સુરતના ઉધના ઝોનમાં આવેલા કોર્પોરેશનના અનામત પ્લોટ અને ટીપીના રસ્તા પર છેલ્લા કેટલાક માથાભારે શખ્સો દ્વારા દારૂના અડ્ડા ધમધમી રહ્યા હતા. પહેલી નજરે તેને દૂર કરવાની ફરજ અને જવાબદારી પોલીસની આવે છે. પણ આ કામ સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતા દ્વારા કરવામાં આવ્યું છે.મહાનગરપાલિકા દ્વારા 300 ચોરસફૂટ જેટલું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે.
ગેરકાયદે દારૂનું વેચાણ થતું હતું
બમરોલી વિસ્તારમાં આવેલા પાલિકાના ગાર્ડનની રિઝર્વેશનની જગ્યા પર કેટલાક માથાભારે શખ્સો દ્વારા લાકડાના ટેકા ઉભા કરીને દારૂનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું હતું. અત્યાર સુધી પોલીસના ધ્યાનમાં આ વાત ના આવી પણ ઉધના ઝોનના કાર્યપાલક ઇજનેરના ધ્યાનમાં આવતા તેઓએ શહેર વિકાસ વિભાગ, દબાણ વિભાગ તેમજ કોર્પોરેશનના સિક્યોરિટી સ્ટાફ અને એસઆરપી સહિતના જવાનોને સાથે રાખીને આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જેની જાણ પાંડેસરા પોલીસને પણ કરવામાં આવી હતી.
300 ચોરસફૂટ બાંધકામ દૂર કરાયું
કોર્પોરેશન દ્વારા કામગીરી કરાતા દારૂનું વેચાણ કરતા ઈસમો ભાગી ગયા હતા. જોકે પોલીસ દ્વારા મોડે મોડે પહોંચીને દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા અહીં 420 ચોરસ ફૂટ જેટલું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. તે જ પ્રમાણે વડોદ ગામમાં પણ આ જ પ્રમાણે કોર્પોરેશનની જગ્યા પર દારૂનું ગેરકાયદે વેચાણ થઇ રહ્યું હોવાનું ધ્યાને આવતા મહાનગરપાલિકા દ્વારા 300 ચોરસફૂટ જેટલું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાસ્ત્રીનગર પાસે પણ કામગીરી કરવામાં આવી હતી.
ન્યુસન્સ દૂર કરાયું
આ પહેલા પણ સાઉથ ઝોન ઉધના દ્વારા પાંડેસરા જીઆઇડીસી પાસે પાલિકાના પ્લોટ પર ગેરકાયદેસર શેડ બાંધીને દારૂનું વેચાણ કરતા ઇસમોનું ન્યુસન્સ દૂર કરવામાં આવ્યું હતું. ત્યારે સવાલ એ થાય કે શું આ વિસ્તારની પોલીસ આંખે પાટા બાંધીને બેસી રહે છે કે પછી તેમના મેળાપીપણામાં જ આ ધંધો ફૂલી ફળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.