• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Resolution To Build 208 Hostels For Needy Tribal Children Across The Country Including South Gujarat Saurashtra At A Cost Of Over Rs 100 Crore, 109 Hostels Dedicated

સુરતમાં અનોખો સંકલ્પ:દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સહિત દેશભરના જરૂરિયાતમંદ આદિવાસી બાળકો માટે 100 કરોડથી વધુના ખર્ચે 208 હોસ્ટેલ બાંધશે

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
રવિવારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ગામમાં એક સાથે બે હોસ્ટેલોના ઉદઘાટન કરાયા હતા, જે આ સેવાયજ્ઞની સિરીઝમાં 108મી તથા 109મી હોસ્ટેલ છે. - Divya Bhaskar
રવિવારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ગામમાં એક સાથે બે હોસ્ટેલોના ઉદઘાટન કરાયા હતા, જે આ સેવાયજ્ઞની સિરીઝમાં 108મી તથા 109મી હોસ્ટેલ છે.
  • શહેરના માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્ર્સ્ટ સાથે નાના મોટા 171 દાતા પણ જોડાયા
  • 2015માં કાકરાપાર-બેડકૂવાદૂર ગામે લોકાર્પણમાં આવેલા મહેમાનોથી સેવાયજ્ઞ શરૂ કરાયો હતો
  • મેં બાળપણમાં જોયેલી ગરીબી આજનું કોઈ બાળક ન અનુભવે તે અમારું મુખ્ય લક્ષ્ય: કેશુભાઈ ગોટી
  • આ કામમાં 109 હોસ્ટેલ સમર્પિત કરી દેવામાં આવી છે

શહેરની મોટી કંપનીઓથી લઈને સામાન્ય વ્યક્તિ સુધીના અનેક દાતાઓએ જરૂરિયાતમંદ આદિવાસી બાળકોને રહેવા, જમવા સહિતની સુવિધાઓ મળી રહે તે માટે હોસ્ટેલ નિર્માણ કરવાનું બીડું ઝડપ્યું છે. 6-7 વર્ષ દરમિયાન 208 જેટલી હોસ્ટેલો નિર્માણ કરવાના સંકલ્પ સાથે આગળ ધપી રહેલા આ સેવાયજ્ઞના ફળ સ્વરૂપે આજે 109 હોસ્ટેલોના લોકાર્પણ થઈ ચુક્યાં છે. 30 જેટલી તૈયાર થવાની આરે છે અને બાકીની 40 માટે સ્થળ પસંદ કરવાનું બાકી છે. કુલ 100 કરોડ જેવી માતબર રકમના આ સેવાકાર્યમાં શહેરના માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્ર્સ્ટ સાથે 171 જેટલા દાતા પણ જોડાયા છે.

ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઇ ગોટીએ જણાવ્યું કે, આદિવાસી ગામોમાં રવિવારે 108-109મી હોસ્ટેલોનું ઉદઘાટન થયું છે. બાળપણમાં ખૂબ ગરીબી હોવાથી મને કપડાં, ખોરાક કે સારી ચીજવસ્તુઓ મળી ન હતી. આવું દર્દ મેં આ બાળકોમાં જોયું છે, તેથી તેઓ અભ્યાસથી વંચિત રહી ન જાય તે માટે કંઈક કરવું જોઈએ તેવો વિચાર આવતા સંકલ્પ કરાયો હતો.

વધુ ને વધુ હોસ્ટેલોના સંકલ્પો લેવાતાં ગયા
મિત્ર ઘનશ્યામ ભોજાણી સાથે મળીને 2015માં કાકરાપાર નજીક બેડકૂવાદૂર ગામે 11.89 લાખના ખર્ચે હોસ્ટેલ તૈયાર કરી. જેમાં હાજર કેટલાક મહેમાનોમાંથી બે-ત્રણ આગળ આવતાં 5 હોસ્ટેલની તૈયારી કરાઈ. જો કે, ધીમે ધીમે દાતાઓ વધતાં 51 હોસ્ટેલો બનાવવા વિચાર્યું. એક વખત એક મિત્ર પ્રદીપ સિંઘીએ મને કહ્યું કે 108 હોસ્ટેલ બનાવવાનો સંકલ્પ કરો. આજે 208ના સંકલ્પ સુધી અમે પહોંચ્યા છીએ, જેમાં 171 દાતાઓ છે. - કેશુભાઇ ગોટી

તમામ હોસ્ટેલોના દાતાઓ આ રીતે અનોખા છે
કેટલાક દાતા પ્રતિષ્ઠિત કંપનીના માલિકો છે તો કેટલાક સામાન્ય છે. એક વડીલે 45 લાખની મૂડી આપી છે. એક વડીલના પત્ની અવસાન પામતાં વીમા રકમ દાન આપી છે. એક સિનિયર સિટીઝનનું ગ્રુપ છે તેમણે પણ દાન આપ્યું છે. અમારી કર્મયોગી ટીમના 30 વ્યક્તિ સંસ્થાનું હૃદય છે. બધી જ હોસ્ટેલોમાં અમારું અડધું યોગદાન અને બાકીનું અડધું દાતાનું હોય છે. હોસ્ટેલનું નામકરણ જે તે દાતા કે સંસ્થાનું હોય છે. જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ છોડી માત્રને માત્ર માનવતાવાદ પર કામ થઈ રહ્યું હોવાનું કેશુભાઈએ જણાવ્યું હતું.

અત્યાર સુધીમાં દેશભરના આ સ્થળે હોસ્ટેલો શરૂ કરી દેવામાં આવી છે
અત્યાર સુધીમાં આસામ, ઓરિસ્સા, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, કચ્છ, જામનગર તેમજ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોના ગામડાંઓમાં હોસ્ટેલો તૈયાર કરી છે.

વિનોબા ભાવેના વિચારોથી પ્રભાવિત થયા
વિનોબા ભાવેના વિચારોથી પ્રભાવિત થઈને માત્ર એક જગ્યાએ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ કે હોસ્ટેલ તૈયાર કરવી તેવા સંકલ્પને અસંખ્ય દાતાઓએ પ્રેરકબળ પૂરું પાડી નાનકડાં છોડને વટવૃક્ષ બનાવી દીધું છે. 109નાં લોકાર્પણ થઈ ગયાં. બીજી 30 તૈયાર થવાની આરે છે. હજારો બાળકોને હોસ્ટેલોનો સીધો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...