આક્રોશ:માનદરવાજા ટેનામેન્ટના નળ-ગટર લાઈન કપાતાં રહીશોનો કોર્પોરેટરના ઘરે હોબાળો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
​​​​​​​પાલિકાએ પાણી-ગટર લાઇનના કનેક્શનો કાપી નાખતા રહીશોમાં રોષ ફેલાયો હતો - Divya Bhaskar
​​​​​​​પાલિકાએ પાણી-ગટર લાઇનના કનેક્શનો કાપી નાખતા રહીશોમાં રોષ ફેલાયો હતો
  • ભાઠેનામાં 200થી વધુના ટોળાએ કોર્પોરેટર જયેશ રાણાને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી
  • ઉકેલ લાવવા આજે ધારાસભ્ય સંગીતા પાટીલ અને અરવિંદ રાણા સાથે મીટિંગ કરવામાં આવશે

માનદરવાજા ટેનામેન્ટ જર્જરિત થઈ જતાં પાલિકાએ દસેક દિવસ પહેલાં આવાસ ખાલી કરી દેવા નોટીસ ફટકારી હતી. ત્યારબાદ બે દિવસ અગાઉ નળ-ગટર લાઈન પણ કાપી નંખાઈ છે. જર્જરિત ચોથા માળના રહીશોએ અગાઉ ખાલી કરી દીધા બાદ ત્રીજા માળના રહીશોને પણ ફ્લેટ ખાલી કરવા દબાણ કરી સીલ મારી દેવાતાં લોકો રસ્તા પર આવી ગયાં છે.

જેથી રવિવારે 200થી વધુ સ્થાનિક રહીશોએ ભાજપ કોર્પોરેટર જયેશ રાણાના ભાઠેનાના નિવાસ સ્થાને પહોંચી હોબાળો કર્યો હતો અને તમામ 320 આવાસ ધારકોને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગણી કરી હતી. જે બાબતે આજે સવારે 10.30 વાગ્યે ધારાસભ્ય અરવિંદ રાણા અને સંગીતા પાટીલ સાથે મીટિંગનું આયોજન કરાયું છે.

કનેક્શનો કાપી સીલ મરાતાં લોકોની સ્થિતિ કફોડી બની
કોઈ પણ જાતના લખાણ વગર ખાલી કરવા પાલિકાનું દબાણ છે. ચોથા માળે તો સીલ મારી દેવામાં હતું હવે ત્રીજા માળના રહીશોને પણ સીલ મારી દીધા છે. 2 દિવસથી તો નળ-ગટર જોડાણ પણ કાપી નાંખ્યા છે.આવવા જવાની પણ અગવડતાં પડી છે. જેથી લોકોની હાલત કફોડી બની છે.સોમવારની મીટિંગમાં ઉકેલ આવે તેવી આશા છે.’ > વિજય લિંબાચિયા, સ્થાનિક રહીશ

પ્રશ્નો ઉકેલવા પ્રયાસ ચાલુ છે
ભાઠેનાના નિવાસ સ્થાને માન દરવાજાના અસરગ્રસ્તો આવ્યા હતાં. તેઓની માંગ છે કે, 320 ફ્લેટ છે. તમામ ખાલી કરવા તૈયાર છે પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા મળવી જોઈએ. હું તેઓની સાથે જ છું. તેઓના પ્રશ્નો ઉકેલાય તે માટે પ્રયાસ કરાઇ રહ્યાં છે. સોમવારે સવારે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, અરવિંદ રાણા આવવાના છે અને મિટિંગ રાખવામાં આવી છે. -જયેશ રાણા, કોર્પોરેટર, વોર્ડ-20-ખટોદરા

અન્ય સમાચારો પણ છે...