બેદરકારી:ફાયર સેફ્ટીની 6 નોટિસ અવગણતાં સિવિલ-મસ્કતી વિરુદ્ધ રિપોર્ટ કરાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમિશનરે 3 વખત રૂબરૂ બોલાવી તાકીદ કરવા છતાં બેદરકારી

કોરોના બીજી લહેર દરમ્યાન વિવિધ કોવિડ હોસ્પિટલોમાં ઉપરા-છાપરી સામે આવેલી આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુપ્રિમ કોર્ટે તમામ હોસ્પિટલોમાં ફાયર એનઓસી અને બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટની સાથે મિલકતની કાયદેસરતા ચકાસવા હુકમ કર્યો હતો. જેના આધારે તાજેતરમાં જ સુરત મનપાએ 883 હોસ્પિટલોમાં કરેલા સરવેને આધારે બીયુ વગરની 349 હોસ્પિટલ જ્યારે વિકાસ પરવાનગી વગર જ ચણી દેવાયેલી 290 હોસ્પિટલો સામે કાર્યવાહી કરવાની રણનીતિ બનાવી છે ત્યાં ખુદ પાલિકાના નેજા હેઠળ ચાલતી ટાવર રોડની મસ્ક્તી હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નથી.

એટલું જ નહીં પણ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલમાં પણ ફાયર એનઓસી નથી. 6 વખત નોટીસ ફટકાર્યા બાદ પણ સિવિલ હોસ્પિટલ તથા મસ્કતી હોસ્પિટલમાં નિયમ પ્રમાણે ફાયર સેફ્ટી લગાવવામાં આવી ન હોવાનું ફાયર વિભાગે જણાવ્યું છે.

ચીફ ફાયર ઓફિસર બસંત પરીકે કહ્યું કે, સિવિલ અને મસ્કતી હોસ્પિટલના સત્તાધારીઓને ખુદ પાલિકા કમિશનરે ત્રણ વખત રૂબરુ બોલાવી ફાયર એનઓસી મેળવી લેવાની તાકીદ કરી હતી. તેમ છતાં લોકોના જીવ જોખમમાં મુકનાર અને ફાયર સેફ્ટી ન લગાડનાર આ હોસ્પિટલોએ કોઇ દરકાર લીધી નથી. જેથી આ બન્ને હોસ્પિટલોની બેદરકારી અંગે સરકારમાં રિપોર્ટ કરાયો હોવાનું ફાયર વિભાગે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...