ધી પિંજરત સેવા સહકારી મંડળીના 14 પૈકીના 7 ડિરેક્ટરોએ રાજીનામું આપીને સંસ્થાના પ્રમુખ એકહથ્થુ શાસન ચલાવતા હોવાનો આરોપ લગાવી વહીવટદાર નિમવા માટે માંગ કરી છે. પિંજરત સેવા સહકારી મંડળીમાં રોજનું 12 હજાર લીટર દુધ આવે છે અને તે સમુલ ડેરીમાં ભરવામાં આવે છે.
આ મંડળીનું વાર્ષિક ટર્નઓવર અંદાજી 150 કરોડથી વધારેનું છે, પરંતુ સંસ્થાના હાલના પ્રમુખ એકહથ્થુ શાસન ચલાવતા હોવાની રાવ સાથે 14 ડિરેક્ટરો પૈકી ઈશ્વર દુલ્લભ પટેલ, ભાવેશ મનુ પટેલ, લલ્લુ નરસિંહ સુરતી, ઠાકોર મણી પટેલ, રણજીત ગણપત પટેલ, જગદીશ કેશવ પટેલ અને કિશોર પટેલ મળીને 7 ડિરેક્ટરોએ રાજીનામા આપ્યા છે. રાજીનામું આપનારા ડિરેક્ટરોએ સુરત જિલ્લા રજીસ્ટ્રારને પત્ર લખીને ફરિયાદ કરી છે કે, ‘સંસ્થાના પ્રમુખ દ્વારા એકહથ્થુ શાસન ચલાવવામાં આવે છે.
પત્રમાં કહ્યુ છે કે, ‘સંસ્થાના પ્રમુખ બોર્ડ ઓફ ડિરેક્ટરોની ગણતરી કરતા નથી. પોતાની રીતે જ વહીવટ કરે છે. બોર્ડ મિટિંગમાં ડિરેક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવે તો તો નોંધ લેવામાં આવતી નથી. મિટિંગમાં ડિરેક્ટરો સાથે ઉદ્ધતાઈથી વર્તન કરવામાં આવે છે. સંસ્થાના 75 વર્ષની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે, તે અંગે કોઈ પણ જાતની સમિતી કે, બોર્ડને જાણ કર્યા વગર પોતાની રીતે જ તારીખો નક્કી કરીને આડેઘડ નિર્ણય કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને કલમ 81 પ્રમાણે નોટિસ આપી વહીવટદારની નિમણૂંક કરવામાં આવે’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.