહિત જિલ્લાનાં 9 સ્થળે 92 હોલમાં મતગણતરી યોજાઈ, ઠેર-ઠેર વિજય સરઘસ નિકળ્યા

સુરત જિલ્લાના 9 તાલુકાના 407 પંચાયત માટે થયેલી મતગણતરીમાં રાત્રે 9 વાગ્યા સુધીમાં 318 ગામના સરપંચ-સભ્યોની મતગણતરી પૂર્ણ થઇ હતી. જયારે 89 પંચાયતની મતગણતરી બાકી હોવાથી મોડીરાત સુધીમાં ફાયનલ પરિણામ જાહેર કરવામાં આવશે. સુરત જિલ્લાનાં 407 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 391 સરપંચ અને 2539 વોર્ડ સભ્ય માટે ઉમેદવારોનું ભાવી મતદાનપેટીમાં સિલ હોય આજે સવારે 7 વાગ્યાથી જ મતગણતરી શરૂ કરી દેવામાં આવી હતી.

શહેરમાં ચોર્યાસી તાલુકાના સરદાર પટેલ સ્કૂલ, પીપલોદ સહિત જિલ્લામાં કુલ 9 સ્થળોએ 92 હોલની વ્યવસ્થા હતી, જેમાં તબક્કાવાર થયેલી મતગણતરીમાં મોટી સંખ્યામાં મત રદ્દ થયા હોવાથી અનેક ઉમેદવારોએ કચવાટ પણ અનુભવ્યો હતો. જેમાં મોડી સાંજે 7 વાગ્યા સુધીનું મતગણતરીનું ચિત્ર જોવા જઇએ તો 318 ગામના સરપંચ-સભ્યોની મતગણતરી પૂર્ણ થઇ હતી, જયારે 89 જેટલા ગામની મતગણતરી બાકી હોવાથી મોડી રાત સુધી ગણતરી ચાલુ રાખવી પડે તેવી સ્થિતિ જોવા મળી છે.

બીજીતરફ તાપીમાં 252 ગ્રામ પંચાયત પૈકી 180નું રિઝલ્ટ ડિક્લેર થયા હતા. તાપી જિલ્લામાં ગ્રામ પંચાયતમાં 263 સામાન્ય, 3 પેટા આમ કુલ-266 ગ્રામ પંચાયતો માટે 19.12.21 રોજ જિલ્લામાં 652 સામાન્ય અને 7 પેટા આમ કુલ-659 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં 12 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે.

નવસારીની 269 અને ડાંગની 41 ગ્રામ પંચાયતોનાં પરિણામો જાહેર, નવસારીની 22 પંચાયતોની ગણતરી મોડે સુધી ચાલી
નવસારી જિલ્લામાં યોજાયેલી 269 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મંગળવારે મત ગણતરી પૂર્ણ થઈ હતી. જિલ્લાના 4 તાલુકામાં મત ગણતરી મોડે સુધી ચાલી હતી. ડાંગ જિલ્લાની 41 ગ્રામ પંચાયતના પરિણામો જાહેર થયા હતા.જિલ્લામાં 269 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રવિવારે મતદાન થયા બાદ મંગળવારે તેની મત ગણતરી શરૂ થઈ હતી.

જિલ્લાના 6 તાલુકામાં દરેકમાં એક -એક જગ્યાએ ઉક્ત તાલુકાની ગ્રામ પંચાયતોની મત ગણતરી સવારથી શરૂ થઈ હતી. વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકામાં તો વધુ ગ્રામ પંચાયતોની મત ગણતરી હોય મોડે સુધી મત ગણતરી ચાલી હતી પણ જ્યાં 22 જ ગ્રામ પંચાયતોની ગણતરી હોવા છતાં ગણતરીમાં વિલંબ થયો હતો.

પરિવારના 12 સભ્યો છતાં વાપીના છરવાડામાં ઉમેદવારને 1 જ મત!, વલસાડ જિલ્લામાં 302 સરપંચ-સભ્યો વિજય જાહેર
વાપી તાલુકાના છરવાડાના વોર્ડ નં. 5ના સભ્યના ઉમેદવારને માત્ર 1 મત મળતાં સૌ ચોંકી ઉઠયા હતાં. ઉમેદવારના પત્ની સહિત પરિવારના 12 સભ્યો છે. દિવ્ય ભાસ્કર સાથેની વાત-ચીતમાં જણાવ્યું હતું કે મારા માટે મત નહિ પરંતુ ચૂંટણી લડ્યો તે મહત્વનું છે. વાપીના છરવાડા પંચાયતમાંથી વોર્ડ નં. 5માંથી સંતોષ હળપતિએ સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી હતી.

તેમની પેનલના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રચાર કર્યો હતો,પરંતુ મંગળ‌ારે હાથ ધરાયેલી મતગણતરીમાં તેઓ ચર્ચાનો વિષય બન્યા હતાં. કારણ કે ચૂંટણી અધિકારીએ વોર્ડ નં. 5માં સંતોષ હળપતિને માત્ર 1 મત મળે છે તેવી જાહેરાત કરી હતી. એક સમયે આ જાહેરાત કોઇ માનવા તૈયાર ન હતું.મિડિયાકર્મીઓએ ચૂંટણી અધિકારી પાસે ખરાઇ કરતાં સંતોષને એક મત મળ્યો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...