ઉકેલ:‘તૂટેલા ડામર રોડના રિપેરિંગમાં 3 મહિનામાં 300 કરોડ ખર્ચાશે આટલામાં તો 25 વર્ષ ટકે તેવા 200 કિમીના RCC રોડ બની શકે’

સુરત12 દિવસ પહેલા
 • કૉપી લિંક
આરસીસી રોડ કેટલા મજબૂત અને ટકાઉ હોય છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ શહેરનો ડુમસ રોડનો ગૌરવ પથ છે, જે 16 વર્ષથી ખરાબ થયો નથી. - Divya Bhaskar
આરસીસી રોડ કેટલા મજબૂત અને ટકાઉ હોય છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ શહેરનો ડુમસ રોડનો ગૌરવ પથ છે, જે 16 વર્ષથી ખરાબ થયો નથી.
 • પાલિકાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ ઈજનેરે દર વર્ષની ઝંઝટમાંથી છૂટકારો મેળવવાનો રસ્તો બતાવ્યો
 • શહેરના 32 લાખ વાહનચાલકો માટે દર વર્ષે ચોમાસાના 3 મહિના અને ત્યાર પછીના બીજા 3 મહિના રોડ પર પડેલા ખાડા વેઠવાનો વારો

ડામર રોડના મેઇન્ટેનન્સ પાછળ 10 વર્ષમાં 500 કરોડ ખર્ચ્યા છતાં 3812 કિમી પૈકી દર વર્ષે 60 કિમીના રોડ તૂટી જાય છે, ખર્ચ-ભારણ ઘટાડવા સીસી રોડના ક્રાઇટેરિયા બનાવ્યા પણ અમલ શૂન્ય, ડામર રોડના વારંવારના ખર્ચાઓથી ‘ઘડામણ’ મોંઘી જ્યારે લાંબા ગાળે કોંક્રિટના રોડ સસ્તા સાબિત થયા

અધધ ખર્ચ કરવા છતાં આગામી ચોમાસામાં પણ આ જ હાલત હશે
શહેરના 3812 કિમી પૈકીના 60 કિમી રોડ વરસાદમાં ધોવાઈ ગયા છે. લાખો વાહનચાલકો ખાડાઓથી પરેશાન છે ત્યારે પાલિકાએ તૂટેલા ડામર રોડની મરામત સહિતની કામગીરી માટે આગામી 3 મહિનામાં જ 300 કરોડના ખર્ચની રૂપરેખા તૈયાર કરી છે. હાલમાં જ 226 કરોડ રૂપિયાનો ડામર ખરીદવા મંજૂરી પણ આપી છે. અધધ ખર્ચ બાદ પણ આક વાત ચોક્કસ છે કે, આગામી ચોમાસામાં પણ આ જ હાલત હશે. 300 કરોડના અંદાજિત ખર્ચમાં તો 200 કિમી લાંબા રેસિડેન્સિયલ સિમેન્ટ કોંક્રિટ (સીસી) રોડ બની શકે છે. જે આગામી 25 વર્ષ સુધી ટકશે અને કરોડોના મેઇન્ટેનન્સમાંથી પણ રાહત મળી શકશે.

સીસી રોડ કેટલા મજબુત અને ટકાઉ હોય શકે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ડુમસ રોડનો ગૌરવ પથ છે. વર્ષ 2004ના ડિસેમ્બરથી જુલાઇ 2005 સુધીમાં બનીને તૈયાર થયેલો ગૌરવ પથ 16 વર્ષ બાદ પણ ખુબ સારી સ્થિતિમાં છે. આ જ રીતે અડાજણમાં ધનમોરા સર્કલથી બનેલો રાંદેર રોડ આજે પણ સારી સ્થિતિમાં છે અને આગામી 10-12 વર્ષ સુધી પણ આવો જ રહેશે. 1 કિમી લાંબી અને 3.75 મીટર પહોળાઇ ધરાવતી સિંગલ લેન ડામર રોડના નિર્માણમાં સરેરાશ 1 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. જ્યારે આટલા જ લાંબા રસ્તાને સીસી રોડ બનાવવા પાછળ 1.30થી 1.40 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. જો કે ડામર રોડની તુલનામાં સીસી રોડની લાઇફ 12થી 15 વર્ષ વધુ હોય છે.

શહેરના 3812 કિમીના રોડ માટે પાલિકાના ઝોનલ અધિકારીઓ તથા સ્વતંત્ર મધ્યસ્થ રોડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ જવાબદાર છે. જે દર વર્ષે માત્ર મેઇન્ટેનન્સ પાછળ જ 50 કરોડથી વધુનો ખર્ચ કરી દે છે. છેલ્લા 10 વર્ષમાં જ શહેરભરના રોડના મેઇન્ટેનન્સ પાછળ વધારાના 500 કરોડના ખર્ચનો અંદાજ છે. તેમ છતાં આ વર્ષે જ ધોવાઈ ગયેલા 60 કિમી લાંબા રોડ માટે 300 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ છે ત્યારે આટલા અધધ ખર્ચામાં તો રેસિડેન્સિયલ એટલે સોસાયટીના 6 મીટરવાળા 200 કિમી લાંબા સિંગલ લેન રોડ બનાવી શકાય તેમ છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં રજિસ્ટર થયેલા 32 લાખ વાહનો સાથે સુરત રાજ્યનું બીજા નંબરનું શહેર છે કે જ્યાં સૌથી વધુ વાહનો દોડી રહ્યાં છે, જેઓ હાલ ખાડાનો સામનો કરી રહ્યા છે.

ચોમાસામાં 60 કિમીના રોડ તૂટી ગયા છે. પાલિકાએ ઠેર ઠેર પેચવર્ક કર્યાં છે. કેટલાક સ્થળે તો રોડ રિકાર્પેટ જ કરવા પડે એટલી ખરાબ સ્થિતિ છે.
ચોમાસામાં 60 કિમીના રોડ તૂટી ગયા છે. પાલિકાએ ઠેર ઠેર પેચવર્ક કર્યાં છે. કેટલાક સ્થળે તો રોડ રિકાર્પેટ જ કરવા પડે એટલી ખરાબ સ્થિતિ છે.

આરસીસી રોડ ક્યાં ક્યાં બનાવવા તે માટેના ક્રાઇટેરિયા પાલિકાએ આ રીતે નક્કી કર્યા હતા
​​​​​​​ક્રાઇટેરીયાઃ શ્રેષ્ઠ વિસ્તારો તથા 24 મીટર પહોળા રોડને આરસીસીનો બનાવવા અગ્રિમતા આપવી. તેવી જ રીતે જ્યાં ટ્રાફિકનું ભારણ વધુ રહેતું હોય, લોંગ લાઇન એરિયા હોય, નિચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાવો થતો હોય અને ફલાય ઓવર બ્રિજની નીચેના રોડ ઉપર આરસીસી રોડ જ બનાવવા નક્કી કરાયું હતું. જો કે, મહદઅંશે આ ક્રાઇટેરીયાનું પાલન ખુદ પાલિકા જ કરતી નથી.

લાંબા ગાળે સીસી રોડ આ રીતે સસ્તા પડે છે
ભૂગર્ભ પાઇપલાઇન નેટવર્કની ફિઝિબિલિટી ચકાસી સીસી રોડ જ બનાવવા જોઇએ. જો કે, પાલિકાના રોડ વિભાગના નિર્ણાયક અધિકારીઓ કોન્ટ્રાક્ટરોના લાભ માટે ડામર રોડ જ પ્રિફર કરતા આવ્યા છે. સીસી રોડની ઇનિશિયલ કિંમત ડામરના રસ્તાઓ કરતા વધારે હોય છે પરંતુ ડામર રોડ વારંવાર તૂટતા હોય છે, દર 3 વર્ષે રિકાર્પેટ કરવા જ પડે, જેથી સીસી રોડ પર મેઇન્ટેનન્સ અને રિપેરિંગ નહીંવત હોવાથી લાંબા ગાળે ડામર રોડની સરખામણીમાં સસ્તા પડે છે.

નિષ્ણાતનાં સૂચનો
​​​​​​​વર્ષોથી રિકાર્પેટિંગ કરાતું હોવાથી રોડના લેવલ પ્લિન્થથી ઊંચા થઈ ગયા, મિલિંગ ખર્ચ વધ્યા

​​​​​​​ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં દર વર્ષે થીગળા અને અને કારપેટ તથા રિ-કારપેટના લેયર ઉપર લેયર ચઢી ગયા છે. સ્થિતિ એ થઇ ગઇ છે કે રોડ લેવલ ઘર-દુકાનોથી ઊંચા થઇ ગયા છે. આરડીડી વિભાગના એન્જિનિયર્સ ટીમની અણઆવડતના લીધે હવે આ રોડ લેવલનું મિલિંગ કરવાનો એક વધારાનો ખર્ચ પાલિકા તીજોરી ઉપર બોજ બન્યું છે.

ડામર રોડ પર દર 3 વર્ષે નવા લેયરો બનવાથી નજીકનાં ઘરોમાં પાણી ઘૂસી જવાની સમસ્યા
ડામર રોડનાં મરામત માટે દર ૩ વર્ષે થતાં પ્રત્યેક નવા લેયરના લીધે રોડ લેવલ મિલકતોથી ઊંચા થઇ ગયાં છે. જેના લીધે વરસાદી પાણી યોગ્ય રીતે નીકાલ થતું નથી અને પાણી રોડની ઉંચાઇના લીધે ઘરોમાં પ્રવેશી જાય છે.

શહેરનાં મુખ્ય એન્ટ્રી પોઇન્ટના રોડ દર વર્ષે તૂટે છે, ખર્ચ ટાળવા સીસી રોડ એકમાત્ર વિકલ્પ
શહેરના પ્રવેશ દ્વાર ઉપર સતત વાહનોનો ધસારો અને ઘસારો હોવાથી એન્ટ્રી પોઈન્ટ જ ખાડા નગરીનો અનુુભવ કરાવી રહ્યા છે. ક્રાઇટેરિયા પ્રમાણે અહીં સીસી રોડ બનાવવાના હોય છે. જો કે દર વર્ષે રિપેરિંગ પાછળ આર્થિક બોજ વધી રહ્યો છે. પાલિકાએ હવે નવી લિમિટને ધ્યાનમાં રાખી નવા એન્ટ્રી પોઇન્ટને સીસીમાં તબદીલ કરવા જોઈએ.

ટ્રાફિકનું ભારણ ઘટાડવા શહેરના ટૂરિઝમ પોઇન્ટને જોડતા રોડ ફરજિયાત સીસી બનાવો
​​​​​​​ટ્રાફિકનું ભારણ ઘટાડવા શહેરના વિઝિટર્સને આકર્ષતા રોડ જેવા કે, એરપોર્ટ, રેલવે, ગોપીતળાવ, સાયન્સ સેન્ટર, ઓડીટોરિયમ, કિલ્લા જેવા ટુરિઝમ પોઇન્ટની સુંદરતા જાળવી રાખવા માટે ફરજિયાત સીસી રોડ બનવા જોઇએ.

સોસાયટીના રોડ પણ આરસીસી બનાવાય તો પાલિકાની તિજોરી પરનો બોજ ઘટી શકે
સોસાયટીઓમાં લોકફાળાની અવેજે પાલિકા ડામર રોડ તો બનાવી આપે છે પણ દર ત્રણ વર્ષે મેઇન્ટેનન્સમાં સહયોગ મળતો નથી. જેથી સીસી રોડ જ બનાવાય તો સુંદરતા વધવાની સાથે તીજોરી પરનો બોજ પણ ઘટશે. આ રોડ પાંચ વર્ષ પછી ડામર રોડથી સસ્તા સાબિત થઇ શકે છે.

શહેરમાં કેટલા કિમીના કયા રસ્તા

 • ​​​​​​​ડામર રોડ 2800 કિમી
 • ​​​​​​​કાચા રોડ 512 કિમી
 • ​​​​​​​RCC રોડ 250 કિમી
 • ​​​​​​​ACC રોડ 200 કિમી

​​​​​​​ડામર રોડ અને આરસીસી રોડ વચ્ચે કેટલાક મહત્વના તફાવત

માપદંડડામર રોડસીસી રોડ
લાઇફ3 વર્ષ40 વર્ષ
પ્રદુષણવધારેઓછું
ઇંધણની બચતઓછીવધુ
નિર્માણ ખર્ચસસ્તુ40% મોંઘુ
મેઇન્ટેનન્સવખતો વખતવર્ષો સુધી નહીં
નિર્માણ પદ્ધતિસરળઅઘરી
સફાઈવધુ મહેનતઓછી મહેનતે
લાંબા ગાળે કિંમતમોંઘીસસ્તી

​​​​​​​

સ્કવેર મીટર દીઠ કેટલા રૂપિયાનો ખર્ચ?

 • ડામર 900થી 1700​​​​​​​
 • એસીસી 450થી 500​​​​​​​
 • રિસરફેસ 350થી 360
 • ​​​​​​​આરસીસી 1250થી 2500
અન્ય સમાચારો પણ છે...