ચોમાસા પહેલા તૈયારી:સુરતમાં ગટર સમિતિની બેઠકમાં ડ્રેનેજ લાઈનનું રીપેરીંગ કામ અને નવી લાઈન માટે 22 કરોડ ફાળવવામાં આવ્યા

સુરતએક મહિનો પહેલા
ગટર સમિતિના ચેરમેન વિક્રમ પાટીલ. - Divya Bhaskar
ગટર સમિતિના ચેરમેન વિક્રમ પાટીલ.
  • ચોમાસા પહેલા ડ્રેનેજ લાઈન અને વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચના

ચોમાસામાં દર વખતે મેનહોલની અંદર કચરો વધી જવાથી અથવા તો ચેમ્બર તુટી જવાના કારણે અનેક જગ્યાઓ પર ગંદા પાણી ઉભરાતા હોય છે. વરસાદી પાણીનો પણ નિકાલ ન થતો હોવાને કારણે ડ્રેનેજનું દૂષિત પાણી સોસાયટીઓમાં અને રસ્તા ઉપર ફરી વળે છે. જેને કારણે રોગચાળો ફેલાવવાની ખૂબ જ મોટા પ્રમાણમાં શક્યતાઓ છે. આજે મળેલી ગટર સમિતિની બેઠકમાં રૂપિયા 22 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે જેથી કરીને ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ થાય.

ભારે વરસાદના કારણે લાઈનો ચોકઅપ થઈ જાય છે
ચોમાસા દરમિયાન દર વખતે પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ જ્યારે પણ શહેરમાં એક ઇંચ કરતાં પણ વધારે વરસાદ એક કલાક જેટલા સમયમાં ખાબકતાં હોય છે ત્યારે તમામ તૈયારીઓ નિષ્ફળ થતી દેખાય છે. વરસાદ વધુ આવતાની સાથે જ લાઈનો ચોકઅપ થઈ જતી હોય છે. ચેમ્બરો પણ ઘણી જગ્યાએ તૂટેલી હોય છે અને જ્યાં રીપેરીંગ કામ કરવામાં આવતો હશે તે પણ યોગ્ય રીતે થયું ન હોવાને કારણે રાહદારીઓને પણ ભારે મુશ્કેલી પડતી હોય છે. સુરત મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તારોની અંદર પણ ડ્રેનેજ લાઇનની કામગીરી યોગ્ય રીતે થાય તેના માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

શહેરીજનોને કોઈ તકલીફ ન રહે તે માટે કામગીરી
ગટર સમિતિના ચેરમેન વિક્રમ પાટીલે જણાવ્યું કે શહેરની અંદર જેટલી પણ ગટર લાઈનો છે તેને સાફ સફાઈ માટે ખાસ કરીને મેન હોલ અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં કચરો એકત્રીત થઈ જતો હોય છે તેને દૂર કરવા માટેની કામગીરી સોંપવામાં આવી છે. નવા સેમ્પલ ચેમ્બર તૈયાર કરવા માટેની પણ કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યાં આગળ ચેમ્બરને રીપેરીંગ કરવાની જરૂરિયાત છે તે આગળ રીપેરીંગ કરવામાં આવશે. નવા સમાવિષ્ટ વિસ્તારોની અંદર ડ્રેનેજ અને વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તેના માટેની વ્યવસ્થા કરવા માટેની તાકીદે સૂચના આપવામાં આવી છે. જેથી કરીને આગામી દિવસોમાં ચોમાસું શરૂ થાય ત્યારે શહેરીજનોને કોઈ તકલીફ ન રહે.